News of Tuesday, 21st July 2026
સંસદના બંને ગૃહોમાં 'NEET' પેપર લીક મામલે ભારે ધમાસણ: વિપક્ષના ચોંકાવનારા વિરોધ અને સૂત્રોચ્ચાર બાદ લોકસભા-રાજ્યસભા આખો દિવસ સ્થગિત!
બેનરો-પ્લેકાર્ડ સાથે વેલમાં ધસી આવ્યા વિપક્ષી સાંસદો: ત્રણ-ત્રણ વાર ગૃહ મુલતવી રાખવું પડ્યું, અધ્યક્ષ અને પ્રિસાઇડિંગ ઓફિસરની અપીલો પણ નિષ્ફળ રહી

નવી દિલ્હી, તા.૨૧: સંસદના ચોમાસુ સત્રમાં NEET પરીક્ષાના પેપર લીક કાંડ અને વિદ્યાર્થીઓના આંદોલનને લઈને સરકાર અને વિપક્ષ સામસામે આવી ગયા છે. મંગળવારે લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં વિપક્ષી સાંસદોએ આ મુદ્દે ઉગ્ર હંગામા સાથે ચોંકાવનારો વિરોધ નોંધાવ્યો હતો. પરિણામે, વારંવારના સ્થગન બાદ આખરે બંને ગૃહોની કામગીરી આખા દિવસ માટે મુલતવી રાખવાની ફરજ પડી હતી.
સવારે ૧૧:૦૦ વાગ્યે જેવી લોકસભાની કાર્યવાહી શરૂ થઈ અને સ્પીકર ઓમ બિરલાએ પ્રશ્નકાળ ચલાવવાનો પ્રયાસ કર્યો, કે તરત જ વિપક્ષી સભ્યો હાથમાં પ્લેકાર્ડ લઈને વેલમાં ધસી આવ્યા હતા અને જોરદાર નારેબાજી શરૂ કરી દીધી હતી. વિપક્ષનો આરોપ છે કે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખિલવાડ થઈ રહ્યો છે. સ્પીકરની વારંવારની વિનંતી છતાં હોબાળો ચાલુ રહેતાં પહેલાં બપોરે ૧૨ વાગ્યા સુધી અને ત્યારબાદ બપોરે ૨ વાગ્યા સુધી ગૃહ મુલતવી રાખવું પડ્યું હતું.
"બેનરો લાવીને સંસદની ગરિમા ન તોડો" - સભાપતિની ટકોર
બપોરે ૨ વાગ્યે જ્યારે લોકસભા ફરી મળી ત્યારે પ્રિસાઇડિંગ ઓફિસર દિલીપ સૈકિયાએ વિરોધ કરી રહેલા સાંસદોને વિનંતી કરતા કહ્યું કે, નિયમ ૩૭૭ હેઠળ ઘણા સભ્યો લોકહિતના મહત્વના પ્રશ્નો ઉઠાવવા માંગે છે. તેમણે વિપક્ષી સભ્યો દ્વારા ગૃહોમાં બેનરો અને પોસ્ટરો પ્રદર્શિત કરવા સામે કડક વાંધો ઉઠાવતા કહ્યું કે આ વર્તન સંસદની ગરિમાને નુકસાન પહોંચાડે છે. જોકે, હોબાળો ન શમતાં લોકસભા આવતીકાલ સુધી સ્થગિત કરી દેવાઈ હતી.
રાજ્યસભામાં પણ સમાન દ્રશ્યો: મલ્લિકાર્જુન ખડગેએ વિરોધ પ્રદર્શનનો મુદ્દો ઉઠાવ્યો
બીજી તરફ, ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં પણ સ્થિતિ કંઈ જુદી ન હતી. સવારે અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેને બોલવાની મંજૂરી આપી હતી. ખડગેએ નવી દિલ્હીમાં વિદ્યાર્થીઓ અને વિરોધીઓ પર થયેલા પોલીસ પગલાં અને NEET નો મુદ્દો ગંભીરતાથી ઉઠાવ્યો હતો. આ મુદ્દે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે તીખી બહેસ અને હોબાળો થયો હતો.
ઉપાધ્યક્ષ હરિવંશે સભ્યોને નિયમો અને પ્રક્રિયાનું પાલન કરવા અપીલ કરી હતી, પરંતુ સુત્રોચ્ચાર અને હંગામાને કારણે રાજ્યસભા પણ ત્રણ વખત સ્થગિત થયા બાદ આવતીકાલે સવારે ૧૧:૦૦ વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી છે.
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
