<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

UPSCની પરીક્ષા પાસ ન કરી શકી તો નકલી IAS બનીઃ બંને બહેનોને સ્‍ટાફ બનાવીઃ રૌફ જમાવી લોકોને લૂંટી લેતી

પોલીસે આ નકલી અધિકારીઓ પાસેથી ૫૫ લાખ રૂપિયા રોકડા અને મોટી માત્રામાં નકલી દસ્‍તાવેજ જપ્ત કર્યા

બરેલી,તા.૨૯: ઉત્તર પ્રદેશ પોલીસે એક નકલી આઈએએસ અધિકારી અને તેની ગેંગને પકડી લીધી છે. આ નકલી મહિલા આઈએએસ પ્રોટોકોલનો રૌફ બતાવવા માટે પોતાની સાથે બે મહિલા સ્‍ટાફ પણ રાખતી હતી. આ બંને તેની બહેનો જ હતી. આવી રીતે ત્રણેય બહેનો છેતરપિડીની આખી ગેંગ ચલાવતી હતી. નકલી મહિલા આઈએએસ ઓફિસર વિપ્રા શર્મા ડબલ એમએ સાથે યૂપીએસસીની ઘણી વાર પરીક્ષા આપી ચૂકી છે, પણ જ્‍યારે પરીક્ષા પાસ કરી શકી નહીં તો નકલી આઈએએસ બનીને ફરવા લાગી. તે ઉત્તર પ્રદેશ સરકાર લખેલી ગાડી અને તેની ઉપર બત્તી લગાવી પ્રોટોકોલનો રૌફ બતાવવા માટે લોકોને નોકરીએ લગાવવાની લાલચ આપી છેતરપિડી કરવા લાગી. બરેલી પોલીસે ફરિયાદના આધાર પર વિપ્રા શર્મા અને તેના સ્‍ટાફ ઓફિસર બનેલી શિખા શર્મા અને દીક્ષા પાઠકની પણ ધરપકડ કરી લીધી છે.

પોલીસે આ નકલી અધિકારીઓ પાસેથી ૫૫ લાખ રૂપિયા રોકડા અને મોટી માત્રામાં નકલી દસ્‍તાવેજ જપ્ત કર્યા છે. પોલીસ તમામ સાથે પૂછપરછ કરી રહી છે આખરે આટલો મોટો કાંડ ક્‍યાં ક્‍યાં કર્યો છે. બરેલી પોલીસના હાથમાં આવેલી આ ગેંગને ધ્‍યાનથી જુઓ. આ ટોળકીની માસ્‍ટરમાઈન્‍ડ વચ્‍ચે ઊભેલી વિપ્રા શર્મા છે. વિપ્રા શર્મા ડબલ એમએ થયેલી છે અને યૂપીએસસીની તૈયારી પણ કરતી હતી. પણ બધી ટર્મ પૂરી થયા બાદ જ્‍યારે યૂપીએસસી ક્રેક ન થઈ તો નકલી આઈએએસ અધિકારી બની પોતાની બે બહેનો શિખા શર્મા અને દીક્ષા પાઠક સાથે મળી લોકોને છેતરવાનું શરુ કરી દીધું.

પોલીસનું કહેવું છે કે વિપ્રા શર્મા સાથે તેની બંને બહેનો સ્‍ટાફ ઓફિસર બનીને રહેતી હતી. ત્રણેય ઉત્તર પ્રદેશ સરકાર લખેલી એક લક્‍ઝરી કારની ઉપર લાલ બત્તી અને એડીએમ લખીને ફરતી હતી. વિપ્રા શર્માની માફક તેની બંને બહેનો શિખા શર્મા અને દીક્ષા પાઠક પણ હાઈ એજ્‍યુકેટેડ છે. ત્રણેય મળીને સરકારી નોકરી કરવા ઝંખતા લોકોને શોધતા. આરોપ છે કે મોટી રકમ પડાવી લઈ નકલી જોઈનિગ લેટર પકડાવી દેતા હતા.

અપર પોલીસ અધીક્ષક બરેલી પંકજ શ્રીવાસ્‍તવે જણાવ્‍યું કે, ત્રણેય મહિલાઓ પાસેથી નકલી ચેક બુક અને મોટી માત્રામાં નકલી દસ્‍તાવેજ જપ્ત થયા છે. વિપ્રા શર્મા અને તેની બહેન ઊંચી રાજકીય પહોંચ ધરાવે છે. જેના કારણે આખું બરેલી શહેર આ લોકો અધિકારી માનતા હતા. હાલમાં હવે બરેલી પોલીસે તેમના નેટવર્ક સાથે સાથે તેમની સંપત્તિની પણ તપાસ કરી રહી છે. ત્રણેય ક્‍યાં ક્‍યાં, કેટલા લોકોને લૂંટ્‍યા છે, તેની પણ તપાસ થઈ રહી છે.

(10:01 AM IST)