News of Monday, 13th July 2026
યુક્રેન મહાયુદ્ધ રોકવામાં ભારત સુપરપાવર: પોલેન્ડના વિદેશ મંત્રીએ પીએમ મોદીના વૈશ્વિક પ્રભાવને બિરદાવ્યો, કહ્યું– 'પુતિન પણ મોદીની વાત ગંભીરતાથી સાંભળે છે!'
રશિયા-યુક્રેન સંઘર્ષમાં ભારતનો અવાજ મોસ્કોમાં સવિશેષ વજન ધરાવે છે; પશ્ચિમ એશિયા સંકટ અને હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે પણ પોલેન્ડે ભારતના સંતુલિત રાજદ્વારી વલણને ગણાવ્યું એકમાત્ર યોગ્ય રસ્તો.

નવી દિલ્હી : રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલા ભીષણ યુદ્ધને રોકવા અને વૈશ્વિક શાંતિ સ્થાપવામાં ભારતની ભૂમિકા અત્યંત 'નિર્ણાયક અને મહત્વપૂર્ણ' હોવાનું સ્વીકારતા પોલેન્ડે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વના મુક્તકંઠે વખાણ કર્યા છે. પોલેન્ડના વિદેશ મંત્રાલયના સચિવ વાલાદિસ્લાવ ટીઓફિલ બાર્ટોસ્ઝેવસ્કીએ આજે નવી દિલ્હીની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંતવ્યો અને સલાહને ખૂબ જ ગંભીરતાથી લે છે અને તેમના પર વિશેષ ધ્યાન આપે છે.
રશિયા પર પ્રભાવ પાડી શકે તેવો એકમાત્ર અવાજ એટલે ભારત
એક અહેવાલ અનુસાર, વૈશ્વિક પરિદ્રશ્યમાં ચાલી રહેલા સંઘર્ષો પર વાત કરતા પોલિશ મંત્રીએ ભારતને એક પ્રભાવશાળી આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે વર્ણવ્યો હતો. તેમણે ઉમેર્યું કે, "આ યુદ્ધમાં વધુ ઉગ્રતા રોકવા માટે દરેક પક્ષ ઈચ્છુક છે, પરંતુ જે દેશોને રશિયા પોતાના વિરોધી નથી માનતું તેમનો અવાજ મોસ્કોમાં વધુ વજન ધરાવે છે. વડાપ્રધાન મોદી ઉપરાંત ચીનના શી જિનપિંગ પણ આ યુદ્ધ વધારવાની વિરુદ્ધ છે, તેથી ભારતની મધ્યસ્થતા અહીં અત્યંત મહત્વની બની જાય છે."
પુતિને પણ અગાઉ કર્યા હતા પીએમ મોદીના વખાણ
આ અગાઉ ખુદ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ ભારતની સ્વતંત્ર વિદેશ નીતિની પ્રશંસા કરી હતી અને પશ્ચિમી દેશોના દબાણ સામે ઝૂક્યા વિના રાષ્ટ્રીય હિતોની રક્ષા કરવા બદલ પીએમ મોદીનો બચાવ કર્યો હતો. પુતિને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કોઈ પણ પ્રકારનું બાહ્ય દબાણ લાવવું અશક્ય છે." આ સાથે જ તેમણે ભારતને એક મહાન લોકશાહી અને વિશ્વસનીય ભાગીદાર ગણાવીને આગામી વર્ષોમાં દ્વિપક્ષીય વેપાર $100 બિલિયન સુધી પહોંચવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
પશ્ચિમ એશિયા સંકટ પર પણ ભારત-પોલેન્ડ એકસૂર
પોલેન્ડના વિદેશ સચિવે માત્ર યુક્રેન જ નહીં, પરંતુ પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલી અશાંતિ અંગે પણ ભારતના સંતુલિત રાજદ્વારી વલણને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે ભારત વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થા અને ઉર્જાનો મોટો આયાતકાર દેશ હોવાથી અખાતી દેશોમાંથી આવતા તેલ અને ગેસના પરિવહન માટે દરિયાઈ માર્ગો સુરક્ષિત રહે તે જરૂરી છે.
બાર્ટોસ્ઝેવસ્કીએ આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર પોતાનો કડક અભિપ્રાય આપતા ભારપૂર્વક જણાવ્યું કે, 'હોર્મુઝ સ્ટ્રેટ' આંતરરાષ્ટ્રીય શિપિંગ માટે હંમેશાં ખુલ્લો રહેવો જોઈએ અને ત્યાં કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર પ્રતિબંધો કે ટ્રાન્ઝિટ ચાર્જ (ટોલ) વસૂલવાના પ્રયાસો પોલેન્ડ ક્યારેય સ્વીકારશે નહીં. આ મામલે પણ પોલેન્ડ ભારતની જેમ જ મુત્સદ્દીગીરી અને રાજદ્વારી વાતચીતના રસ્તે આગળ વધવા કટિબદ્ધ છે.
(6:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
