News of Wednesday, 22nd April 2026
ભારત-નેપાળ સરહદ હવે 'ખુલ્લી' નહીં રહે! પ્રવાસીઓ માટે નવા કડક નિયમો અને ટેક્સનો બોજ
બાલેન શાહ સરકારનો મોટો નિર્ણય: ₹62 થી વધુની ખરીદી પર પણ લાગશે કસ્ટમ ડ્યુટી : ભારતીય વાહનો માટે દૈનિક એન્ટ્રી ફી ફરજિયાત : દસ્તાવેજો વગર સરહદ પાર કરી તો વાહન થશે કાયમી જપ્ત

નવી દિલ્હી: ભારત અને નેપાળ વચ્ચેના દાયકાઓ જૂના 'રોટી-બેટી'ના સંબંધોમાં હવે કાયદાકીય કડકાઈનો નવો અધ્યાય શરૂ થયો છે. અત્યાર સુધી જે સરહદ પ્રવાસીઓ માટે સાવ મુક્ત અને સરળ હતી, ત્યાં હવે નેપાળ સરકારે નવા અને કડક નિયમો લાગુ કરી દીધા છે. ખાસ કરીને ભારતીય પ્રવાસીઓ અને સરહદી વિસ્તારોમાં રહેતા લોકો માટે હવે નેપાળ જવું ખિસ્સા પર ભારે પડશે. નેપાળમાં પ્રવેશતા ભારતીય વાહનો માટે રજિસ્ટ્રેશન અને દૈનિક ફી ફરજિયાત બનાવવામાં આવી છે. સૌથી ચોંકાવનારો ફેરફાર એ છે કે અગાઉ ભારતીય વાહનોને સરહદી વિસ્તારોમાં 24 કલાક માટે જે મફત મુસાફરીની છૂટ મળતી હતી, તે હવે સંપૂર્ણપણે નાબૂદ કરી દેવામાં આવી છે.
નેપાળની બાલેન શાહ સરકારે આર્થિક નિયંત્રણો લાદતા હવે ખરીદી પર પણ નજર ટેકવી છે. જો તમે નેપાળથી માત્ર 100 નેપાળી રૂપિયા (આશરે 62 ભારતીય રૂપિયા) થી વધુની કિંમતનો માલ લાવો છો, તો તેના પર કસ્ટમ ડ્યુટી ચૂકવવી પડશે. આ નિયમને કારણે બિહાર અને ઉત્તર પ્રદેશના સરહદી વિસ્તારોમાંથી જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદવા જતા મધ્યમ વર્ગના પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. નેપાળી કસ્ટમ્સ અધિકારીઓ હવે દરેક નાની વસ્તુ પર ચાર્જ વસૂલી રહ્યા છે અથવા માલ જપ્ત કરી રહ્યા છે. વાહનોના કિસ્સામાં પણ નિયમો અત્યંત કઠોર છે; ભારતીય વાહનો વર્ષમાં માત્ર 30 દિવસ જ નેપાળમાં રહી શકશે, અને જો કાયદેસરના દસ્તાવેજો નહીં હોય તો વાહન જપ્ત પણ થઈ શકે છે.
આ ફેરફારો પાછળ નેપાળ સરકારનો તર્ક છે કે તેઓ કરચોરી રોકવા અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માંગે છે. જોકે, આ નિર્ણયથી બંને દેશોના સરહદી વેપારીઓમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. નાના દુકાનદારોનું માનવું છે કે આ કડકાઈથી પર્યટન અને વેપાર બંનેને નુકસાન થશે. જે લોકો વર્ષોથી મુક્તપણે અવરજવર કરતા હતા, તેમના માટે હવે ઓળખપત્રો અને વાહનના કાગળોની ચકાસણી એક લાંબી પ્રક્રિયા બની ગઈ છે. ભારત અને નેપાળના ઐતિહાસિક સંબંધો વચ્ચે આ નવા નિયમો સામાન્ય નાગરિકો માટે એક નવો પડકાર બનીને ઉભર્યા છે.
(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
