News of Monday, 11th May 2026
ભારત-નેપાળ સરહદ હવે 'સીલ': ઓળખ કાર્ડ વગર પ્રવેશ પર નો-એન્ટ્રી : સુરક્ષા એજન્સીઓ એક્શન મોડમાં!
ઘૂસણખોરી રોકવા નેપાળ સરકારનો મોટો નિર્ણય: આધાર, પાસપોર્ટ કે મતદાર કાર્ડ હશે તો જ મળશે એન્ટ્રી, બંગાળમાં રાજકીય પરિવર્તન બાદ સરહદી વિસ્તારોમાં લોખંડી બંદોબસ્ત અને કડક ચેકિંગ શરૂ

અરરિયા: ભારત અને નેપાળ વચ્ચેના વર્ષો જૂના 'રોટી-બેટી'ના સંબંધો અને ખુલ્લી સરહદ પર હવે સુરક્ષાનો કડક પહેરો બેસાડી દેવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકારના આગમન બાદ બદલાયેલા રાજકીય સમીકરણો અને રોહિંગ્યા તેમજ બાંગ્લાદેશી ઘૂસણખોરીના વધતા જોખમને ધ્યાનમાં રાખીને નેપાળી વહીવટીતંત્ર દ્વારા અભૂતપૂર્વ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ભારતથી નેપાળમાં પ્રવેશવા માટે માન્ય ઓળખ કાર્ડ જેવા કે મતદાર ઓળખપત્ર અથવા પાસપોર્ટ બતાવવો અનિવાર્ય બન્યો છે. આ નવા નિયમોને કારણે સરહદ પર અચાનક ભારે દોડધામ મચી ગઈ છે અને દસ્તાવેજો વિનાના લોકોને સરહદ પરથી જ પાછા કાઢવામાં આવી રહ્યા છે.
નેપાળના મોરાંગ જિલ્લા વહીવટીતંત્રે સોનામોની ગોડાઉનથી અંબારી સુધીના અંદાજે 38 કિલોમીટરના પટ પર સુરક્ષા વધારી દીધી છે. રવિવારે સિક્તી, કુર્સકંટા અને સુનવર્શી જેવા વિસ્તારોમાં ભારતની SSB અને નેપાળની સશસ્ત્ર પોલીસ ફોર્સના જવાનો સંયુક્ત રીતે પેટ્રોલિંગ કરતા જોવા મળ્યા હતા. ખાસ કરીને 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે પણ જન્મ પ્રમાણપત્ર અથવા શાળાનું ઓળખ કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ કડકાઈને કારણે સરહદ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે અને વર્ષોથી અવરજવર કરતા સ્થાનિક મજૂરો તેમજ વેપારીઓ માટે અચાનક મુશ્કેલી ઊભી થઈ છે.
સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ નિર્ણય માત્ર વ્યવસ્થા જાળવવા માટે નથી, પરંતુ સરહદ પારથી થતી ગુનાહિત પ્રવૃત્તિઓ અને ગેરકાયદેસર રીતે ઘૂસતા તત્વોને રોકવા માટેનો એક મોટો વ્યૂહાત્મક પગલો છે. સરહદની બંને બાજુ સૈનિકોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. વહીવટી અધિકારીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે જેથી કોઈ પણ વ્યક્તિ દસ્તાવેજોની સંપૂર્ણ તપાસ વગર સરહદ ઓળંગી ન શકે. બદલાતા સુરક્ષા માહોલ વચ્ચે ભારત અને નેપાળના અધિકારીઓ વચ્ચે પણ સંકલન વધારવામાં આવ્યું છે જેથી સરહદની સુરક્ષા અભેદ્ય બનાવી શકાય.
(11:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
