તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Tuesday, 29th September 2026
દિલ્હીમાં કેજરીવાલના પ્રવાસ દરમિયાન ભારે હોબાળો: AAP નેતા સૌરભ ભારદ્વાજ અને ધારાસભ્ય જરનૈલ સિંહ સામે FIR; દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલ પર હુમલો કરવાનો ગંભીર આરોપ!
તિલક નગરમાં સાદા કપડાંમાં વિડીયો બનાવી રહેલા પોલીસ જવાનને ટોળાએ ઘેરીને ઢોર માર માર્યો; સરકારી કામમાં અવરોધ અને હુમલાની કડક કલમો હેઠળ ગુનો દાખલ

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રોડ શો/પ્રવાસ દરમિયાન દિલ્હી પોલીસના એક હેડ કોન્સ્ટેબલ પર હુમલો કરવા અને સરકારી કામકાજમાં અડચણ ઊભી કરવા બદલ આપ નેતા સૌરભ ભારદ્વાજ, તિલક નગરના ધારાસભ્ય જરનૈલ સિંહ તેમજ અન્ય કાર્યકરો સામે દિલ્હી પોલીસે ગંભીર કલમો હેઠળ એફઆઈઆર (FIR) દાખલ કરી છે.
કેજરીવાલના પ્રવાસ દરમિયાન સિક્યોરિટી ચુક અને હિંસા
મળતી માહિતી મુજબ, આ ચકચારી ઘટના સોમવારે દિલ્હીના તિલક નગર વિસ્તારમાં બની હતી. આપ સુપ્રિમો અરવિંદ કેજરીવાલ પોતાના પક્ષના નેતાઓ સૌરભ ભારદ્વાજ, ધારાસભ્ય જરનૈલ સિંહ અને મોટી સંખ્યામાં કાર્યકરો સાથે વિસ્તારના પ્રવાસે હતા. આ દરમિયાન સુરક્ષા અને વ્યવસ્થાની દેખરેખ માટે સાદા કપડાંમાં તૈનાત દિલ્હી પોલીસના એક હેડ કોન્સ્ટેબલ પોતાના મોબાઈલથી વિડીયો રેકોર્ડિંગ કરી રહ્યા હતા.
સાદા કપડાંમાં તૈનાત જવાનને ઘેરીને માર માર્યો
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સાદા કપડાંમાં વિડીયો બનાવી રહેલા હેડ કોન્સ્ટેબલને જોઈને આમ આદમી પાર્ટીના સમર્થકો અને કાર્યકરોના ઉશ્કેરાયેલા ટોળાએ તેમને ઘેરી લીધા હતા. તેમની સાથે ઉગ્ર બોલાચાલી કર્યા બાદ ટોળાએ પોલીસ જવાન પર હુમલો કરી દીધો હતો. ઘટના બાદ ઈજાગ્રસ્ત હેડ કોન્સ્ટેબલને તાત્કાલિક મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમના પર હુમલો થયો હોવાની પુષ્ટિ થઈ હતી.
પોલીસે કડક કલમો હેઠળ નોંધ્યો ગુનો
આ ઘટના બાદ દિલ્હી પોલીસે લાલ આંખ કરી છે. કાયદો અને વ્યવસ્થા હાથમાં લેવા બદલ અને સરકારી કર્મચારીને પોતાની ફરજ બજાવતા રોકી તેમની પર હુમલો કરવા સંબંધિત ભારતીય ન્યાય સંહિતાની સખત કલમો હેઠળ સૌરભ ભારદ્વાજ, જરનૈલ સિંહ અને અન્ય વિરોધ પ્રદર્શનકારીઓ સામે કેસ નોંધી લેવામાં આવ્યો છે. પોલીસ હાલ સીસીટીવી અને વિડીયો ફૂટેજના આધારે હુમલામાં સામેલ અન્ય અજાણ્યા લોકોની ઓળખ કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી રહી છે, જેને લઈને દિલ્હીના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.
(5:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
