News of Friday, 8th May 2026
અમેરિકામાં શરણ લેવાના ભારતીય મુસ્લિમ યુવકના મનસૂબા પર પાણી ફરી વળ્યું: ફેડરલ કોર્ટે દેશનિકાલ રોકવાની અરજી ફગાવી, કહ્યું- 'ભારત વિશાળ દેશ છે, ગમે ત્યાં રહી શકાય છે'
2016 ના હુમલાને આધારે માંગ્યું હતું આશ્રય: કોર્ટે નોંધ્યું કે સ્થાનિક પોલીસે મદદ કરી હતી, તેથી તેને સરકાર પ્રેરિત અત્યાચાર ગણી શકાય નહીં

શિકાગો: તા.૦૮ અમેરિકાની એક ફેડરલ અપીલ કોર્ટે ભારતીય મૂળના મુસ્લિમ વ્યક્તિ, સનાઉલ્લાહ ખાન મોહમ્મદની ભારત પરત મોકલવા (Deportation) સામેની અરજીને ફગાવી દીધી છે. કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે અરજદારે ભારતમાં જે હિંસાનો સામનો કર્યો હોવાનો દાવો કર્યો છે, તેને 'અત્યાચાર' (Persecution) ની શ્રેણીમાં ન મૂકી શકાય. સાતમી સર્કિટની યુએસ કોર્ટ ઓફ અપીલ્સે જણાવ્યું કે ભારત એક ખૂબ જ વિશાળ દેશ છે અને અરજદાર પોતાના વતનને બદલે ભારતના અન્ય કોઈ પણ ભાગમાં સુરક્ષિત રીતે રહી શકે છે.
આ કેસની વિગત મુજબ, સનાઉલ્લાહ જૂન ૨૦૧૬માં વિઝિટર વિઝા પર અમેરિકા ગયો હતો અને વિઝાની અવધિ પૂરી થયા પછી પણ ત્યાં જ રોકાઈ ગયો હતો. ૨૦૧૯માં તેણે અમેરિકામાં શરણ (Asylum) મેળવવા માટે અરજી કરી હતી. તેણે દાવો કર્યો હતો કે ભારતમાં તેમનો ગૌમાંસ સાથે સંકળાયેલો કતલખાનાનો વ્યવસાય હોવાથી મે ૨૦૧૬માં સ્થાનિક લોકોએ તેમના પર હુમલો કર્યો હતો અને પથ્થરમારો કર્યો હતો, જેના કારણે તેને ભારત પરત જવામાં ડર લાગે છે.
જોકે, ત્રણ ન્યાયાધીશોની પેનલે અવલોકન કર્યું કે જ્યારે ૨૦૧૬માં તે હુમલો થયો ત્યારે સ્થાનિક પોલીસે તુરંત દરમિયાનગીરી કરીને હુમલાખોરોને ભગાડી દીધા હતા. આ બાબત સાબિત કરે છે કે ભારતીય સત્તાવાળાઓ હિંસામાં સામેલ નહોતા, પણ તેમણે મદદ કરી હતી. કોર્ટે વધુમાં ઉમેર્યું કે મોહમ્મદને જે સામાન્ય ઈજાઓ થઈ હતી તેને આધારે આશ્રય આપી શકાય નહીં. વળી, જે વ્યવસાયને કારણે વિવાદ થયો હતો તે કતલખાનું હવે બંધ થઈ ગયું હોવાથી ભવિષ્યમાં કોઈ જોખમ હોવાનું જણાતું નથી.
ન્યાયાધીશોએ અરજી ફગાવતા એમ પણ કહ્યું કે મોહમ્મદે શરણ માટેની અરજી એક વર્ષની સમયમર્યાદા પૂરી થયા બાદ ઘણી મોડી કરી હતી. આ કાનૂની કારણો અને ભારતમાં પોલીસની મદદ મળવાની હકીકતને ધ્યાનમાં રાખીને કોર્ટે તેને ભારત પરત મોકલવાનો માર્ગ મોકળો કર્યો છે. હવે સનાઉલ્લાહ મોહમ્મદને ગમે ત્યારે અમેરિકા છોડીને ભારત પરત આવવું પડી શકે છે.
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
