<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

LPG ગ્રાહકો માટે મહત્વની અપડેટ: ડિસેમ્બરમાં સિલિન્ડર બુકિંગ પહેલાં આધાર e-KYC સ્ટેટસ તપાસવું જરૂરી, સબસિડી માટે નિયમો કડક

ઇન્ડેન, HP ગેસ અને ભારત ગેસના ગ્રાહકો ઘરે બેઠા મોબાઇલ એપ, ડિલિવરી સમયે અથવા એજન્સી પર કરાવી શકશે e-KYC; જેમનું ચકાસણી થઈ ચૂક્યું છે તેમને ફરીથી કરવાની જરૂર નથી

નવી દિલ્હી : દેશભરમાં ઇન્ડેન (Indane), HP ગેસ અને ભારત ગેસનો ઉપયોગ કરતા લાખો ઘરેલું LPG ગ્રાહકો માટે સબસિડી અને બુકિંગને લઈને મહત્વની જાણકારી સામે આવી છે. ડિસેમ્બર 2026માં ગેસ સિલિન્ડરનું બુકિંગ કરાવતા પહેલાં ગ્રાહકોએ પોતાનું આધાર બાયોમેટ્રિક e-KYC પૂર્ણ થયું છે કે કેમ તે ચકાસી લેવું હિતાવહ છે, કારણ કે જો આ પ્રક્રિયા બાકી હશે તો ગેસ સબસિડી પર અસર પડી શકે છે.

 

નિયમો મુજબ, સબસિડીનો લાભ ચાલુ રાખવા માટે ઘરેલું LPG ગ્રાહકોએ આધાર બાયોમેટ્રિક પ્રમાણીકરણ પૂર્ણ કરવું ફરજિયાત છે. જોકે, જે ગ્રાહકોએ અગાઉથી જ આધાર બાયોમેટ્રિક ચકાસણી પૂર્ણ કરી લીધી છે, તેમને આ પ્રક્રિયા ફરીથી કરવાની જરૂર રહેશે નહીં અને તેમનું નિયમિત બુકિંગ તેમજ પાત્ર સબસિડી રાબેતા મુજબ ચાલુ રહેશે.

 

ગ્રાહકોની સુવિધા માટે e-KYC પૂર્ણ કરવાની અનેક સરળ વ્યવસ્થા ઉપલબ્ધ છે. ઇન્ડેનના ગ્રાહકો 'ઇન્ડિયનઓઇલ વન' (IndianOil ONE), ભારત ગેસના ગ્રાહકો 'HelloBPCL' અને HP ગેસના ગ્રાહકો 'HP PAY' મોબાઇલ એપ્લિકેશન દ્વારા ઘરે બેઠા e-KYC કરી શકે છે, જેમાં ફેસ ઓથેન્ટિકેશનની સુવિધા પણ મળે છે. આ ઉપરાંત, સિલિન્ડરની ડિલિવરી સમયે ડિલિવરી કરનાર વ્યક્તિની મદદથી બાયોમેટ્રિક ચકાસણી કરાવી શકાય છે અથવા રજિસ્ટર્ડ ગેસ એજન્સીની મુલાકાત લઈને પણ પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે.

 

બીજી તરફ, જે ગ્રાહકો e-KYC કરવા માંગતા નથી અથવા સબસિડી લેવા માંગતા નથી, તેમના માટે સબસિડી વગરનું સિલિન્ડર લેવાનો વિકલ્પ ખુલ્લો છે, જેના માટે સંબંધિત તેલ કંપની પાસે પોતાની પસંદગી નોંધાવવાની રહેશે. ઉપરાંત, ઉપલબ્ધતાના આધારે 5 કિલો અને 10 કિલોના સિલિન્ડર પણ મેળવી શકાય છે.

(6:35 PM IST)