News of Wednesday, 28th October 2026
મહત્વના સમાચારો

વડોદરાના માંડવી વિસ્તારમાં સોની પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કરતાં અરેરાટી વ્યાપી છે. આરતીબેન સોની (ઉં.વ.૫૦), પુત્ર નીલકંઠ (૨૭) અને પુત્રી ઝલક (૨૪)ના મૃતદેહ ઘરમાંથી મળી આવ્યા છે. એક વર્ષ પહેલાં પતિનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. આપઘાતનું કારણ અકબંધ છે.
રાજકોટના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. ફરિયાદ પક્ષની અરજી ફગાવી ગુજરાત હાઈકોર્ટે મંજૂર કરેલા શરતી જામીન યથાવત્ રાખવામાં આવ્યા છે.
પશ્ચિમ એશિયામાં ફેબ્રુઆરીથી ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં ૨૨ ભારતીયોનાં મોત થયાં છે, જેમાં ૧૪ ખલાસીઓનો સમાવેશ થાય છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે સાઉદી અરેબિયામાં ત્રણ ભારતીયોએ જીવ ગુમાવ્યા છે.
પંજાબના તરનતારન જિલ્લાના ખેમકરણમાં કારમાં બેઠેલા લોકો ઉપર બે શખ્સોએ ગોળીબાર કરતાં ગુરસેવકસિંહનું મોત થયું છે અને બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે મનજીતસિંહ અને તેના ભાઈ સંદીપસિંહને શંકાસ્પદ હુમલાખોર તરીકે ઓળખી વધુ તપાસ હાથ ધરી છે.
આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકેલા વિનાશક ચક્રવાત અર્નબને કારણે પાંચ વ્યક્તિઓનાં મોત થયાં હોવાની મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પુષ્ટિ કરી છે. વાવાઝોડાથી હજારો વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થયા છે તથા ખેતી અને જાહેર માળખાને ભારે નુકસાન થયું છે. મૃતકોના પરિવારોને પાંચ લાખ રૂપિયાની સહાય જાહેર કરાઈ છે.
સોમાલિયામાં આતંકવાદી સંગઠન અલ-શબાબે સૈન્યના કાફલા ઉપર ઘાત લગાવી હુમલો કરતાં ઓછામાં ઓછા ૨૦ સૈનિકોનાં મોત થયાં હોવાનું એક સૈન્ય અધિકારીએ જણાવ્યું છે. સોમાલિયાના સંરક્ષણ મંત્રાલયે જવાબી કાર્યવાહીમાં ૭૫ આતંકવાદીઓને ઠાર માર્યાનો દાવો કર્યો છે.
ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં પોલીસ સાથેની અથડામણમાં બાવરિયા ગેંગનો એક લાખ રૂપિયાનો ઇનામી આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે ટિડ્ડી ઠાર થયો છે. નિવાડી પોલીસ મથક વિસ્તારમાં થયેલા ગોળીબારમાં ત્રણ પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે.
સ્પેનમાં મેડ્રિડની દક્ષિણે બે હાઈસ્પીડ ટ્રેનો વચ્ચે ભીષણ ટક્કર થતાં સર્જાયેલા અકસ્માતમાં અત્યાર સુધીમાં ૬૪ મુસાફરોના મોત થયાં છે અને ૧૦૦થી વધુ ઘાયલ થયા છે. ટ્રેનના અનેક ડબ્બા કાટમાળમાં ફેરવાયા છે. સ્થાનિક સત્તાવાળાઓએ મૃત્યુઆંક હજુ વધવાની આશંકા વ્યક્ત કરી છે.
(11:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
