<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

દક્ષિણ આફ્રિકાના પાઠ્યપુસ્તકોમાં ભારતીય વારસાને અવગણવામાં આવ્યો? હિન્દુ સંગઠને ઈતિહાસના અભ્યાસક્રમમાં મોટા ફેરફારની કરી માંગ

દક્ષિણ આફ્રિકામાં ભારતીયોના યોગદાનને ઓછું આંકવું એ સત્યનું અપમાન છે; હિન્દુ ધર્મ સભાએ સરકારને પત્ર લખી ભારતીય ઈતિહાસની સામગ્રી બમણી કરવા રજૂઆત કરી.

ડરબન: તા.૦૧: દક્ષિણ આફ્રિકાના એક અગ્રણી હિન્દુ સંગઠને ત્યાંની શાળાઓના પાઠ્યપુસ્તકોમાં ભારતીય સમુદાયના ઐતિહાસિક યોગદાનને યોગ્ય સ્થાન આપવા માટે જોરદાર માંગ ઉઠાવી છે. દક્ષિણ આફ્રિકન હિન્દુ ધર્મ સભા (SAHDS) ના પ્રમુખ રામ મહારાજે સત્તાવાળાઓને એક ખુલ્લો પત્ર લખીને જણાવ્યું છે કે, હાલમાં જે પાઠ્યપુસ્તકોમાં સુધારો કરવામાં આવી રહ્યો છે, તેમાં ભારતીયોના ઈતિહાસ અને તેમના બલિદાનની વિગતોમાં નોંધપાત્ર વધારો કરવો જોઈએ.

સંગઠને ભાર પૂર્વક જણાવ્યું છે કે ભલે ભારતીય સમુદાય દક્ષિણ આફ્રિકામાં લઘુમતીમાં હોય, પરંતુ દેશના ઘડતરમાં તેમનો ઈતિહાસ અત્યંત મહત્વનો છે જેને ભૂંસી શકાય તેમ નથી. ૧૯૮૧માં ડરબનમાં યોજાયેલા પ્રથમ રાષ્ટ્રીય હિન્દુ સંમેલનમાં પસાર કરવામાં આવેલા ઠરાવને ટાંકીને માંગ કરવામાં આવી છે કે તમામ ધોરણોમાં ભારતીય ઈતિહાસને લગતી સામગ્રી હાલના સ્તર કરતા ઓછામાં ઓછી બમણી કરવી જોઈએ.

રામ મહારાજે પત્રમાં ઉમેર્યું હતું કે પાઠ્યપુસ્તકોમાં ભારતીય વારસાને ઓછો બતાવવો એ સત્યને દબાવવા સમાન છે અને વર્તમાન પ્રતિનિધિત્વનું સ્તર એક અપમાનજનક બાબત છે. લઘુમતી સમુદાયો પણ દેશના વિકાસમાં સમાન મહત્વ ધરાવે છે અને તેથી તેમની આવનારી પેઢીઓને પોતાના પૂર્વજોના સાચા ઈતિહાસની જાણકારી મળે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. આ માંગણી સાથે હવે દક્ષિણ આફ્રિકામાં ભારતીય મૂળના લોકોના સાંસ્કૃતિક અને ઐતિહાસિક અસ્તિત્વને લઈને નવી ચર્ચા છેડાઈ છે.

(5:14 PM IST)