News of Tuesday, 14th July 2026
વૈશ્વિક આંચકાથી ભારતીય શેરબજારમાં કડાકાના એંધાણ : ગિફ્ટ નિફ્ટી (GIFT Nifty) ૧૫૦ પોઈન્ટ તૂટતાં સેન્સેક્સ અને નિફ્ટીનું નબળું ઓપનિંગ થવાની સંભાવના
અમેરિકા-ઈરાન સૈન્ય સંઘર્ષ અને હોર્મુઝ સામુદ્રધુનીમાં ૨૦% ટ્રાન્ઝિટ ફીની જાહેરાત બાદ ક્રૂડ તેલ ૮૫ ડોલરને પાર થતાં વૈશ્વિક બજારો ધ્વસ્ત : વોલ સ્ટ્રીટના ઘટાડા બાદ એશિયાઈ માર્કેટમાં સાવચેતીનો માહોલ

મુંબઈ: અમેરિકા અને ઈરાન વચ્ચે સતત વધી રહેલા ભૌગોલિક રાજકીય અને સૈન્ય તણાવની સીધી નકારાત્મક અસર વૈશ્વિક રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પડી છે. મધ્ય-પૂર્વની કટોકટી વચ્ચે મંગળવાર, ૧૪ જુલાઈ ૨૦૨૬ના રોજ સવારે ગિફ્ટ નિફ્ટીમાં ૧૫૦ પોઈન્ટ સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે, જે ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી-૫૦ માટે ભારે ગાબડા સાથે નબળી શરૂઆતના સ્પષ્ટ સંકેતો આપે છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલુ લશ્કરી હુમલાઓના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચ્યા છે, જેના લીધે સ્થાનિક બજારો સતત દબાણ હેઠળ રહેવાની સંભાવના સેવાઈ રહી છે.
ગિફ્ટ નિફ્ટીમાં ૦.૫૩% નો ઘટાડો, સોમવારની મર્યાદિત તેજી ધોવાઈ જશે:
મંગળવારે સવારે અંદાજે ૮:૧૦ વાગ્યે ગિફ્ટ નિફ્ટી ૧૨૮ પોઈન્ટ અથવા ૦.૫૩ ટકાના ઘટાડા સાથે ૨૪,૦૯૦ ના સ્તર પર ટ્રેડિંગ કરી રહ્યો હતો. આ આંકડો દર્શાવે છે કે નિફ્ટી-૫૦ સોમવારના બંધ સ્તર ૨૪,૨૧૧ ની ઘણી નીચે ગેપ-ડાઉન ઓપનિંગ સાથે ખૂલી શકે છે. અગાઉ સોમવારે ભારતીય બજારો પ્રારંભિક નુકસાનમાંથી બહાર આવીને સામાન્ય વધારા સાથે બંધ રહ્યા હતા, જેમાં સેન્સેક્સ ૪૭.૦૧ પોઈન્ટ વધીને ૭૭,૬૧૬.૪૦ અને નિફ્ટી ૪.૧૦ પોઈન્ટ વધીને ૨૪,૨૧૧ પર પહોંચ્યો હતો. આઈટી સ્ટોક્સની તેજીએ એફએમસીજી, મેટલ અને રિયલ્ટી શેરોની નબળાઈને સરભર કરી હતી, પરંતુ મંગળવારનો વૈશ્વિક આંચકો માર્કેટનું ચિત્ર બદલી નાખશે.
ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત બાદ ક્રૂડ ઓઈલ ભડકે બળ્યું, બ્રેન્ટ તેલ ૮૫.૫૦ ડોલર:
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનના જહાજો પર નૌકા સૈન્ય નાકાબંધી પુનઃ લાગુ કરવાની અને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતા કાર્ગો પર ૨૦ ટકા ટ્રાન્ઝિટ ફી વસૂલવાની સનસનાટીભરી જાહેરાત બાદ ઉર્જા સપ્લાય ખોરવાવાની ભીતિ વધી ગઈ છે. આ જ કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ૨.૬ ટકાના ઉછાળા સાથે બેરલ દીઠ ૮૫.૫૦ ડોલર પર પહોંચી ગયું છે, જે મધ્ય-જૂન પછીનું સર્વોચ્ચ સ્તર છે. અગાઉના સત્રમાં ક્રૂડમાં ૯.૬ ટકાનો મોટો દૈનિક વધારો જોવા મળ્યો હતો. બીજી તરફ યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) ક્રૂડ પણ ૨ ટકા વધીને ૮૦ ડોલરની નજીક ટ્રેડ થઈ રહ્યું હતું.
વોલ સ્ટ્રીટમાં ભારે કડાકો અને એશિયાઈ બજારોમાં મિશ્ર વલણ:
તેલના વધતા ભાવો અને પ્રવર્તતી અનિશ્ચિતતાને પગલે ગત રાત્રે અમેરિકી શેરબજાર વોલ સ્ટ્રીટમાં રોકાણકારોએ ભારે વેચવાલી કરી હતી. નાસ્ડેક (Nasdaq) ૧.૫૫ ટકા, એસ એન્ડ પી ૫૦૦ (S&P 500) ૦.૭૯ ટકા અને ડાઉ જોન્સ ૦.૨૬ ટકા ઘટીને બંધ થયા હતા. ખાસ કરીને ટેક્નોલોજી શેરોમાં મોટો કડાકો બોલાયો હતો. આ ઉપરાંત ફેડરલ રિઝર્વના ગવર્નર ક્રિસ્ટોફર વોલરે ફુગાવો કાબૂમાં ન આવે તો વ્યાજ દરો વધારવાની આપેલી ચેતવણીએ ચિંતા વધારી છે. મંગળવારે એશિયાઈ બજારોમાં સાવચેતી વચ્ચે મિશ્ર માહોલ હતો, જેમાં દક્ષિણ કોરિયાના શેર ૨.૨ ટકા અને જાપાનનો નિક્કી ૦.૨ ટકા પ્લસ હતા.
વિદેશી રોકાણકારોની સતત વેચવાલી અને નિષ્ણાતોનો ટેકનિકલ વ્યુ:
ભારતીય બજાર પર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) નું દબાણ સતત વધી રહ્યું છે, જેમણે સોમવારે ૩,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના શેર વેચીને નાણાં પાછા ખેંચ્યા હતા. તેની સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ (DII) સતત ચોથા સત્રમાં ખરીદી ચાલુ રાખી ૨,૧૭૧ કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. એનરિચ મનીના સીઈઓ પોનમુડી આર. ના જણાવ્યા અનુસાર, ક્રૂડ ઓઈલ અને મોંઘવારી બજાર માટે મુખ્ય જોખમ છે. ટેકનિકલ દ્રષ્ટિએ નિફ્ટી માટે ૨૪,૩૦૦-૨૪,૪૦0 નો ઝોન તાત્કાલિક પ્રતિકાર (Resistance) સપાટી છે, જ્યારે ડાઉનસાઇડ પર ૨૪,૦00 ની મનોવૈજ્ઞાનિક સપાટી મુખ્ય સપોર્ટ છે. જો આ સપોર્ટ તૂટશે તો નિફ્ટી ૨૩,૯૦૦ થી ૨૩,૮૦૦ ના સ્તરે ગગડી શકે છે.
(8:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
