News of Friday, 11th September 2026
નોકરી ગઈ તો તરત દેશ છોડવો પડશેઃ H-1B વિઝાધારકોને મોટો ઝટકો
અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) દ્વારા ફેડરલ રજિસ્ટરમાં એક નવા પ્રસ્તાવની સત્તાવાર જાહેરાત કરવામાં આવી

વોશિંગ્ટન તા.૧૧: અમેરિકામાં રહેતા લાખો વિદેશી પ્રોફેશનલ્સ, ખાસ કરીને ભારતીય IT નિષ્ણાતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા સંબંધિત એક નવો પ્રસ્તાવ લાવ્યા છે, જેના કારણે સિલિકોન વેલીથી લઈને ભારતના ટેક ક્ષેત્ર સુધી ભારે ચર્ચા શરૂ થઈ છે.
અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) દ્વારા ફેડરલ રજિસ્ટરમાં એક નવા પ્રસ્તાવની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ પ્રસ્તાવ મુજબ જો કોઈ વિદેશી કર્મચારીની નોકરી છૂટી જાય અથવા તે સ્વૈચ્છિક રાજીનામું આપે, તો તેનું અમેરિકામાં કાનૂની વિઝા સ્ટેટસ તરત જ સમાપ્ત માનવામાં આવશે.
હાલ સુધી આવા કર્મચારીઓને નવી નોકરી શોધવા અથવા પોતાના દેશમાં પરત જવાની વ્યવસ્થા કરવા માટે ૬૦ દિવસનો ગ્રેસ પિરિયડ આપવામાં આવતો હતો. પરંતુ નવા નિયમ હેઠળ આ સમયગાળો સંપૂર્ણપણે દૂર કરવાની યોજના છે.
વર્ષ ૨૦૧૭થી અમલમાં રહેલો ૬૦ દિવસનો ગ્રેસ પિરિયડ વિદેશી કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ સુરક્ષા કવચ હતો. કોઈ કંપનીમાં છટણી થાય અથવા કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે તો તેને બે મહિનાનો સમય મળતો હતો.
આ સમય દરમિયાન કર્મચારી અમેરિકા છોડ્યા વિના નવી નોકરી માટે ઇન્ટરવ્યૂ આપી શકતો હતો, નવો વિઝા સ્પોન્સર શોધી શકતો હતો અને પોતાનું કરિયર બચાવવાનો પ્રયાસ કરી શકતો હતો. આ સમયગાળો તેમના પરિવાર માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થતો હતો, કારણ કે ઘર ખાલી કરવું, બાળકોની શાળાની વ્યવસ્થા બદલવી અને વતન પરત જવાની તૈયારી માટે પૂરતો સમય મળતો હતો.
DHSનું માનવું છે કે આ કડક નિયમ અમેરિકન નાગરિકોને વધુ રોજગારની તકો ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ બનશે. પ્રશાસનના મત મુજબ સ્થાનિક કર્મચારીઓને પ્રાથમિકતા આપવાથી અમેરિકાના રોજગાર બજારને ફાયદો થઈ શકે છે.
જો કે, આ પ્રસ્તાવ પર અંતિમ નિર્ણય લેવામાં આવે તે પહેલાં બે મહિનાનો ‘પબ્લિક કોમેન્ટ પિરિયડ' રાખવામાં આવ્યો છે. આ દરમિયાન લોકો અને વિવિધ સંસ્થાઓ પોતાના સૂચનો અને વાંધા રજૂ કરી શકશે.
આ નવા નિયમની સૌથી મોટી અસર ભારતીય પ્રોફેશનલ્સ પર પડી શકે છે. ઉપલબ્ધ આંકડાઓ મુજબ H-1B વિઝા પર કામ કરતા કુલ કર્મચારીઓમાં ૭૦ ટકાથી વધુ ભારતીયો છે.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
