તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૭ ગુરૂવાર
News of Tuesday, 17th November 2026
જીવનમાં ફક્ત એક જ વાર માતા-પિતાને લડતા જોયા,, તે એકમાત્ર સમય હતો:સોનિયા ગાંધીના પુસ્તક વિમોચન પ્રસંગે રાહુલ ગાંધીએ શેર કર્યો ખાસ કિસ્સો
માતા-પિતાની પ્રેમકથા યાદ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમના માતાપિતા પહેલી વાર કેમ્બ્રિજમાં સેન્ટ એન્ડ્રુઝ સ્ટ્રીટ પર આવેલી યુનિવર્સિટી રેસ્ટોરન્ટમાં મળ્યા હતા

નવી દિલ્હી । લોકસભા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે નવી દિલ્હીમાં સોનિયા ગાંધીના પુસ્તક 'બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ'ના વિમોચન પ્રસંગે પોતાના માતાપિતા વચ્ચેના ગાઢ સંબંધો અને પારિવારિક યાદો શેર કરતાં તેમણે કહ્યું હતું કે તેમના માતાપિતા જીવનમાં ફક્ત એક જ વાર લડ્યા હતા. પિતા રાજીવ ગાંધીને માતા સોનિયા ગાંધીની સિદ્ધિઓ પર હંમેશા ગર્વ હતો.
અહીં નોંધનિય છે કે, હાર્પરકોલિન્સ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત સોનિયા ગાંધીનું આ પુસ્તક 10 નવેમ્બરના રોજ પ્રકાશિત થયું હતું.
માતા-પિતાની પ્રેમકથા યાદ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમના માતાપિતા પહેલી વાર કેમ્બ્રિજમાં સેન્ટ એન્ડ્રુઝ સ્ટ્રીટ પર આવેલી યુનિવર્સિટી રેસ્ટોરન્ટમાં મળ્યા હતા. વર્ષો પછી, જ્યારે તેઓ પોતે ત્યાં ભણવા ગયા, ત્યારે તેઓ તેમની ગર્લફ્રેન્ડ સાથે તે રેસ્ટોરન્ટમાં ગયા હતા અને તેમના માતાપિતા ક્યાં મળ્યા હતા એ જગ્યા જોઇ અભિભૂત થયા હતા.
તેમને રેસ્ટોરન્ટનો પીળો દરવાજો અને તે વ્યક્તિ સારી રીતે યાદ હતી જેણે તેમને ટેબલ પર બેસાડ્યા હતા. જ્યારે રાહુલ ગાંધીએ તેમને કહ્યું કે તેમના માતાપિતા ત્યાં મળ્યા હતા, ત્યારે તે વ્યક્તિએ તેમને ઓળખી લીધા હતા. જોકે, મજાકના અંદાજમાં તેમણે એમ પણ કહ્યું કે, "જો તમે પ્રેમમાં પડવા માંગતા હો, તો યુનિવર્સિટી રેસ્ટોરન્ટમાં ચોક્કસ જાઓ, પરંતુ ત્યાંની 'ચિકન ચેઝર' વાનગી ન ખાતા... આ ડિશ થોડી વિચિત્ર છે!" રાહુલે એ પણ યાદ કર્યું કે તેમણે તેમના માતાપિતાને ભાગ્યે જ ક્યારેય દલીલ કરતા જોયા હતા. તેમણે એક રસપ્રદ કિસ્સો શેર કરતા કહ્યું: "હું અમરિંદર સિંહજીને અહીં જોઉં છું... અમે તેમને માતા-પિતા સાથે ચર્ચા કરતા પણ જોયા છે, પરંતુ અમે તેમને જીવનમાં ફક્ત એક જ વાર લડતા જોયા છે. કેવો અદભુત સંયોગ કહેવાય કે, જ્યારે તે ઘટના બની ત્યારે મારા પિતા ફોન પર કેપ્ટન અમરિંદર સિંહ સાથે વાત કરી રહ્યા હતા... તે એકમાત્ર સમય હતો જ્યારે અમે તેમને લડતા જોયા."
પોતાના માતા-પિતાના ગાઢ સંબંધોને યાદ કરતાં તેમણે ઉમેર્યું કે, મને લાગતું હતું કે આ એક સામાન્ય વાત છે. તેથી જ્યારે હું મારા મિત્રના ઘરે જતો અને જોતો કે તેના માતા-પિતા એકબીજાના ખોળામાં નથી બેસતા, ત્યારે હું મારા મિત્રને પૂછતો, 'શું ચાલી રહ્યું છે? તારી માતા તારા પિતાના ખોળામાં કેમ નથી બેઠી?' આ જ વાતાવરણમાં અમે મોટા થયા છીએ.'
ભાવુક થતા રાહુલે કહ્યું, 'અને પછી અમે બધું તૂટી પડતું જોયું…. અચાનક… અમે અમારા પરિવારના એક મુખ્ય આધારસ્તંભ દાદીને ગોળી વાગતા જોયા, અને પછી અમે આપણા સૌથી મોટા આધારસ્તંભ એવા પિતાના ટુકડા થતા પણ જોયા.'
રાહુલ ગાંધીએ જણાવ્યું કે સોનિયા ગાંધીને રાજીવ ગાંધીના મૃત્યુના દિવસની કોઈ સ્પષ્ટ યાદ નથી; તેમના પુસ્તકમાં આપેલો આ અહેવાલ તેમની પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. રાજીવ ગાંધીના નિધન પછીનો સમયગાળો સોનિયા ગાંધી માટે એક મોટો વળાંક સાબિત થયો હતો.
તેમણે કહ્યું કે, પતિને ગુમાવ્યા પછી તેઓ જે ખુશખુશાલ અને મિલનસાર સ્ત્રીને જાણતા હતા, તે ત્યારબાદ સંપૂર્ણપણે બદલાઈ ગયા હતા. જોકે, ભારતભરના લોકોએ તેમને નવું જીવન શોધવામાં મદદ કરી હતી.
સોનિયા ગાંધીએ જીવનમાં ચાર વખત કેન્સર જેવી ગંભીર બીમારીને હાર આપી છે, તેનો ઉલ્લેખ કરતા રાહુલે તેમની અદભુત હિંમતની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું, મારા જીવનમાં મેં તેમને એક પણ વાર ડરતા જોયા નથી.
આ વિમોચન કાર્યક્રમમાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, તૃણમૂલ કોંગ્રેસના નેતા અભિષેક બેનર્જી સહિત વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયા' (INDIA) બ્લોકના અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, ભાજપના નેતા અમરિંદર સિંહ પણ આ પ્રસંગે હાજર હતા.
જ્યાં એક તરફ કોંગ્રેસના નેતાઓએ આ પુસ્તકને નિખાલસ ગણાવીને સોનિયા ગાંધીની સિદ્ધિઓની પ્રશંસા કરી છે, તો બીજી તરફ ભાજપે આ સંસ્મરણોમાં કેટલીક હકીકતો પર પડદો પાડવાનો (વ્હાઇટવોશ કરવાનો) આરોપ લગાવ્યો છે.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
