News of Saturday, 20th June 2026
ભારતીય ટ્રેક પર ફરી ગાજશે F1 સુપરકારના એન્જિન: રમતગમત મંત્રાલયનો મેગા પ્લાન તૈયાર!
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની જાહેરાત: 15 વર્ષના લાંબા ઈન્તઝાર બાદ 2028 સુધીમાં ભારતીય ગ્રાન્ડ પ્રિકસની ધમાકેદાર વાપસી માટે ટાસ્ક ફોર્સ ઘડશે નવો રોડમેપ

નવી દિલ્હી : ભારતના હાઈ-સ્પીડ રમતપ્રેમીઓ અને મોટરસ્પોર્ટ ઉત્સાહીઓ માટે રોમાંચથી ભરી દેનારા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વિશ્વની સૌથી ઝડપી અને પ્રતિષ્ઠિત રેસિંગ ઇવેન્ટ 'ફોર્મ્યુલા 1' (F1) આગામી સમયમાં ફરી એકવાર ભારતીય ટ્રેક પર ધૂમ મચાવવા માટે સજ્જ થઈ રહી છે. કેન્દ્ર સરકારે દેશમાં આ વૈશ્વિક રમતની વાપસી માટે સત્તાવાર સ્તરે ચક્ર ગતિમાન કર્યા છે. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ જાહેરાત કરી છે કે સરકાર આગામી વર્ષ સુધીમાં એક મજબૂત માળખું ઊભું કરવા માગે છે, જેથી વર્ષ 2028 સુધીમાં ભારતીય ગ્રાન્ડ પ્રિકસને ફરીથી વૈશ્વિક F1 કેલેન્ડરમાં ગૌરવપૂર્ણ સ્થાન અપાવી શકાય.
આ ભવ્ય વાપસીને હકીકતમાં બદલવા માટે રમતગમત મંત્રાલય ટૂંક સમયમાં જ ચારથી પાંચ સભ્યોની એક વિશેષ 'ટાસ્ક ફોર્સ'ની રચના કરશે. આ ઉચ્ચ સ્તરીય સમિતિ ભારતમાં મોટરસ્પોર્ટ્સની વર્તમાન સ્થિતિ, જરૂરી માળખાગત સુવિધાઓ, વિદેશી રોકાણ અને આંતરરાષ્ટ્રીય ધોરણોનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કરશે. ઉલ્લેખનીય છે કે ભારતે અગાઉ 2011 થી 2013 દરમિયાન ગ્રેટર નોઈડાના પ્રખ્યાત બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટ પર સફળતાપૂર્વક F1 રેસનું આયોજન કર્યું હતું, પરંતુ ત્યારબાદ કરવેરાના વિવાદો અને આર્થિક પડકારોને કારણે આ રોમાંચ થંભી ગયો હતો. હવે સરકાર ફેડરેશન ઓફ મોટર સ્પોર્ટ્સ ક્લબ્સ ઓફ ઇન્ડિયા (FMSCI), ઉત્તર પ્રદેશ સરકાર અને ટ્રેકના માલિકો સાથે મળીને જૂના અવરોધોને દૂર કરી રહી છે.
ભારતમાં ફોર્મ્યુલા 1 ની લોકપ્રિયતાનો ગ્રાફ જે ઝડપે વધી રહ્યો છે તે જોઈને F1 ના વૈશ્વિક સત્તાધિકારીઓ પણ દંગ છે; સત્તાવાર આંકડા અનુસાર, માત્ર છ મહિનાના ટૂંકા ગાળામાં જ ભારતમાં F1 ના ચાહકોની સંખ્યા 79 મિલિયનથી સીધી કૂદીને 98 મિલિયન પર પહોંચી ગઈ છે. સરકાર આ ઇવેન્ટને માત્ર એક રમત તરીકે નહીં, પરંતુ દેશની અર્થવ્યવસ્થા, પ્રવાસન, હોટેલ ઉદ્યોગ અને રોજગારને બૂસ્ટર ડોઝ આપનારી કડી તરીકે જોઈ રહી છે.
(6:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
