News of Tuesday, 21st April 2026
બાંધકામની સામગ્રીના ભાવમાં વધારોઃ ઘરનું સપનું મોંઘુ બન્યું
અમેરિકા- ઈઝરાયેલ-ઇરાન યુદ્ધની અસર : કાચા માલ, ઇંધણ તેમજ ટ્રાન્સપોર્ટના ખર્ચમાં વધારો થતાં બાંધકામ ક્ષેત્રમાં અસર

મુંબઈ,તા.૨૧: ઈરાન અને અમેરિકા- ઈઝરાઈલ વચ્ચે ચાલી રહેલી યુદ્ધની સ્થિતીને કારણે સમગ્ર વિશ્વમાં અણધારી મોંઘવારીએ દસ્તક દીધી છે. વૈશ્વિક સ્તરે વધતાં ભૂ-રાજકીય તણાવની સીધી અસર હવે સ્થાનિક બજારોમાં જોવા મળી રહી છે. મધ્ય પૂર્વ વિસ્તારમા ઉભી થયેલી અનિヘતિતાને કારણે કાચા માલ, ઈધણ તેમજ ટ્રાન્સપોર્ટના ખર્ચમાં વધારો થતાં રોજબરોજની વસ્તુઓ પર તેની ધીમ પણ અસર દેખાવાં માંડી છે. સર્જાયેલી પરીસ્થિતીના કારણે બાંધકામ ક્ષેત્રમાં પણ અસર જોવા મળી રહી છે.
બિલ્ડર લોબીમાંથી જાણવા મળી રહ્યું હતું કે, મિલકતના ભાવોમાં થોડો વધારો થાય તેવી પરીસ્થિતીનું નિર્માણ થયું છે. ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ યુદ્ધના કારણે બાંધકામ માટે ઉપયોગમાં લેવાતાં મહત્વના સામાનના પહેલાના અને હાલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. જેમાં સ્ટીલનો ભાવ ૫૮ હજારથી વધી ૬૫ હજાર થયો છે. એટલે કે તેમાં લગભગ ૧૨ ટકાનો વધારો નોંધાયો છે. સિમેન્ટના ભાવમાં પણ ૧૫ ટકાનો વધારો નોંધાતાં પહેલાં ૨૯૦ રૂપિયામાં મળતી સિમેન્ટની થેલી હવે ૩૩૫ રૂપિયામાં મળે છે.ટાઈલ્સ અને વાયર સહિતના સામાનમાં પણ ૧૧થી ૧૭ ટકાનો વધારો નોંધાયો છે. ખાસ કરીને પ્લમ્બિંગ અને એલ્યુમિનીયમની સામગ્રીના ભાવમાં સૌથી વધુ ૫૦ ટકા જેટલાનો ઉછાળો નોંધાયો છે. જ્યારે બીજા ક્રમે ગ્લાસનો ભાવ ૩૦ ટકા જેટલો વધ્યો છે.
બાંધકામના સામાનના ભાવોમાં થયેલાં વધારાને કારણે બિલ્ડરોનો પ્રોજેકટ ખર્ચ પણ વધી ગયો છે. કેટલાંક કિસ્સામાં જૂના દરથી મિલકત બુક કરાવી હોવાને કારણે બિલ્ડરોને હવે તેમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જોકે, કેટલાંક બિલ્ડરો મોટા નુકશાનમાંથી બચવા માટે નવા પ્રોજેક્ટમાં ભાવ વધારો કરવા મજબૂર બન્યા છે. જેના કારણે રહેણાંક મકાનોના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. બાંધકામ ક્ષેત્રના નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે, કાચા માલના વધતાં ભાવ, લેબર ખર્ચમાં વધારો તેમજ પ્રોજેક્ટ ડિલેના કારણે બિલ્ડરો આર્થિક દબાણમાં ભિસાઈ રહ્યાં છે.ખાસ કરીને નાના અને મધ્યમ વર્ગના બિલ્ડરોની સ્થિતી વધુ પડકારજનક બની છે.
યુદ્ધ પહેલાં અને પછી ભાવમાં થયેલો ફેરફાર
સામાન પહેલાનો ભાવ પછીનો ભાવ ટકા
સ્ટીલ ૫૮૦૦૦ ૬૫૦૦૦ ૧૨%
સિમેન્ટ ૨૯૦ ૩૩૫ ૧૫%
ટાઈલ્સ ૬૦ ૭૦ ૧૭%
વાયર ૮૧૦૦ ૯૦૦૦ ૧૧%
પ્લમ્બિંગ ૧૩૦ ૧૯૮ ૫૨%
કલર ૩૫૦ ૩૭૫ ૦૭%
એલ્યુમિનિયમ ૨૮૦ ૪૩૦ ૫૩%
ગ્લાસ ૬૦ ૭૮ ૩૦%
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
