<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

ન્યુઝીલેન્ડ જઈને ભણવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર: પ્રવાસના ઓછામાં ઓછા ૩ મહિના પહેલા વિઝા અરજી કરવા ઈમિગ્રેશનની તાકીદ

વિઝા અરજીઓમાં ૨૦% નો તોતિંગ વધારો અને જટિલ ચકાસણીને કારણે પ્રોસેસિંગમાં લાગી રહ્યો છે વધુ સમય; મોડી અરજી કરનારા વિદ્યાર્થીઓનો જુલાઈ ઇન્ટેક ચૂકી જવાનો મોટો ખતરો

નવી દિલ્હી : ન્યુઝીલેન્ડની ધરતી પર ઉચ્ચ શિક્ષણ મેળવીને પોતાની કારકિર્દી બનાવવાનું સપનું જોતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડ (INZ) દ્વારા એક અત્યંત મહત્વની એડવાઇઝરી જારી કરવામાં આવી છે. ન્યુઝીલેન્ડ સરકારે તમામ સંભવિત વિદ્યાર્થીઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, તેઓએ પોતાની નિર્ધારિત મુસાફરી તારીખ અથવા કોર્સ શરૂ થવાના ઓછામાં ઓછા ત્રણ મહિના પહેલા વિઝા માટે સત્તાવાર અરજી કરી દેવી જોઈએ. વિઝા અરજીઓની સંખ્યામાં થયેલા અભૂતપૂર્વ વધારા અને સ્ક્રુટિની (દસ્તાવેજોની ચકાસણી) માં લાગતા સમયને કારણે આ નિર્ણય લેવાયો છે.

અરજીઓમાં ૨૦% નો ઉછાળો અને જટિલ કેસોનો પડકાર

ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડ (INZ) ના જણાવ્યા અનુસાર, વર્ષ ૨૦૨૫ ના સમાન ગાળાની સરખામણીએ વર્ષ ૨૦૨૬ માં અત્યાર સુધીમાં વિદ્યાર્થી વિઝાની અરજીઓમાં આશરે ૨૦% નો મોટો વધારો નોંધાયો છે. આ ઉપરાંત, એવા દેશોમાંથી પણ અરજીઓનો ધસારો વધ્યો છે જ્યાં દસ્તાવેજોના અત્યંત જટિલ મૂલ્યાંકન અને કડક વેરિફિકેશનની જરૂરિયાત રહે છે. આ જટિલ પ્રક્રિયાના કારણે વિઝા પ્રોસેસિંગમાં સામાન્ય કરતાં ઘણો વધારે સમય લાગી રહ્યો છે. INZ એ સ્પષ્ટ કર્યું છે કે તેઓ વિઝા પ્રોસેસિંગના ચોક્કસ સમયગાળાની કોઈ ગેરંટી આપતા નથી, તેથી વિદ્યાર્થીઓએ સાપ્તાહિક ધોરણે અપડેટ થતા વેઇટિંગ ટાઈમ ચેક કરતા રહેવું જોઈએ.

અધૂરા દસ્તાવેજોથી બચો: 'શરતી ઓફર' નો ઉપયોગ કરવાનો વિકલ્પ

અરજીઓ નકારાતી બચાવવા માટે ઇમિગ્રેશને વિદ્યાર્થીઓને તમામ જરૂરી સહાયક દસ્તાવેજો સાથે માત્ર સંપૂર્ણ અરજીઓ જ સબમિટ કરવાની કડક સલાહ આપી છે. જે વિદ્યાર્થીઓ હજુ પોતાના આખરી શૈક્ષણિક પરિણામો કે ડિગ્રી સર્ટિફિકેટની રાહ જોઈ રહ્યા છે, તેઓ ન્યુઝીલેન્ડની યુનિવર્સિટીઓ તરફથી મળેલી 'શરતી ઓફર લેટર' (Conditional Offer of Place) નો ઉપયોગ કરીને વિઝા પ્રોસેસ શરૂ કરાવી શકે છે. જો કે, વિઝાના આખરી એપ્રુવલ (મંજૂરી) માટે અંતે તો 'બિનશરતી ઓફર લેટર' (Unconditional Offer) જ સબમિટ કરવો ફરજિયાત રહેશે.

જુલાઈ ઇન્ટેકના વિદ્યાર્થીઓ માટે બેકઅપ પ્લાન જરૂરી

ન્યુઝીલેન્ડમાં સામાન્ય રીતે જુલાઈ ઇન્ટેક (July Intake) નું ઘણું મહત્વ હોય છે. પરંતુ જે વિદ્યાર્થીઓએ છેક મે કે જૂન મહિનામાં પોતાની વિઝા ફાઇલ મૂકી છે, તેમના ક્લાસ શરૂ થવા સુધીમાં વિઝા આવી જ જશે તેની કોઈ ખાતરી નથી. આવા સંજોગોમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ અને આખું વર્ષ ન બગડે તે માટે, INZ એ સલાહ આપી છે કે વિદ્યાર્થીઓએ સંબંધિત શૈક્ષણિક સંસ્થાઓ સાથે વાત કરીને 'આકસ્મિક યોજના' (Contingency Plan) તૈયાર રાખવી જોઈએ, જેથી જરૂર પડે તો તેઓ આગામી ઇન્ટેકમાં પોતાનો પ્રવેશ પાછો ઠેલી (Defer) શકે.

(6:03 PM IST)