તા. ૨૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૩ શુક્રવાર
News of Friday, 27th November 2026
દાનવીર હોય તો આવા! દરરોજ કરે છે એક લાખ રૂપિયાનું દાન
કરોડોના બે મોલ પણ સમાજસેવા માટે આપી દીધા

સોનીપતઃ તા.૨૭: ભારતીય સંસ્કૃતિમાં દાનને સૌથી મોટાં પુણ્યકાર્યોમાંનું એક માનવામાં આવે છે. હરિયાણાના સોનીપતમાં રહેતા શશિકાંત કૌશિક પોતાની દાનવૃત્તિને કારણે ચર્ચામાં છે. તેઓ દરરોજ સરેરાશ એક લાખ રૂપિયા દાન કરતા હોવાનો દાવો કરે છે. તેમણે કરોડોની કિમતના બે મોલ સમાજસેવા માટે સમર્પિત કર્યા છે. અહીં ગરીબ બાળકો માટે લાઇબ્રેરી અને આંખની હોસ્પિટલ પણ ચલાવવામાં આવે છે. શશિકાંત રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે જોડાયેલા છે અને ભાજપના પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે.
શશિકાંતનો જન્મ ચુલકાના ગામમાં થયો હતો. તેમના પિતા શિક્ષક હતા. તેમણે જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો હતો. શરૂઆતના ૧૦થી ૧૨ વર્ષ સુધી વ્યવસાય અને રાજકારણમાં નિષ્ફળતાઓનો સામનો કરવો પડ્યો હતો. તેઓ પોતાને ભગવાનના કામમાં માત્ર એક માધ્યમ માને છે. તેમના જણાવ્યા અનુસાર, ભગવાન તેમને સંપત્તિ આપે છે અને તેઓ જરૂરિયાતમંદો સુધી પહોંચાડે છે.
શશિકાંત વ્યવસાયે બિલ્ડર છે. એક સમયે તેમણે ૪૦ હજાર રૂપિયાનો પ્લોટ વેચીને રેતી-કપચીનો ધંધો શરૂ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ, ૨૦૦૮ આસપાસ તેમના જીવનમાં એક મોટું પરિવર્તન આવ્યું અને તેમણે કમાણીનો એક હિસ્સો સમાજસેવા માટે સમર્પિત કરવાનો નિર્ણય લીધો. કોરોના દરમિયાન તેમણે ફૂડ વાન શરૂ કરી હતી, જેના દ્વારા ૨,૦૦૦ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
શશિકાંતના જણાવ્યા અનુસાર, તેઓ ૫૦૦ બાળકોને મદદ કરે છે અને સારી આદતો કેળવવા માટે દરેક બાળકને ૫૦૦ રૂપિયા આપે છે. કરોડોના મોલમાં લાઇબ્રેરી ચલાવવા ઉપરાંત તેમણે મિત્રો અને સંબંધીઓનાં બાળકોના નામે પણ જ્ઝ કરાવી છે. તેઓ દર અઠવાડિયે એક દિવસ સંબંધીઓને મળવા માટે ફાળવે છે. શશિકાંતનું કહેવું છે કે તેઓ કોઈનું ખરાબ વિચારતા નથી અને પોતાનું જીવન વધુ સારું બનાવવાની સાથે બીજાની મદદ કરવાનો પ્રયાસ કરે છે.
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
