News of Monday, 13th July 2026
ભારત અને પોલેન્ડ વચ્ચે દિલ્હીમાં હાઈ-લેવલ બેઠક: વેપાર, સંરક્ષણ અને સુપર-ટેકનોલોજી ક્ષેત્રે સાથે મળીને ધમાકો કરવા બ્લુપ્રિન્ટ તૈયાર!
પશ્ચિમ એશિયાના યુદ્ધ વચ્ચે વૈશ્વિક સ્તરે ભારતની નવી વ્યૂહાત્મક ભાગીદારી; આતંકવાદ સામે બંને દેશો એક થઈને લડશે.

નવી દિલ્હી : પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા ભયાનક સૈન્ય સંઘર્ષ અને બદલાતા વૈશ્વિક સમીકરણો વચ્ચે, ભારતે યુરોપના એક અત્યંત મહત્વના દેશ પોલેન્ડ સાથે પોતાના દ્વિપક્ષીય અને વ્યૂહાત્મક સંબંધોને એક નવી ઊંચાઈ પર લઈ જવા માટે કમર કસી લીધી છે. આજે દેશની રાજધાની નવી દિલ્હી ખાતે ભારત અને પોલેન્ડ વચ્ચે ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં વેપાર, સંરક્ષણ (ડિફેન્સ) અને અદ્યતન ટેકનોલોજીના ક્ષેત્રમાં પરસ્પર સહયોગ વધારવા અંગે વ્યાપક અને સકારાત્મક ચર્ચાઓ થઈ હતી.
દિલ્હીમાં દિગ્ગજ રાજદ્વારીઓનો જમાવડો
આ ખાસ બેઠકમાં ભારત તરફથી વિદેશ મંત્રાલયના સચિવ (પશ્ચિમ) સિબી જ્યોર્જે ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. જ્યારે પોલેન્ડ તરફથી ત્યાંના વિદેશ સચિવ વ્લાદિસ્લાવ બાર્ટોસ્ઝેવસ્કી અને આર્થિક વિકાસ અને ટેકનોલોજી મંત્રાલયના અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ મિખાઇલ બારાનોવસ્કી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક માત્ર ઔપચારિક નહોતી, પરંતુ તે ભારત-પોલેન્ડ વચ્ચેની વર્ષો જૂની વ્યૂહાત્મક ભાગીદારીની ઊંડાઈ અને ભવિષ્યની યોજનાઓને પ્રતિબિંબિત કરે છે.
ડિફેન્સથી લઈને કલ્ચર સુધી 'મહાકરાર' ની તૈયારી
બેઠક દરમિયાન બંને દેશોએ રાજકીય જોડાણો મજબૂત કરવા ઉપરાંત પરસ્પર વેપાર, વિદેશી રોકાણ, ડિફેન્સ ડીલ્સ અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનને વેગ આપવા માટે પોતાની સહિયારી પ્રતિબદ્ધતા પુનઃઉચ્ચારી હતી. ખાસ કરીને સંરક્ષણ અને આધુનિક ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારત અને પોલેન્ડ એકબીજાના પૂરક બનીને વૈશ્વિક બજારમાં મોટું સ્થાન મેળવી શકે છે તે બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો.
વૈશ્વિક આતંકવાદ સામે સંયુક્ત મોરચો
વર્તમાન સમયમાં જ્યારે દુનિયાના અલગ-અલગ હિસ્સામાં અસ્થિરતાનો માહોલ છે, ત્યારે આ બેઠકમાં વૈશ્વિક આતંકવાદ (Global Terrorism) સામેની લડાઈને વધુ તીવ્ર બનાવવા અને પરસ્પર હિત ધરાવતા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર એકબીજાને સંપૂર્ણ સહયોગ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ બેઠક બાદ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના વ્યાપારિક સંબંધોને પણ નવી ગતિ મળશે તેવું માનવામાં આવી રહ્યું છે.
વૈશ્વિક તણાવના આ સમયમાં ભારત દ્વારા યુરોપિયન દેશ પોલેન્ડ સાથે સંરક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રે મજબૂત થઈ રહેલા આ સંબંધોને તમે કઈ રીતે જુઓ છો?
(6:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
