<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

યુએનની મોટી ભૂલ સામે ભારતનો આકરો વિરોધ: 'જે દેશમાં ઓસામા બિન લાદેન માર્યો ગયો, ત્યાં જ દાઉદ ઈબ્રાહિમ છુપાયો છે!' – ભારતે યુએન રિપોર્ટની કાઢી જોરદાર ઝાટકણી

સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં ડી-કંપનીને 'ભારત-આધારિત' દર્શાવવા સામે ભારતે સખત વાંધો ઉઠાવ્યો; ભવિષ્યમાં આવી ગંભીર અને તથ્યહીન ભૂલો ન દોહરાવવા માટે આપી કડક ચેતવણી.

ન્યૂ યોર્ક, તા.22: સંયુક્ત રાષ્ટ્રસંઘ (UN) ના એક સત્તાવાર અહેવાલમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમની 'ડી-કંપની'ને ભારત-આધારિત સંસ્થા દર્શાવવા સામે ભારતે અત્યંત સખત વિરોધ નોંધાવ્યો છે. ન્યૂ યોર્ક ખાતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની સમિતિમાં ભારતીય પ્રતિનિધિએ આ મુદ્દે યુએનની જોરદાર ઝાટકણી કાઢી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે આવી ગંભીર અને તથ્યહીન ભૂલો વૈશ્વિક સંસ્થાની વિશ્વસનીયતાને મોટું નુકસાન પહોંચાડી શકે છે.

ભારતે આ મુદ્દે આકરું વલણ અપનાવતા યુએનના મંચ પરથી વિશ્વ સમક્ષ સત્ય રજૂ કર્યું હતું કે, દાઉદ ઈબ્રાહિમ ભારત માટે ૧૯૯૩થી મોસ્ટ વોન્ટેડ ગુનેગાર છે અને તે આજે એ જ દેશમાં આશ્રય લઈને છુપાયેલો છે જ્યાં વર્ષ ૨૦૧૧માં યુએસ નેવી સીલ્સના ઓપરેશન દરમિયાન અલ-કાયદાનો વડો ઓસામા બિન લાદેન માર્યો ગયો હતો. પાકિસ્તાનના એબોટાબાદનો પરોક્ષ ઉલ્લેખ કરીને ભારતે ફરી એકવાર આતંકવાદીઓને શરણ આપતા પાકિસ્તાનનો ભાંડો ફોડ્યો હતો.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનના પ્રથમ સચિવ રઘુ પુરીએ સ્પેશિયલ રેપોર્ટિયર (SR) સોલના રિપોર્ટમાં કરવામાં આવેલા દાવાને તદ્દન ફગાવી દીધો હતો. તેમણે વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે, ૨૦૦૩માં જ્યારે સુરક્ષા પરિષદે અલ-કાયદા સાથેના સંબંધોને કારણે દાઉદને બ્લેકલિસ્ટ કર્યો હતો, તે પહેલાં જ તે ભારતમાંથી ભાગી છૂટ્યો હતો. રિપોર્ટમાં વપરાયેલી એક લાઇન વાસ્તવિકતાથી તદ્દન અલગ ચિત્ર રજૂ કરે છે.

ભારતીય પ્રતિનિધિએ ચિંતા વ્યક્ત કરી હતી કે વિશેષ રિપોર્ટરો દ્વારા કોઈપણ જાતની ચકાસણી વગર આવા તથ્યાત્મક રીતે ખોટા અને ભ્રામક રિપોર્ટ જાહેર કરવામાં આવે છે અને તેમની સામે ક્યારેય યોગ્ય જવાબદેહી નક્કી કરવામાં આવતી નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, દેશ સાથે જોડાયેલી આવી મોટી ભૂલોને ભારત કોઈ પણ સંજોગોમાં સહન નહીં કરે.

ભારતે સ્પષ્ટ કર્યું છે કે આંતરરાષ્ટ્રીય મંચો પર આતંકવાદ સામેની લડાઈમાં સચોટતા અને જવાબદેહી અત્યંત જરૂરી છે, અને યુએન જેવી વૈશ્વિક સંસ્થાઓએ અહેવાલો તૈયાર કરતી વખતે વધુ સંવેદનશીલતા અને સત્યતા દાખવવી જોઈએ.

(4:19 PM IST)