<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

ભારતે ૨૦૨૫-૨૬ માં ૨૦ ટકા ઈથેનોલ ભેળવણીનો લક્ષ્યાંક પાર પાડ્યો: અનાજ આધારિત પુરવઠાનો હિસ્સો ૭૩.૫૨ ટકા નોંધાયો

૧,૧૩૪.૩૬ કરોડ લિટર ઈથેનોલ બ્લેન્ડિંગ, મકાઈ અને શેરડીના રસનો મહત્વનો ફાળો, ૩૨.૪૫ લાખ ટન ખાંડ ઈથેનોલ તરફ વળી.

નવી દિલ્હી : ભારતે ઈથેનોલ પુરવઠા વર્ષ ૨૦૨૫-૨૬ (નવેમ્બર-ઓક્ટોબર) દરમિયાન ૨૦ ટકા ઈથેનોલ ભેળવણીનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે, જેમાં ભેળવણીની સરેરાશ ૧૯.૯૯ ટકા રહી હોવાનું ઓલ ઈન્ડિયા ડિસ્ટિલિયર્સ એસોસિયેશન (AIDA) એ જણાવ્યું છે.

 

અહેવાલો મુજબ, ગત પુરવઠા વર્ષમાં ૧,૦૫૦ કરોડ લિટરની આવશ્યકતા સામે ૧,૧૩૪.૩૬ કરોડ લિટર ઈથેનોલનું બ્લેન્ડિંગ થયું હતું, જ્યારે ૧,૧૯૬.૯૦ કરોડ લિટરની ફાળવણી સામે ૧,૦૮૮.૯૧ કરોડ લિટરનો પુરવઠો નોંધાયો હતો.

 

કુલ પુરવઠામાં અનાજ આધારિત ઈથેનોલનો હિસ્સો ૭૩.૫૨ ટકા (૮૦૦.૫૩ કરોડ લિટર) અને ખાંડ આધારિત ઈથેનોલનો હિસ્સો ૨૬.૪૮ ટકા (૨૮૮.૩૮ કરોડ લિટર) રહ્યો હતો, જેમાં મકાઈમાંથી ૪૮૯.૭૧ કરોડ લિટર, FCI ના ચોખામાંથી ૨૩૩.૯૫ કરોડ લિટર અને બગડેલા અનાજમાંથી ૭૬.૮૭ કરોડ લિટર પ્રાપ્ત થયું હતું.

 

ખાંડ આધારિત સેગ્મેન્ટમાં શેરડીના રસમાંથી ૧૫૩.૩૬ કરોડ લિટર, બી-હેવી મોલાસીસમાંથી ૧૧૮.૦૪ કરોડ લિટર અને સી-હેવી મોલાસીસમાંથી ૧૬.૯૮ કરોડ લિટર ઈથેનોલ મળ્યું હતું, જ્યારે અંદાજે ૩૨.૪૫ લાખ ટન ખાંડ ઈથેનોલ માટે ડાયવર્ટ કરાઈ હતી.

 

AIDA ના પ્રમુખ વિજેન્દ્ર સિંઘે જણાવ્યું હતું કે આ સિદ્ધિ ઊર્જા સુરક્ષા, કૃષિ વિકાસ અને ઔદ્યોગિક વૃદ્ધિના સંકલનનું દૃષ્ટાંત છે અને ભવિષ્યમાં સ્થિર નીતિ, સમયસર પ્રાપ્તિ તથા ક્ષમતા વિસ્તરણમાં રોકાણ મહત્વનું રહેશે.

 

હવે ઈથેનોલ ભેળવણીના આગામી લક્ષ્યાંકો, કાચા માલની ઉપલબ્ધતા અને ડિસ્ટિલરી ક્ષેત્રમાં થનારા રોકાણો પર સૌની નજર રહેશે.

(8:52 PM IST)