<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

હમાસના કમરતોડ આર્થિક સામ્રાજ્ય પર IDF નો સર્જિકલ સ્ટ્રાઇક: ગાઝામાં હવાઈ હુમલામાં નાણાં વડા મુહમ્મદ અબુ અલવાન ઠાર

પીએમ નેતન્યાહૂ અને સંરક્ષણ મંત્રી ઇઝરાયલ કાત્ઝે જાહેરાત કરતા કહ્યું, "હમાસના ફંડિંગ નેટવર્કને મૂળમાંથી ઉખેડી ફેંકીશું"

ગાઝા: મિડલ ઈસ્ટના રણમેદાનમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા ભીષણ જંગમાં ઇઝરાયલી સેનાને એક અતિ મહત્વની અને વ્યૂહાત્મક સફળતા સાંપડી છે. દક્ષિણ ગાઝાના ખાન યુનિસ વિસ્તારમાં ઇઝરાયલ સંરક્ષણ દળો (IDF) અને ગુપ્તચર એજન્સી શિન બેટ  દ્વારા હાથ ધરવામાં આવેલા એક અત્યંત ગુપ્ત અને સચોટ સંયુક્ત ઓપરેશનમાં હમાસના ફાઇનાન્સ ચીફ  મુહમ્મદ અબુ અલવાનને ઠાર કરવામાં આવ્યો છે. પશ્ચિમી ખાન યુનિસમાં એક શંકાસ્પદ વાહનને નિશાન બનાવીને કરવામાં આવેલા આ બોમ્બમારામાં અબુ અલવાન સહિત બે પેલેસ્ટિનિયનોના સ્થળ પર જ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય કેટલાક ઘાયલ થયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે એક સંયુક્ત સત્તાવાર નિવેદન જારી કરીને આ હાઇ-પ્રોફાઇલ ઓપરેશનની સફળતાની પુષ્ટિ કરી છે. પીએમ નેતન્યાહૂએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "હમાસના સૈન્ય માળખાની સાથે સાથે તેના આર્થિક સામ્રાજ્ય અને ફંડિંગ ચેનલોને નષ્ટ કરવી એ અમારી લશ્કરી વ્યૂહરચનાનો મુખ્ય પાયો છે. આ ત્રાસવાદી સંગઠનને ફરી ક્યારેય પગભર થવા દેવામાં આવશે નહીં." નોંધનીય છે કે હમાસના વિદેશી ભંડોળ, શસ્ત્ર ખરીદી અને લડાયક કામગીરી માટે નાણાકીય સંસાધનો પૂરા પાડવામાં અબુ અલવાન મુખ્ય સૂત્રધાર ગણાતો હતો, જેથી તેનો આંત આવવો એ હમાસ માટે મોટો આર્થિક ફટકો માનવામાં આવે છે.

બીજી તરફ, સ્થાનીક પેલેસ્ટિનિયન આરોગ્ય અધિકારીઓ અને પેલેસ્ટિનિયન રેડ ક્રેસેન્ટે આ હવાઈ હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે વાહનને નિશાન બનાવતા થયેલા વિસ્ફોટમાં બે લોકોના મોત થયા છે અને ૮ થી વધુ લોકો ઘાયલ થયા છે. ઇઝરાયલી વાયુસેનાના આ પિનપોઇન્ટ એરસ્ટ્રાઇકથી ગાઝા પટ્ટીમાં હમાસના બાકી બચેલા કમાન્ડરોમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો છે. નેતન્યાહૂ સરકારે ફરી એકવાર દોહરાવ્યું છે કે જ્યાં સુધી હમાસના તમામ આતંકવાદી નેટવર્ક અને નાણાકીય સ્ત્રોતોનો સંપૂર્ણ ખાતમો નહીં થાય ત્યાં સુધી ઇઝરાયલના આ લક્ષિત હુમલાઓ અવિરત ચાલુ રહેશે.

(6:39 PM IST)