<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

"મને જેલમાં ઝેર આપવામાં આવ્યું હશે...": સંજય રાઉતનો ચોંકાવનારો દાવો; રાહુલ ગાંધીની સલાહ બાદ ટોક્સિકોલોજિકલ ટેસ્ટ કરાવશે

જેલમાંથી મુક્તિ બાદ તબિયત સતત લથડતા શિવસેના (UBT) સાંસદે ગંભીર આશંકા વ્યક્ત કરી; અન્ય નેતાઓની સ્થિતિ પર પણ તપાસની માગ

નવી દિલ્હી : શિવસેના ના સાંસદ સંજય રાઉતના એક ચોંકાવનારા નિવેદને મહારાષ્ટ્ર અને દેશના રાજકારણમાં મોટો ખળભળાટ મચાવી દીધો છે. રાઉતે આશંકા વ્યક્ત કરી છે કે જ્યારે તેઓ જેલમાં બંધ હતા, ત્યારે કદાચ તેમના ખોરાકમાં કોઈ ધીમું ઝેર (સ્લો પોઈઝન) આપવામાં આવ્યું હોઈ શકે છે. જેલમાંથી બહાર આવ્યા બાદથી જ તેમની તબિયત સતત લથડી રહી છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા છે.

સંજય રાઉતે જણાવ્યું હતું કે તાજેતરમાં દિલ્હી ખાતે તેમની કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત થઈ હતી. આ બેઠક દરમિયાન રાહુલ ગાંધીએ તેમના બગડતા સ્વાસ્થ્ય અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. જેલમાં રહ્યા બાદ અચાનક આ રીતે તબિયત બગડવી તે સામાન્ય બાબત નથી તેવું કહીને રાહુલ ગાંધીએ રાઉતને તાત્કાલિક વિશેષ તબીબી તપાસ એટલે કે 'ટોક્સિકોલોજિકલ ટેસ્ટ'  કરાવવાની સલાહ આપી છે, જેથી શરીરમાં કોઈ ઝેરી પદાર્થની હાજરી છે કે નહીં તે સ્પષ્ટ થઈ શકે.

આ સાથે જ રાઉતે દાવો કર્યો હતો કે જેલમાંથી મુક્ત થયા બાદ માત્ર તેમની જ નહીં, પરંતુ કેટલાક અન્ય નેતાઓની તબિયત પણ આવી જ રીતે બગડી હતી. જેથી જેલમાં બંધ લોકોના ખોરાકમાં ઝેરી પદાર્થો ભેળવવાની શક્યતાઓને નકારી શકાય નહીં અને આવા કિસ્સાઓની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. રાહુલ ગાંધી સાથેની વાતચીત બાદ હવે તેઓ ટૂંક સમયમાં આ ખાસ મેડિકલ ટેસ્ટ કરાવવા જઈ રહ્યા છે.

(6:43 PM IST)