તા. ૧૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 21st July 2026
ગ્લોબલ માર્કેટમાં ભારતીય કંપનીનો મોટો ધડાકો: વિપ્રો કન્ઝ્યુમર કેરે ફિલિપાઇન્સની જાણીતી પર્સનલ કેર કંપની 'S બ્રાન્ડ્સ'ને ખરીદી!
દક્ષિણપૂર્વ એશિયાઈ બજારમાં વિપ્રોનું ૧૬મું મોટું વૈશ્વિક સંપાદન: ફિલિપાઇન્સ બન્યું રૂ. ૧,૦૦૦ કરોડથી વધુની વાર્ષિક આવક આપતું વિપ્રોનું ત્રીજું મોટું આંતરરાષ્ટ્રીય માર્કેટ

નવી દિલ્હી, તા.૨૧: ભારતીય FMCG ક્ષેત્રની દિગ્ગજ કંપની વિપ્રો કન્ઝ્યુમર કેર ઇન્ટરનેશનલ (WCCI) એ વૈશ્વિક સ્તરે પોતાનો દબદબો વધુ મજબૂત કરતા એક મોટો ધડાકો કર્યો છે. કંપનીએ ફિલિપાઇન્સની અગ્રણી પર્સનલ કેર કંપની 'S બ્રાન્ડ્સ કન્ઝ્યુમર કેર ઇન્ક.' (S Brands Consumer Care Inc.) ને ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ સોદા સાથે વિપ્રોએ દક્ષિણપૂર્વ એશિયાના ઝડપથી વિકસતા ગ્રાહક બજારમાં પોતાની પકડ વધુ મજબૂત કરી લીધી છે.
વિપ્રો કન્ઝ્યુમર કેરનું આ ૧૬મું વૈશ્વિક સંપાદન (Acquisition) છે, જ્યારે ફિલિપાઇન્સના બજારમાં આ તેમનો બીજો મોટો સોદો છે. જોકે, બંને કંપનીઓએ આ સોદાની નાણાકીય રકમ જાહેર કરી નથી, પરંતુ આ સંપાદનથી વિપ્રોના પોર્ટફોલિયોમાં KERATINplus, AlcoPlus, DeoPlus, Empress અને Fiona Cologne જેવી ફિલિપાઇન્સની અત્યંત લોકપ્રિય અને વિશ્વાસપાત્ર પર્સનલ કેર બ્રાન્ડ્સ ઉમેરાઈ ગઈ છે.
ફિલિપાઇન્સ બન્યું વિપ્રો માટે રૂ. ૧,૦૦૦ કરોડનું માર્કેટ
આ સંપાદનની સાથે જ ફિલિપાઇન્સ હવે વિપ્રો કન્ઝ્યુમર કેર માટે વાર્ષિક રૂ. ૧,૦૦૦ કરોડથી વધુની આવક રળી આપતું ત્રીજું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય બજાર બની ગયું છે.
વિપ્રો એન્ટરપ્રાઇઝિસના મેનેજિંગ ડિરેક્ટર અને વિપ્રો કન્ઝ્યુમર કેરના સીઈઓ કુમાર ચંદરે આ અંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "દક્ષિણપૂર્વ એશિયાના પર્સનલ કેર ક્ષેત્રે અગ્રણી સ્થાન મેળવવાના અમારા લક્ષ્ય તરફ આ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ પગલું છે. S બ્રાન્ડ્સ પાસે શ્રેણી-અગ્રણી ઉત્પાદનોનો વિશાળ અનુભવ અને ગ્રાહક આધાર છે."
સામે પક્ષે, S બ્રાન્ડ્સના સ્થાપક ડિક સી ઓંગે જણાવ્યું કે વિપ્રોની વૈશ્વિક પહોંચ અને R&D ક્ષમતાઓનો લાભ મળવાથી તેમની બ્રાન્ડ્સનો વિકાસ હવે બમણી ઝડપે થશે.
(5:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
