News of Wednesday, 20th May 2026
હોર્મુઝની લડાઈ વચ્ચે ભારતીય ટેન્કરો ગર્જના કરશે
જયશંકરની માસ્ટરસ્ટ્રોક રણનીતિ : ત્રણ મહિનાથી બંધ પડેલા હોર્મુઝ પર ભારત પોતાનો દબદબો જાળવવા તૈયાર

નવી દિલ્હી, તા.૨૦: મધ્ય પૂર્વમાં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા વિનાશક જંગે વૈશ્વિક તેલ બજારમાં હાહાકાર મચાવ્યો છે, પરંતુ ભારત હવે આ સંકટને માત આપવા માટે સજ્જ છે. વિદેશ -ધાન એસ. જયશંકરની કુનેહપૂર્વકની મુત્સદ્દીગીરી અને ઈરાની વિદેશ પ્રધાન સાથેની ઉચ્ચ સ્તરીય મુલાકાત બાદ, ભારતે હોર્મુઝ સ્ટ્રેટ પાર કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના તેલ ટેન્કરો પર્સિયન ગલ્ફમાં પ્રવેશવા માટે માત્ર અંતિમ લીલી ઝંડીની રાહ જોઈ રહ્યા છે. આ એવો માર્ગ છે જ્યાંથી વિશ્વનો ૨૦ ટકા તેલ પુરવઠો પસાર થાય છે અને હાલમાં તે યુદ્ધના કારણે અત્યંત જોખમી ગણાય છે.
ભારતની આ રણનીતિ માત્ર તેલ લાવવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે વૈશ્વિક મંચ પર ભારતની વધતી જતી તાકાતનું પ્રતીક છે. અમેરિકામાં તેલના ભાવ ૫૦ ટકા વધી ગયા છે અને ભારતમાં પણ મોંઘવારીનો પારો ઊંચકાઈ રહ્યો છે, ત્યારે મધ્ય પૂર્વીય દેશોમાંથી પરંપરાગત આયાત શરૂ કરવી અનિવાર્ય બની છે. ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે અન્ય દેશો પાસેથી તેલ ખરીદવું ખર્ચાળ અને સમય માંગી લે તેવું હોવાથી, હોર્મુઝ સ્ટ્રેટનો ઉપયોગ કરવો જ હિતાવહ છે. આ સાહસિક કદમથી સ્થાનિક બજારમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવો પર પ્રહાર કરી રહેલા વૈશ્વિક દબાણને ઘટાડવામાં મોટી મદદ મળશે.
સૌથી મહત્વની બાબત એ છે કે ભારત આ જોખમી માર્ગ પર એકલું નથી ઉતરી રહ્યું. ભારતીય નૌકાદળે આ વિસ્તારમાં પોતાના યુદ્ધ જહાજોની સંખ્યા બમણી કરી દીધી છે, જે ભારતીય ધ્વજ ધરાવતા ટેન્કરોને લોખંડી સુરક્ષા કવચ પૂરું પાડશે. જોકે હજુ સુધી અમેરિકા કે ઈરાન તરફથી સત્તાવાર સહમતીની પુષ્ટિ થઈ નથી, પરંતુ ભારતીય નૌકાદળની મજબૂત હાજરી સૂચવે છે કે ભારત કોઈ પણ પડકારને પહોંચી વળવા તૈયાર છે. આ ઓપરેશન સફળ રહેતા જ ભારતના ઉર્જા ક્ષેત્રે ફેલાયેલા અનિશ્ચિતતાના વાદળો દૂર થશે અને દેશના અર્થતંત્રને નવી ગતિ મળશે.
(2:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
