<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ અને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા મુદ્દે મહત્વની ચર્ચાઓ શરૂ, જોકે પરમાણુ કરાર પર હજુ મડાગાંઠ યથાવત

વોશિંગ્ટન: ઈરાન દ્વારા ૩ અમેરિકન ડિસ્ક્રોયર ઉપર મિસાઇલોના વરસાદ તથા અમેરિકા દ્વારા ઈરાનના બે બંદરો અને તહેરાન ઉપર પ્રચંડ હુમલા સાથો સાથ લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષ બાદ ઈરાન અને અમેરિકા વચ્ચે ૩૦ દિવસના હંગામી યુદ્ધવિરામ અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે અત્યંત મહત્ત્વની એવી હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે ઉચ્ચ સ્તરીય વાટાઘાટો શરૂ થઈ છે.

 

છેલ્લા કેટલાક મહિનાઓથી પશ્ચિમ એશિયામાં પ્રવર્તતી અસ્થિરતા અને બંને દેશો વચ્ચેની સૈન્ય અથડામણોને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા અને ક્રૂડ ઓઇલના સપ્લાય પર ભારે માઠી અસર પડી હતી. આંતરરાષ્ટ્રીય દબાણ અને આર્થિક પ્રતિબંધો વચ્ચે હવે બંને પક્ષો વાતચીતના ટેબલ પર આવ્યા છે. પ્રાથમિક અહેવાલો મુજબ, ૩૦ દિવસના સીઝફાયર પર બંને દેશો સહમત થવા જઈ રહ્યા છે, જે દરમિયાન કોઇપણ પ્રકારની આક્રમક સૈન્ય કાર્યવાહી કરવામાં આવશે નહીં. 

 

સૌથી મોટી રાહતના સમાચાર એ છે કે વૈશ્વિક ઓઇલ સપ્લાયની જીવાદોરી સમાન 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' ને માલવાહક જહાજો માટે ફરીથી સુરક્ષિત રીતે ખોલવા પર પણ સકારાત્મક ચર્ચા ચાલી રહી છે. આ જળમાર્ગ બંધ રહેવાથી આંતરરાષ્ટ્રીય બજારોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો થયો હતો. 

 

જોકે, આ શાંતિ વાટાઘાટોમાં હજુ પણ ઈરાનના વિવાદાસ્પદ પરમાણુ કાર્યક્રમનો મુદ્દો એક મોટો અવરોધ બનીને ઉભો છે. અમેરિકા ઈરાનના પરમાણુ પ્રોજેક્ટ પર કડક નિયંત્રણો અને આંતરરાષ્ટ્રીય નિરીક્ષણની માંગ પર અડગ છે, જ્યારે ઈરાન આ શરતો માનવા તૈયાર નથી. આગામી દિવસોમાં આ વાટાઘાટો કઈ દિશામાં આગળ વધે છે તેના પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે.

(9:53 AM IST)