<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

બિહાર વિધાન પરિષદમાં ડ્રગ્સના મુદ્દે ભારે હંગામો: યુવાનોને બરબાદ કરતા નશાના કારોબાર સામે પક્ષ-વિપક્ષ એક થયા, કડક કાયદાની માંગ!

મંદિરો-મઠો અંગેના નિવેદન પર ગૃહમાં મંત્રી અને આરજેડી નેતા સામસામે: રાજ્યમાં દારૂબંધી બાદ વધેલા 'ડ્રાય ડ્રગ્સ' અને મેડિકલ સ્ટોર્સના ખુલ્લા વેચાણ પર ત્રાટકવાની તૈયારી

પટણા : બિહાર વિધાન પરિષદના પ્રશ્નકાળ દરમિયાન મંગળવારે રાજ્યમાં વ્યાપકપણે વધી રહેલા ડ્રગ્સ અને નશાના દુરુપયોગનો મુદ્દો અત્યંત ગરમ રહ્યો હતો. યુવા પેઢીને બરબાદી તરફ ધકેલી રહેલા આ અદ્રશ્ય ઝેર સામે શાસક પક્ષ અને વિપક્ષ બંનેના સભ્યોએ એકસૂરે ચિંતા વ્યક્ત કરી હતી. વિધાન પરિષદના સભ્યોએ સ્પષ્ટ શબ્દોમાં માંગ કરી છે કે રાજ્ય સરકારે સામાન્ય પોલીસ કાર્યવાહીથી આગળ વધીને ડ્રગ્સના કારોબાર સામે કડક કાયદા ઘડવા અને વિશેષ ચર્ચા યોજવી જોઈએ.

આરજેડી (RJD) નેતા અજય કુમારે નશાના દૂષણને અત્યંત ગંભીર ગણાવતાં આ મુદ્દે ખાસ ચર્ચાની માંગ કરી હતી, જ્યારે જેડીયુ (JDU) નેતા નીરજ કુમારે સૂચન કર્યું હતું કે ગામડાઓમાં વડાઓ અને વોર્ડ સભ્યોને જવાબદારી સોંપીને 'ડ્રાય ડ્રગ્સ' સામે જનજાગૃતિ અને ગુપ્ત માહિતી એકત્રિત કરવાનું નેટવર્ક ઊભું કરવું જોઈએ.

ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી દવાઓ અને મંદિરો અંગેના નિવેદન પર ગરમાવો

ચર્ચા દરમિયાન આરજેડીના સુનિલ સિંહે ગંભીર આક્ષેપ કર્યો હતો કે અનેક મેડિકલ સ્ટોર્સ પરથી બાળકો અને યુવાનોને ડોક્ટરના ચિઠ્ઠી વગર નશામાં ઉપયોગમાં લેવાતી દવાઓ ખુલ્લેઆમ વેચવામાં આવી રહી છે. જોકે, તેમણે નિવેદન આપ્યું કે કેટલાંક મંદિરો અને મઠોમાં પણ ગાંજો પીવામાં આવે છે, જેના પર ગૃહમાં ભારે હોબાળો મચી ગયો હતો. બિહાર સરકારના મંત્રી પ્રમોદ ચંદ્રવંશીએ આ નિવેદનનો તીવ્ર વિરોધ કરતા કહ્યું કે પૂરાવા વગર ધાર્મિક સ્થળો સામે આ પ્રકારના આક્ષેપો અયોગ્ય છે.

દારૂબંધી બાદ બિહાર બન્યું 'ડ્રાય ડ્રગ્સ'નું સેન્ટર? ₹૪૬.૫ કરોડનું ડ્રગ્સ જપ્ત

ઉલ્લેખનીય છે કે બિહારમાં દારૂબંધી લાગુ થયા બાદ નેપાળ સરહદ અને પડોશી રાજ્યોમાંથી ગાંજો, બ્રાઉન સુગર, કોકેન અને હેરોઈન જેવા ઘાતક નશાની તસ્કરી વધી છે. મે ૨૦૨૬ માં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ ૧૦૪.૯ કિલો ગાંજો જપ્ત કર્યો હતો.

છેલ્લા એક જ વર્ષમાં લખનૌ ઝોનની ટીમે બિહારમાંથી ૧,૨૭૭ કિલો ગાંજો, ૧૦૭.૫ કિલો ચરસ, ૬ કિલો કોકેન અને ૮,૦૦૦ થી વધુ કફ સિરપની બોટલો જપ્ત કરી છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ₹૪૬.૫ કરોડ આંકવામાં આવી છે. આ કેસોમાં ૩૧ જેટલા આંતરરાષ્ટ્રીય તસ્કરોની ધરપકડ કરવામાં આવી છે.

નિષ્ણાતો અને ધારાસભ્યોએ ભારપૂર્વક જણાવ્યું છે કે માત્ર પોલીસની રેડથી આ સમસ્યા ઉકેલાશે નહીં, પરંતુ શાળા-કોલેજો, સમુદાયો અને કડક તબીબી દેખરેખ સાથે વ્યસન મુક્તિ કેન્દ્રોને સક્રિય કરીને જ બિહારના યુવાનોને આ નશાના ચક્રવ્યૂહમાંથી બચાવી શકાશે.

 

(8:29 PM IST)