News of Tuesday, 2nd June 2026
૨૦૨૬ના તમિલનાડુના રાજકારણમાં ભારે ઉથલપાથલ અને મોટા ફેરફારોના સંકેત : ભાજપના આક્રમક નેતા કે. અન્નામલાઈનો પક્ષમાંથી રાજીનામાનો ચોંકાવનારો નિર્ણય
રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન સાથેની બેઠકમાં રાજીનામું સોંપ્યું : રાજ્યસભાની સીટ નકારીને નવી રાજકીય સફર કે જન આંદોલન શરૂ કરવાના એંધાણ : અમિતભાઈ શાહ સાથેની આગામી મુલાકાત પર દેશભરની નજર

નવી દિલ્હી: તમિલનાડુના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. તમિલનાડુ ભાજપના પૂર્વ પ્રમુખ અને આક્રમક નેતા કે. અન્નામલાઈએ ભારતીય જનતા પાર્ટી (BJP) માંથી રાજીનામું આપીને પક્ષ સાથેનો છેડો ફાડવાનો નિર્ણય કર્યો છે. નવી દિલ્હી ખાતે મંગળવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન સાથે યોજાયેલી એક અત્યંત મહત્વની અને ગુપ્ત બેઠક દરમિયાન તેમણે પોતાનું રાજીનામું સુપરત કરી દીધું છે. પક્ષના આંતરિક વર્તુળોમાંથી મળતી માહિતી અનુસાર, કે. અન્નામલાઈએ ભાજપના ટોચના નેતૃત્વ સમક્ષ ખૂબ જ સન્માનજનક રીતે પક્ષમાંથી મુક્ત થવાની અને સંબંધો વહેંચી લેવાની ઈચ્છા વ્યક્ત કરી દીધી છે, જેના કારણે દક્ષિણ ભારતના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.
રાજ્યસભાની ઓફર નકારી, હાઈકમાન્ડ હજુ પણ મનાવવાના પ્રયાસમાં વ્યસ્ત
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ હાઈકમાન્ડ દ્વારા કે. અન્નામલાઈને પક્ષમાં જાળવી રાખવા માટે અથાહ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત પક્ષ તરફથી તેમને રાજ્યસભાની સીટ આપવાની મોટી ઓફર પણ કરવામાં આવી હતી, પરંતુ તેમણે આ પ્રસ્તાવને સાફ નકારી કાઢ્યો છે. કેન્દ્રીય નેતૃત્વ તેમને રાષ્ટ્રીય સ્તરે મોટું પદ આપવા પર પણ વિચારણા કરી રહ્યું છે અને ત્યાં સુધી તેમને દિલ્હી ન છોડવા માટે સૂચના આપવામાં આવી છે. આગામી સમયમાં તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે પણ એક નિર્ણાયક મુલાકાત કરે તેવી પૂરેપૂરી સંભાવના છે. રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન અને સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ સાથેની બેઠકમાં તેમણે સ્પષ્ટ કહી દીધું છે કે, 'હવે હું મારો પોતાનો નવો રાહ પસંદ કરવા માંગુ છું.'
પ્રમુખ પદેથી હટાવ્યા બાદથી જ નારાજગી અને વિવાદોનો દોર શરૂ થયો હતો
વર્ષ ૨૦૨૦માં પૂર્વ આઈપીએસ (IPS) ઓફિસર તરીકે પોતાની સેવાનો ત્યાગ કરીને રાજકારણમાં પ્રવેશેલા કે. અન્નામલાઈ તમિલનાડુ ભાજપના સૌથી નાની ઉંમરના પ્રમુખ બન્યા હતા અને તેમણે પક્ષને મજબૂત કરવા ભારે લોકપ્રિયતા મેળવી હતી. જો કે, ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણી પૂર્વે એઆઈએડીએમકે (AIADMK) પક્ષ સાથે ફરીથી ગઠબંધન કરવાના હેતુથી, ભાજપ હાઈકમાન્ડે વર્ષ ૨૦૨૫માં કે. અન્નામલાઈને પ્રમુખ પદેથી હટાવીને તેમના સ્થાને નૈનાર નાગેન્દ્રનની નિમણૂક કરી દીધી હતી. ત્યારથી જ તેઓ પક્ષના આંતરિક વલણથી નારાજ હતા અને જાહેર મંચો પરથી સક્રિયતા ઓછી કરી દીધી હતી. અગાઉ, કે. અન્નામલાઈ દ્વારા તમિલનાડુના દિવંગત દિગ્ગજ નેતાઓ એમજીઆર અને કુમારી જયલલિતા પર કરાયેલા આક્રમક પ્રહારોના કારણે AIADMK સાથેના સંબંધો વણસ્યા હતા, જેને ભાજપ નેતૃત્વ ચૂંટણીમાં નુકસાનનું મુખ્ય કારણ માનતું હતું. આ ઉપરાંત, ૨૦૨૬ની ચૂંટણીમાં પોતાની મનપસંદ કોયમ્બતુર બેઠક પરથી ટિકિટ ન મળતા તેમનો અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો હતો.
અભિનેતા વિજયની એન્ટ્રી અને તમિલનાડુનું બદલાયેલું રાજકીય ગણિત
રાજકીય વિશ્લેષકોના મતે, વર્ષ ૨૦૨૬માં તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે ઉભરી આવેલા લોકપ્રિય અભિનેતા વિજયના પક્ષના અચાનક અને પ્રચંડ ઉદયના કારણે રાજ્યના રાજકીય સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. કે. અન્નામલાઈના નજીકના સૂત્રોનું કહેવું છે કે તેઓ પણ એવું માને છે કે હવે તમિલનાડુમાં દ્રવિડિયન પક્ષોનો યુગ આથમી રહ્યો છે અને ભાષા આધારિત જૂનું રાજકારણ હવે ચાલશે નહીં. અન્નામલાઈના મતે, વર્તમાન સમયમાં વિજયને ટક્કર આપી શકે તેવો કોઈ નેતા નથી. આ બદલાયેલા માહોલમાં કે. અન્નામલાઈ આગામી દિવસોમાં ભાજપ છોડીને એક વિશાળ 'જન આંદોલન' (People's Movement) શરૂ કરે તેવી પ્રબળ શક્યતા છે, જે ભવિષ્યમાં એક નવા રાજકીય પક્ષનું સ્વરૂપ પણ લઈ શકે છે. જો કે, આ અંગે આગામી બે દિવસમાં તેઓ પોતે જ સત્તાવાર જાહેરાત કરીને પોતાની અંતિમ સ્થિતિ સ્પષ્ટ કરશે.
(5:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
