News of Tuesday, 2nd June 2026
યુકેમાં ભારતીય કર્મચારી વળતરનો કેસ જીતી ગયો
સ્પોન્સર વચન મુજબ કામ આપવામાં નિષ્ફળ જતા : કંપનીએ કર્મચારીની ઔપચારીકતા પૂરી ન થઈ હોવાના બહાને શાબીનને કામ ન સોંપીને પગાર અટકાવ્યો હતો

લંડન,તા.૨: હેલ્થ એન્ડ કેર વર્કર વિઝા સ્કીમ હેઠળ બ્રિટન ગયેલા એક ભારતીય કેર કર્મચારીને ૨૮ હજાર પાઉન્ડથી વધુનો ન ચુકવાયેલો પગાર તેમજ રજાનો પગાર આપવામાં આવ્યો છે. એક રોજગાર ટ્રિબ્યુનલે ચુકાદો આપ્યો કે તેની સ્પોન્સર કંપની તેને કામ પૂરુ પાડવામાં નિષ્ફળ રહી. ૩૩ વર્ષીય શાબીન શાજીએ સ્વાન કેર સોલ્યુશન્સ લિ. પાસેથી સ્પોન્સરશીપ સર્ટિફિકેટ મેળવ્યું અને હેલ્થકેર ક્ષેત્રમાં કામ શરૂ કરવાની આશા સાથે યુકે પહોંચ્યો હતો.
બર્મિગહેન રોજગાર કેન્દ્રને જાણ થઈ, કે શાજીને ૧૫ એપ્રિલ, ૨૦૨૩થી ૨૧ એપ્રિલ, ૨૦૨૪ સુધી ૪૦ કલાક પ્રતિ અઠવાડિયાના ધોરણે કોન્ટ્રાક્ટ પર ૨૨,૮૮૯ પાઉન્ડના વાર્ષિક પગારે રાખવામાં આવ્યા હતા. ન્યાયાધીશે ચુકાદામાં જણાવ્યું કે શાજી કામ કરવા સક્ષમ અને તૈયાર હતા પણ કંપનીએ તેને કોઈ ફરજ ન સોંપતા તેને કામ કરવા ન મળ્યું હતું. પરિણામે ટ્રિબ્યુનલે ચુકાદો આપ્યો કે કંપનીએ તેના વેતનમાં ગેરકાયદે કપાત કરી હતી.
કંપનીએ દલીલ કરી હતી કે શાજીએ ઔપચારિકતા પૂર્ણ ન કરી હોવાથી તેની નોકરી શરૂ નહોતી થઈ. જો કે ટ્રિબ્યુનલે આ દાવાને ફગાવી દેતા કહ્યું કે શાજીએ માન્ય વિઝા મેળવવા, યુકેમાં આવવું અને કાર્યસ્થળ નજીક રહેવાસની વ્યવસ્થા કરવા જેવી તમામ જરૂરી શરતો પૂરી કરી હતી. ટ્રિબ્યુનલે કંપનીને વધુમાં કાનૂની ખર્ચ પણ ચૂકવવાનો આદેશ આપ્યો.
કેરળથી વેસ્ટ મિડલેન્ડ્સમાં સ્ટેફોર્ડ ગયેલા શાજીએ પરેશાની ભોગવવી પડી હતી કારણ કે વિઝા નિયંત્રણો હેઠળ તેને અન્યત્ર કામ કરવાની મનાઈ હતી. કામદારોની વકાલત કરતા જૂથોએ સરકારને સ્પોનસરો માટે સખત જોગવાઈઓ બનાવવાની તેમજ શોષણ અટકાવવા કેર ક્વોલિટી કમિશન પાસે નોંધણી કરાવવાની ભલામણ કરી હતી.
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
