News of Thursday, 9th July 2026
ભારતીય ઉદ્યોગો વૈશ્વિક મંચ પર ચમકશે: દેશના MSME સેક્ટરને શક્તિશાળી બનાવવા QCI અને NSIC વચ્ચે ઐતિહાસિક ભાગીદારી, ગુણવત્તા અને બજાર ક્ષમતામાં થશે મોટો સુધારો
'ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ' (ZED) પ્રમાણપત્ર અને ડિજિટલ માર્કેટ એક્સેસ જેવા મોટા પ્રોજેક્ટ્સ એક પ્લેટફોર્મ પર આવશે: નાના ઉદ્યોગો સ્થાનિક અને વૈશ્વિક બજારોમાં આત્મવિશ્વાસ સાથે સ્પર્ધા કરવા સજ્જ

નવી દિલ્હી : દેશના આર્થિક વિકાસની કરોડરજ્જુ સમાન સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) ને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક અને ગુણવત્તાયુક્ત બનાવવા માટે આજે એક મોટું અને ઐતિહાસિક કદમ ઉઠાવવામાં આવ્યું છે. નવી દિલ્હી ખાતે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (QCI) અને નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ (NSIC) વચ્ચે એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ ભાગીદારીનો મુખ્ય હેતુ દેશભરના લાખો MSME એકમો માટે ગુણવત્તા, નવીનતા, સ્પર્ધાત્મકતા અને આંતરરાષ્ટ્રીય બજારો સુધી સરળ પહોંચ (માર્કેટ એક્સેસ) સુનિશ્ચિત કરતી એક મજબૂત સહયોગી ઇકોસિસ્ટમ તૈયાર કરવાનો છે.
આ કરાર હેઠળ, ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (QCI) ની ગુણવત્તા, માન્યતા અને પ્રમાણપત્ર ક્ષેત્રની નિપુણતાને હવે NSIC ના દેશવ્યાપી વિશાળ MSME સપોર્ટ નેટવર્ક સાથે જોડી દેવામાં આવશે. આ સુમેળભર્યા સહયોગથી ભારતીય ઉદ્યોગો આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત ગુણવત્તા ધોરણોને અપનાવી શકશે. આ જોડાણ મુખ્ય રાષ્ટ્રીય પહેલો જેવી કે 'MSME સસ્ટેનેબલ સર્ટિફિકેશન સ્કીમ', 'MSME ગ્લોબલ માર્ટ', 'TEAM પહેલ' અને 'સિંગલ પોઈન્ટ રજીસ્ટ્રેશન સ્કીમ' ને એક જ છત્ર હેઠળ લાવવા માટે સક્રિય પ્રયાસ કરશે.
ZED સર્ટિફિકેશન અને ડિજિટલ માર્કેટિંગને મળશે નવી ગતિ:
આ ભાગીદારીથી ઉદ્યોગોમાં 'ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ' (ZED) પ્રમાણપત્ર વ્યાપકપણે અપનાવવામાં ભારે મદદ મળશે, જેનાથી ભારતીય પ્રોડક્ટ્સ ત્રુટિરહિત અને પર્યાવરણને અનુકૂળ બનશે. આ ઉપરાંત, નાના ઉદ્યોગો માટે ડિજિટલ માર્કેટ એક્સેસમાં નોંધપાત્ર સુધારો થશે, ટેસ્ટિંગ અને લેબોરેટરી માળખું મજબૂત બનશે તેમજ દેશભરની તાલીમ સંસ્થાઓ અને MSME સાહસિકો માટે ક્ષમતા નિર્માણ (કેપેસિટી બિલ્ડિંગ) ની નવી તકો ઉપલબ્ધ થશે.
આ ઐતિહાસિક પ્રસંગે NSIC ના ચેરમેન-કમ-મેનેજિંગ ડિરેક્ટર ડૉ. સુભ્રાંશુ શેખર આચાર્ય અને QCI ના નેશનલ ડિવિઝન ફોર ઇન્ડસ્ટ્રી એક્સેલન્સના સિનિયર ડિરેક્ટર અને વડા ડૉ. એ. રાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોતાના સંબોધનમાં ડૉ. આચાર્યએ જણાવ્યું હતું કે, આ સહયોગ એક એવું મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડશે જે ભારતીય ઉદ્યોગોને સ્થાનિક અને વૈશ્વિક બજારોમાં સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે સ્પર્ધા કરવા માટે સશક્ત બનાવશે. જ્યારે ડૉ. રાજે ઉમેર્યું કે, આ એમઓયુથી MSME ક્ષેત્રની એકંદર સ્પર્ધાત્મકતા વધશે, ગુણવત્તા પ્રત્યેની જાગૃતિ દ્રઢ થશે અને QCI ના 'રાષ્ટ્રીય ગુણવત્તા અભિયાન' ને એક નવી અને સકારાત્મક ઊર્જા મળશે.
(8:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
