તા. ૩૦ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ વૈશાખ સુદ – ૧૪ ગુરૂવાર
News of Tuesday, 6th October 2026
ભારત અર્થતંત્રના મોરચે વિશ્વમાં મોખરે: વર્લ્ડ બેન્કે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ભારતનો જીડીપી ગ્રોથ અંદાજ વધારીને ૭.૧ ટકા કર્યો
મજબૂત સ્થાનિક માંગ, સરકારી નીતિઓ અને પ્રથમ ત્રિમાસિક ગાળાના શાનદાર પ્રદર્શનને પગલે વૈશ્વિક નાણાકીય સંસ્થા વર્લ્ડ બેન્કનો ભારત પર ભરોસો વધ્યો

નવી દિલ્હી : વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ અને ભૂ-રાજકીય તણાવ વચ્ચે ભારતીય અર્થતંત્ર માટે આંતરરાષ્ટ્રીય સ્તરેથી અત્યંત ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. વર્લ્ડ બેન્કે ભારતના મજબૂત આર્થિક પ્રદર્શનની સરાહના કરતા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે દેશના જીડીપી (GDP) વૃદ્ધિ દરનો અંદાજ અગાઉના ૬.૬ ટકાથી વધારીને ૭.૧ ટકા કરી દીધો છે. નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં અપેક્ષા કરતાં વધુ સારા પરિણામો અને દેશભરમાં મજબૂત સ્થાનિક માંગને કારણે આ ૦.૫ ટકાનો નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.
વર્લ્ડ બેન્ક દ્વારા જાહેર કરવામાં આવેલા તેના તાજેતરના ‘ઈન્ડિયા ડેવલપમેન્ટ અપડેટ’ રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં સ્થાન ધરાવે છે અને વૈશ્વિક આર્થિક વિકાસમાં સિંહફાળો આપી રહ્યું છે. વૈશ્વિક સ્તરે વેપાર વિવાદો અને અનિશ્ચિતતાઓ હોવા છતાં, ભારતમાં અનુકૂળ નીતિઓ અને મજબૂત ક્રેડિટ વાતાવરણને કારણે આર્થિક વૃદ્ધિ અપેક્ષા કરતાં ઘણી વધારે સારી રહી છે, જે ભારતીય અર્થતંત્રની સ્થિરતા દર્શાવે છે.
અહેવાલ મુજબ, ભારતમાં મજબૂત રોકાણ અને ખાનગી વપરાશના કારણે નાણાકીય વર્ષ ૨૦૨૬માં વિકાસ દર ૭.૮ ટકા સુધી પહોંચ્યો હતો, જે અગાઉના વર્ષના ૭.૨ ટકા કરતાં વધુ હતો. દેશમાં કૃષિ ક્ષેત્રમાં થયેલા ઉત્કૃષ્ટ દેખાવને કારણે ગ્રામીણ વિસ્તારોમાં વપરાશ અને માંગમાં શહેરી વિસ્તારો કરતાં વધુ સુધાર જોવા મળ્યો છે. જ્યારે વર્ષના ઉત્તરાધમાં આવકવેરામાં આપેલી રાહતો અને જીએસટી (GST) ના દરોમાં કરાયેલા ઘટાડા બાદ શહેરી વિસ્તારોમાં પણ ખરીદી અને વપરાશમાં ભારે ઉછાળો નોંધાયો હતો.
વર્લ્ડ બેન્કે ભારતની મધ્યમ ગાળાની આર્થિક સંભાવનાઓને અત્યંત મજબૂત ગણાવી છે, પરંતુ સાથે સાથે કેટલાક બાહ્ય જોખમો સામે સાવચેત પણ કર્યા છે. વૈશ્વિક બજારમાં કચા તેલના ભાવમાં આવતી અસ્થિરતા, અલ નીનોની હવામાન પર અસરો તેમજ શેરબજારમાં થતા મોટા સુધારાને કારણે વિદેશી મૂડી પ્રવાહમાં આવતી અસ્થિરતા જેવા પરિબળો ભારતીય અર્થતંત્ર સામે આગામી સમયમાં પડકાર ઊભો કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ ચાલુ વર્ષના એપ્રિલ મહિનામાં વર્લ્ડ બેન્કે ભારત માટે ૬.૬ ટકાના દરની આગાહી કરી હતી, જેમાં હવે સુધારો કરીને ભારતના આર્થિક આત્મવિશ્વાસ પર મહોર મારવામાં આવી છે. વૈશ્વિક મંદીના વાદળો વચ્ચે ભારતનું આ પ્રદર્શન અન્ય વિકસિત અને વિકાસશીલ દેશો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
આગામી સમયમાં ભારતીય અર્થતંત્રને વધુ ગતિ આપવા માટે સ્થાનિક ઉત્પાદન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નિકાસ ક્ષેત્રે વધુ પ્રોત્સાહક પગલાં લેવામાં આવે તેવી શક્યતા છે. સરકારની આર્થિક નીતિઓ અને સુધારાઓને કારણે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બનેલું રહેશે તેવી વૈશ્વિક નિષ્ણાતોની દ્રઢ ધારણા છે.
(8:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
