News of Monday, 12th October 2026
યુએસ દ્વારા PERM અરજીઓ સ્થગિત કરાતા ભારતીય IT કંપનીઓ પર ખાસ અસર નહીં થાય: કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝનો આશાસ્પદ અહેવાલ!
TCS, ઈન્ફોસિસ અને વિપ્રો સહિતની દિગ્ગજ કંપનીઓએ વિઝા પરની નિર્ભરતા ઘટાડી સ્થાનિક ભરતી વધારી: સબ-કોન્ટ્રાક્ટિંગ અને ઓફશોરિંગથી ટૂંકા ગાળાના ખર્ચને પહોંચી વળવા આઈટી સેક્ટર સક્ષમ

નવી દિલ્હી, તા.૧૨: યુનાઇટેડ સ્ટેટ્સ (US) ના શ્રમ વિભાગ દ્વારા ભારતની છ અગ્રણી IT કંપનીઓ સાથે સંકળાયેલી નવી અને પેન્ડિંગ લેબર સર્ટિફિકેશન (PERM) અરજીઓ સ્થગિત કરવાના લેવાયેલા નિર્ણયથી ભારતીય IT સેક્ટર પર કોઈ ખાસ વિપરીત અસર થવાની શક્યતા નથી. કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝ દ્વારા જાહેર કરવામાં આવેલા એક તાજેતરના અહેવાલ મુજબ, આ નિર્ણયથી TCS, Infosys, HCLTech, Wipro, Cognizant અને Capgemini જેવી અગ્રણી IT કંપનીઓની કામગીરી, ડિલિવરી ક્ષમતા કે કમાણી પર કોઈ મોટો ખતરો ઊભો થશે નહીં.
બ્રોકરેજ ફર્મના જણાવ્યા અનુસાર, ભારતીય IT કંપનીઓએ છેલ્લા કેટલાક વર્ષોમાં વર્ક વિઝા પર આધાર રાખવાને બદલે અમેરિકામાં જ સ્થાનિક સ્તરે ભરતી પ્રક્રિયામાં નોંધપાત્ર વધારો કર્યો છે. હાલમાં આ કંપનીઓના યુએસ સ્થિત કર્મચારીગણમાં H-1B વિઝા ધારકોનો હિસ્સો સતત ઘટી રહ્યો છે અને પેન્ડિંગ PERM અરજીઓ ધરાવતા કર્મચારીઓની સંખ્યા અત્યંત ઓછી છે. તેથી નવી વિઝા અરજીઓ પર મૂકાયેલા આ સસ્પેન્શનની સીધી અસર આઈટી ઉદ્યોગની એકંદર આવક કે કામગીરી પર જોવા નહીં મળે.
જોકે, આ સસ્પેન્શનના કારણે પોતાના H-1B વિઝાને છ વર્ષની પ્રમાણભૂત મર્યાદાથી આગળ વધારવા માંગતા કર્મચારીઓ માટે થોડી મુશ્કેલી ઊભી થઈ શકે છે, કારણ કે PERM અથવા I-140 ફાઇલિંગ વિઝા એક્સટેન્શન માટે જરૂરી હોય છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે કંપનીઓ પ્રોજેક્ટ પૂરા કરવા સબ-કોન્ટ્રાક્ટરો પર નિર્ભરતા વધારી શકે છે, જેનાથી ટૂંકા ગાળા માટે ખર્ચમાં થોડો વધારો થઈ શકે છે. પરંતુ ભારતમાંથી જ કામ પૂરું કરાવવાની 'ઓફશોરિંગ' પદ્ધતિ અને સ્થાનિક ડિલિવરી સિસ્ટમને મજબૂત બનાવીને આ વધારાના ખર્ચને સમય જતાં પહોંચી વળવામાં આવશે.
અહેવાલમાં સ્પષ્ટપણે નોંધવામાં આવ્યું છે કે જ્યાં સુધી યુએસ સરકાર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો હાલના વર્ક પરમિટ, ક્લાયન્ટ-સાઇટ પર કર્મચારીઓની તૈનાતી કે આઉટસોર્સિંગ પ્રક્રિયા સુધી વિસ્તરે નહીં, ત્યાં સુધી ભારતીય IT ઉદ્યોગ માટે કોઈ મોટું જોખમ નથી. વર્તમાન PERM સસ્પેન્શન તે મર્યાદા સુધી પહોંચતું ન હોવાથી ભારતીય IT કંપનીઓ આ પરિસ્થિતિને સરળતાથી સંભાળી લેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.
(4:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
