News of Wednesday, 13th May 2026
કુશીનગર એક્સપ્રેસ ટ્રેનમાં કિલકારી ગુંજી :મહિલાની સફળ પ્રસૂતિ: ટીસી અને નર્સની સમયસૂચકતાએ બચાવ્યા બે જીવ
કલ્યાણ સ્ટેશન પસાર થયા બાદ જનરલ કોચમાં મુસાફરી કરતી મહિલાને તેજ પ્રસૂતિ પીડા શરૂ થઈ ભીડ વધુ હોવાને કારણે મહિલાની સ્થિતિ વધુ ખરાબ થઈ:ડ્યુટી પર તૈનાત ટીસી આર.એસ. તેલીને જાણ કરતા દોડી આવ્યા: ટ્રેનમાં મુસાફરી કરતી નર્સે કરી મદદ

મુંબઈથી ભુસાવલ તરફ જઈ રહેલી કુશીનગર એક્સપ્રેસ ટ્રેનમાં માનવતા અને સમયસૂચકતાનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. ટ્રેનમાં મુસાફરી કરી રહેલી એક ગર્ભવતી મહિલાને અચાનક પ્રસૂતિની પીડા ઉપડતા અફરાતફરી મચી ગઈ હતી, પરંતુ રેલવેના ટીસી અને ટ્રેનમાં હાજર એક નર્સની ત્વરિત મદદને કારણે મહિલાએ ટ્રેનમાં જ સુરક્ષિત રીતે બાળકીને જન્મ આપ્યો હતો. રેલવે સ્ટાફની આ તત્પરતાની અત્યારે ચારેતરફ પ્રશંસા થઈ રહી છે.
ટ્રેન સંખ્યા 22538 કુશીનગર એક્સપ્રેસ જ્યારે કલ્યાણ સ્ટેશન પસાર કરી રહી હતી, ત્યારે જનરલ કોચમાં મુસાફરી કરી રહેલી મહિલાને તેજ પ્રસૂતિ પીડા શરૂ થઈ હતી. કોચમાં ભીડ વધુ હોવાને કારણે મહિલાની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી હતી. આ અંગેની જાણ ડ્યુટી પર તૈનાત ટીસી આર.એસ. તેલીને કરવામાં આવતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મુસાફરોની મદદથી પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
કસારા સ્ટેશન આવતા જ ટીસી તેલીએ મુસાફરોની મદદથી મહિલાને એ-1 કોચ પાસે એક સુરક્ષિત અને શાંત જગ્યાએ ખસેડી હતી. આ દરમિયાન ટ્રેનમાં સફર કરી રહેલા નર્સ પૂજા ખડગે પણ મદદે આવ્યા હતા. નર્સ પૂજા અને રેલવે કર્મચારીઓની કુશળતાથી ટ્રેનની અંદર જ મહિલાની સામાન્ય ડિલિવરી કરાવવામાં આવી હતી. મહિલાએ એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો ત્યારે આખા કોચમાં આનંદની લહેર ફેલાઈ ગઈ હતી.
આ ઘટનાની જાણ તાત્કાલિક રેલવે કંટ્રોલ રૂમને કરવામાં આવી હતી, જેના પગલે ઇગતપુરી સ્ટેશન પર એમ્બ્યુલન્સ, ડોક્ટરો અને સ્ટ્રેચર સાથેનો સ્ટાફ પહેલેથી જ તૈયાર રાખવામાં આવ્યો હતો. ટ્રેન સ્ટેશન પર પહોંચતા જ માતા અને નવજાત બાળકીને વધુ સારવાર માટે રેલવે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલમાં ડોક્ટરો દ્વારા જણાવવામાં આવ્યું છે કે માતા અને બાળકી બંનેની તબિયત એકદમ સ્વસ્થ અને સુરક્ષિત છે.
(2:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
