<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

પશ્ચિમ એશિયાના સંકટની લેધર ઉદ્યોગ પર માઠી અસર : કાચા માલના ભાવમાં 60% નો તોતિંગ વધારો થતા ડ્યુટીમાં મુક્તિ આપવા માંગ

ઈરાન દ્વારા હોર્મુઝની સામુદ્રધુની બંધ કરાતા પેટ્રોલિયમ આધારિત કેમિકલ્સ અને સ્પેરપાર્ટ્સના સપ્લાયને ફટકો : નિકાસકારોએ સરકારને ‘ફ્લોટ’ સ્કીમ વહેલી તકે લાગુ કરવા રજૂઆત કરી

નવી દિલ્હી:પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિને કારણે ભારતના લેધર અને ફૂટવેર ઉદ્યોગની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. કાચા માલના ખર્ચમાં 40 થી 60 ટકા જેટલો ધરખમ ઉછાળો આવતા આ ઉદ્યોગ સાથે સંકળાયેલા સંગઠનોએ કેન્દ્ર સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય સમક્ષ વિવિધ ઇનપુટ્સ પરની આયાત ડ્યુટીમાં મુક્તિ આપવાની માંગ કરી છે.

ખર્ચમાં તોતિંગ વધારાનું મુખ્ય કારણ

ઉદ્યોગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, પશ્ચિમ એશિયાના સંકટને કારણે ઈરાન દ્વારા 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (હોર્મુઝની સામુદ્રધુની) બંધ કરવામાં આવતા તેલ અને ગેસના જહાજોની અવરજવર ખોરવાઈ છે. ફૂટવેર ઉદ્યોગમાં વપરાતા રબર કેમિકલ્સ, PU લેધર, એડહેસિવ્સ (ગુંદર) અને પ્લાસ્ટિક જેવા ઘટકો પેટ્રોલિયમ પેદાશોમાંથી બને છે. સપ્લાય ચેઈન ખોરવાતા આ ઇનપુટ્સના ભાવ આસમાને પહોંચ્યા છે, જેના કારણે ઉત્પાદન ખર્ચમાં 60% સુધીનો વધારો થયો છે.

આયાત ડ્યુટીમાં મુક્તિની દરખાસ્ત

લેધર ઉદ્યોગના નિકાસકારોએ સરકારને સિન્થેટિક લેધર (PU કોટેડ ફેબ્રિક્સ), મેટલ એસેસરીઝ, ફૂટવેર મશીનરી, સ્પેશિયલ થ્રેડ્સ, મોલ્ડ અને ચોક્કસ લેધર કેમિકલ્સ પરની આયાત ડ્યુટી નાબૂદ કરવા વિનંતી કરી છે. વધુમાં, ઘરેલું ઉત્પાદનને વેગ આપવા માટે ક્રસ્ટ અને ફિનિશ્ડ લેધરની ડ્યુટી-ફ્રી આયાતની પણ માંગણી કરવામાં આવી છે. નિકાસકારોનું કહેવું છે કે જો સરકાર રાહત નહીં આપે તો આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધા કરવી મુશ્કેલ બનશે.

‘FLOAT’ સ્કીમ લાગુ કરવા પર ભાર

ઉદ્યોગ જગતે સરકારને સૂચન કર્યું છે કે પ્રસ્તાવિત FLOAT (ફૂટવેર એન્ડ લેધર ઓરિએન્ટેડ ટ્રાન્સફોર્મેશન) સ્કીમને વહેલી તકે લાગુ કરવામાં આવે. આ સ્કીમ હેઠળ તમામ ઉત્પાદન શ્રેણી, કાચો માલ અને મશીનરીને આવરી લેવામાં આવે તો ઉદ્યોગને મોટી રાહત મળી શકે તેમ છે. ભારત આ ક્ષેત્રમાં ચીન, કોરિયા, ઇન્ડોનેશિયા અને જાપાન જેવા દેશોમાંથી પણ મોટાપાયે આયાત કરે છે.

નિકાસના આંકડા પર એક નજર

વર્ષ 2025-26માં લેધર અને તેની બનાવટોની નિકાસમાં 2.36% નો ઘટાડો નોંધાયો છે અને તે 4.26 અબજ ડોલર રહી છે. જોકે, નોન-લેધર વસ્તુઓની નિકાસ ઉમેરવામાં આવે તો કુલ નિકાસ 5.6 અબજ ડોલર સુધી પહોંચવાની ધારણા છે. અગાઉના વર્ષ 2024-25માં કુલ નિકાસ 5.57 અબજ ડોલર હતી. વૈશ્વિક સ્તરે માંગમાં ઘટાડો અને વધતા ખર્ચ વચ્ચે લેધર ઉદ્યોગ હવે સરકાર તરફ મીટ માંડીને બેઠો છે.

(5:04 PM IST)