<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

આઈઆઈટી દિલ્હી દ્વારા જેઈઈ એડવાન્સ્ડ ૨૦૨૭ની તારીખ જાહેર : આગામી ૨૩ મેના રોજ યોજાશે પરીક્ષા : ઇતિહાસમાં પ્રથમવાર વિદ્યાર્થીઓને સ્ક્રીન પર મળશે કેલ્ક્યુલેટરની સુવિધા

પરીક્ષામાં ૧૦ થી ૧૨ ડિજિટવાળા ઓન-સ્ક્રીન બેઝિક નોન-સાયન્ટિફિક કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકાશે : માત્ર વર્ષ ૨૦૨૬ કે ૨૦૨૭માં ૧૨માં ધોરણની પરીક્ષા પાસ કરી હોય તેવા વિદ્યાર્થીઓ જ અરજી કરવા માટે પાત્ર બનશે

નવી દિલ્હી: દેશભરની પ્રતિષ્ઠિત ઇજનેરી સંસ્થાઓમાં પ્રવેશ માટે યોજાતી જેઈઈ એડવાન્સ્ડ (JEE Advanced) ૨૦૨૭ પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. આ પરીક્ષાનું આયોજન કરી રહેલી ભારતીય પ્રૌદ્યોગિક સંસ્થાન (IIT) દિલ્હી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે આગામી ૨૩ મે ૨૦૨૭ના રોજ રવિવારના દિવસે આ પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે. આ સાથે જ આઈઆઈટી દિલ્હી દ્વારા અધિકૃત વેબસાઇટ jeeadv.ac.in પણ લાઈવ કરી દેવામાં આવી છે, જેના પર પરીક્ષા સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

પ્રથમવાર ઓન-સ્ક્રીન કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાની છૂટ:
આ વર્ષની પરીક્ષામાં વિદ્યાર્થીઓ માટે એક મોટો અને રાહતરૂપ ફેરફાર કરવામાં આવ્યો છે. ઇજનેરી પ્રવેશ પરીક્ષાઓના ઈતિહાસમાં પહેલીવાર વિદ્યાર્થીઓને કમ્પ્યુટર સ્ક્રીન પર જ ઓન-સ્ક્રીન બેઝિક કેલ્ક્યુલેટર વાપરવાની મંજૂરી આપવામાં આવી છે. અગાઉ પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારના કેલ્ક્યુલેટરના ઉપયોગ પર સખત પ્રતિબંધ હતો. આ કેલ્ક્યુલેટર સંપૂર્ણપણે નોન-સાયન્ટિફિક હશે, જેમાં કોઈ ફોર્મ્યુલા કે સાયન્ટિફિક ફંક્શન અગાઉથી ફીડ કરેલા નહીં હોય. તેમાં માત્ર ૧૦ થી ૧૨ ડિજિટનું બેઝિક ડિસ્પ્લે રહેશે, જેની મદદથી વિદ્યાર્થીઓ ગણિત અને વિજ્ઞાનના અઘરા દાખલા ગણતી વખતે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર જેવી ગણતરીઓ ઝડપથી કરી શકશે અને તેમનો સમય બચી શકશે.

પાત્રતા અને અરજી કરવાના નિયમો:
સત્તાવાર માહિતી અનુસાર, માત્ર એ જ વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે ફોર્મ ભરી શકશે જેમણે વર્ષ ૨૦૨૬માં પહેલીવાર ૧૨માં ધોરણની પરીક્ષા પાસ કરી હોય અથવા જેઓ વર્ષ ૨૦૨૭માં પહેલીવાર ૧૨મીની પરીક્ષા આપવા જઈ રહ્યા હોય. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ ૧૨મી ધોરણમાં ભૌતિકશાસ્ત્ર (Physics), રસાયણશાસ્ત્ર (Chemistry) અને ગણિત (Mathematics) જેવા અનિવાર્ય વિષયો સાથે અભ્યાસ કરેલો હોવો આવશ્યક છે. જે વિદ્યાર્થીઓએ વર્ષ ૨૦૨૫ કે તેનાથી અગાઉ પહેલીવાર ૧૨મીની પરીક્ષા આપી હતી તેઓ આ પરીક્ષા માટે યોગ્ય ગણવામાં આવશે નહીં.

કોણ પરીક્ષા આપી શકશે નહીં?
પરીક્ષાર્થીઓ માટેના નિયમોમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જે ઉમેદવારો અગાઉ કોઈપણ આઈઆઈટી સંસ્થામાં પ્રવેશ મેળવી ચૂક્યા છે તેઓ આ પરીક્ષા ફરીથી આપી શકશે નહીં. જો કોઈ ઉમેદવારે અગાઉ જોસા (JoSAA) બિઝનેસ રૂલ્સ હેઠળ કોઈપણ આઈઆઈટી સંસ્થામાં સીટ મેળવીને પ્રવેશ લીધો હોય, ભલે પછી તેણે અભ્યાસ ચાલુ રાખ્યો હોય કે ન રાખ્યો હોય અથવા માત્ર ઓનલાઈન રિપોર્ટિંગ કર્યું હોય, તો તેવા તમામ વિદ્યાર્થીઓ જેઈઈ એડવાન્સ્ડ ૨૦૨૭ માટે ગેરલાયક ઠરશે. આઈઆઈટી દિલ્હીએ તમામ ઉમેદવારોને કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહીને માત્ર સત્તાવાર વેબસાઇટ પર જ નજર રાખવા અને નિયમિતપણે અપડેટ્સ ચેક કરવા માટે અનુરોધ કર્યો છે.

(10:02 PM IST)