<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

હું જવાબદારી લઉં છું, ખામીઓ દૂર કરાશે: CBSE OSM વિવાદમાં આખરે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મૌન તોડ્યું

IIT કાનપુર-મદ્રાસના નિષ્ણાતોની મદદથી તપાસ, ચાર બેંકના પેમેન્ટ ગેટવે જોડાયા: 17 લાખ વિદ્યાર્થીઓની 98 લાખ ઉત્તરવહીઓમાં 40 કરોડ પાનાં સ્કેન, એક પણ ફરિયાદ અનુત્તર નહીં રહે તેવી ખાતરી

નવી દિલ્હી તા.૨૮ :  CBSEની ઓન-સ્ક્રીન માર્કિંગ (OSM) સિસ્ટમમાં ગરબડ અને રિ-ઇવેલ્યુએશન પ્રક્રિયામાં ટેકનિકલ ખામીઓને લઈને દેશભરના વિદ્યાર્થીઓના ભારે વિરોધ બાદ આખરે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મૌન તોડ્યું છે."હું જવાબદારી લઉં છું, ખામીઓ દૂર કરાશે"* એમ જણાવી મંત્રીએ વિદ્યાર્થીઓને ખાતરી આપી કે કોઈની ફરિયાદ અનુત્તર નહીં રહે.  

 ગુરુવારે CBSE મુખ્યાલય ખાતે બોર્ડના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા પ્રધાને સ્વીકાર્યું કે *OSM સિસ્ટમના પ્રથમ વખતના ઉપયોગમાં કેટલીક ખામીઓ સામે આવી છે*. તેમણે કહ્યું, "આ ખામીઓ માટે હું જવાબદારી લઉં છું. અમે ઉકેલ લાવીશું. એક પણ વિદ્યાર્થીની ફરિયાદનો જવાબ આપ્યા વિના નહીં રહીએ."  

 આ વર્ષે ધોરણ-12ના પરિણામ બાદ *OSM સિસ્ટમ હેઠળ 98.6 લાખ ઉત્તરવહીઓનું મૂલ્યાંકન* કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને સ્કેન કરેલી ઉત્તરવહીની નકલો ઓનલાઈન જોવાની સુવિધા અપાઈ, પરંતુ ત્યારબાદ *ધૂંધળી નકલો, ગાયબ પાનાં, તપાસ્યા વિનાના જવાબો અને ખોટું માર્કિંગ* જેવી ફરિયાદોનો ધોધ વહ્યો. રિ-ઇવેલ્યુએશન પોર્ટલ પર સર્વર ડાઉન અને પેમેન્ટ ગેટવેની સમસ્યાઓથી હજારો વિદ્યાર્થીઓ પરેશાન થયા. CPI(M)ના રાજ્યસભા સાંસદ જોન બ્રિટાસે મંત્રીને પત્ર લખી *ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને ગણિતમાં સ્ટેપ-માર્કિંગ ન આપવાનો* મુદ્દો પણ ઉઠાવ્યો હતો.  

 ટેકનિકલ ખામીઓ દૂર કરવા *IIT કાનપુર અને IIT મદ્રાસના નિષ્ણાતો*ને CBSEની ટીમ સાથે જોડવામાં આવ્યા છે.   નાણાં મંત્રાલય સાથે ચર્ચા બાદ *SBI, ઇન્ડિયન બેંક, બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકના પેમેન્ટ ગેટવે* CBSE પોર્ટલ સાથે જોડાયા છે સ્કેન કરેલી નકલો મેળવવા અને રિ-ઇવેલ્યુએશનની અરજી માટે *24 મે સુધી મુદત લંબાવાઈ છે.   સ્કેન કોપી માટે ફી 700 રૂપિયાથી ઘટાડી 100 રૂપિયા અને વેરિફિકેશન ફી 500થી ઘટાડી 100 રૂપિયા કરાઈ છે.   પ્રધાને જણાવ્યું કે 17 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ-12ની પરીક્ષા આપી હતી. કુલ *98 લાખ ઉત્તરવહીઓના લગભગ 40 કરોડ પાનાં પ્રથમ વખત OSM સિસ્ટમથી સ્કેન કરીને તપાસવામાં આવ્યા. આ સિસ્ટમ વિદ્યાર્થી-કેન્દ્રિત અને વૈશ્વિક સ્તરે સ્વીકૃત છે, જેનો ઉદ્દેશ પારદર્શિતા વધારવાનો છે.  

 આ વર્ષે ધોરણ-12ની પાસ ટકાવારી 88.39%થી ઘટીને 85.20% થઈ છે. સાંસદ બ્રિટાસે આ ઘટાડાને OSM સિસ્ટમ, કઠિન પ્રશ્નપત્રો અને કડક મૂલ્યાંકન સાથે જોડ્યો હતો. NEET-JEE પાસ કરનારા વિદ્યાર્થીઓ પણ બોર્ડમાં નાપાસ થયાના કિસ્સા સામે આવ્યા.  

 શિક્ષણ મંત્રીએ સ્પષ્ટ કર્યું કે *"જે કોઈ ઇરાદાપૂર્વકની ગેરરીતિ માટે જવાબદાર હશે, પછી ભલે તે CBSEની અંદર હોય કે બહાર, તેને છોડવામાં આવશે નહીં."તેમણે રાજકીય પક્ષોને વિદ્યાર્થીઓના મુદ્દાનું રાજકારણ ન કરવા અપીલ કરી.  

CBSEએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 4 લાખ વિદ્યાર્થીઓએ 11 લાખ ઉત્તરવહીઓની નકલો ડાઉનલોડ કરી છે*. બોર્ડે ખાતરી આપી છે કે જ્યાં સ્કેન કરેલી નકલોમાં ગરબડ જણાશે ત્યાં સાચી નકલ વિદ્યાર્થીના ઇમેઇલ પર મોકલીને પરિણામમાં સુધારો કરવામાં આવશે.

(4:09 PM IST)