News of Saturday, 21st November 2026
IGI એરપોર્ટ પર આતંકી હુમલાનું એલર્ટ: 60 દિવસ માટે ડ્રોન અને લેસર લાઈટ્સ પર કડક પ્રતિબંધ!
આતંકવાદીઓ ડ્રોન અને પેરાગ્લાઈડર્સ દ્વારા હવાઈ હુમલો કરી શકે તેવા ગુપ્તચર અહેવાલો બાદ દિલ્હી પોલીસ એક્શનમાં : પાઇલટ્સની સુરક્ષા માટે લગ્ન પ્રસંગો અને પાર્ટીઓમાં લેસર શો પર પણ મુકાઈ રોક

નવી દિલ્હી: દેશના સૌથી વ્યસ્ત ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આતંકવાદી હુમલાના ગંભીર ખતરાને પગલે દિલ્હી પોલીસે સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવી દીધી છે. ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલા વિશ્વસનીય ઇનપુટ મુજબ, આતંકવાદી તત્વો ડ્રોન, પેરાગ્લાઇડર્સ, હેંગ-ગ્લાઇડર્સ અને એરો-મોડેલ્સ જેવી માનવરહિત વિમાન પ્રણાલી (UAS) નો ઉપયોગ કરીને હવાઈ હુમલાનું કાવતરું ઘડી રહ્યા છે. આ સંભવિત ખતરાને ખાળવા માટે પાલમ સબડિવિઝનના સહાયક પોલીસ કમિશનર પ્રદીપ કુમાર મીણાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) હેઠળ કડક આદેશ જારી કર્યો છે. આ આદેશ મુજબ, 18 નવેમ્બરથી આગામી 60 દિવસ સુધી એટલે કે 16 જાન્યુઆરી, 2027 સુધી સમગ્ર પાલમ વિસ્તારમાં કોઈપણ પ્રકારના ડ્રોન કે ઉડતા ઉપકરણો ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
હવાઈ સુરક્ષાની સાથે-સાથે વિમાનોના સુરક્ષિત લેન્ડિંગ માટે પણ પોલીસે એક મોટો નિર્ણય લીધો છે, જેની સીધી અસર એરપોર્ટ આસપાસ યોજાતા લગ્ન પ્રસંગો અને પાર્ટીઓ પર પડશે. એર ટ્રાફિક કંટ્રોલ (ATC) દ્વારા પોલીસને સતત ફરિયાદો મળી રહી હતી કે એરપોર્ટ નજીક આવેલા ફાર્મહાઉસ, બેન્ક્વેટ હોલ, હોટલ અને રેસ્ટોરન્ટમાં ઉજવણી દરમિયાન વપરાતી તેજસ્વી લેસર બીમ લાઇટ્સ લેન્ડિંગ સમયે પાઇલટ્સની આંખોમાં સીધી પડે છે. આ તીવ્ર પ્રકાશ પાઇલટ્સની દ્રષ્ટિને અસ્થાયી રૂપે અસર કરી શકે છે, જે સેંકડો મુસાફરોના જીવ જોખમમાં મૂકી શકે છે.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, દિલ્હી પોલીસે એરપોર્ટ પરિસરની આસપાસના તમામ કાર્યક્રમોમાં લેસર લાઇટ્સના ઉપયોગ પર પણ 16 જાન્યુઆરી, 2027 સુધી પ્રતિબંધ લાદી દીધો છે. આ નિયમ ફાર્મહાઉસ અને હોટલના માલિકો, સંચાલકો, ઇવેન્ટ ઓર્ગેનાઇઝર્સ તેમજ કર્મચારીઓ તમામને લાગુ પડશે. પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જાહેર સંપત્તિ અને નાગરિકોના જીવનની સુરક્ષા સર્વોપરી છે, તેથી આ આદેશનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
(10:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
