News of Monday, 13th July 2026
ન્યુઝીલેન્ડની વસ્તીના માત્ર 5 થી 6 ટકા હિસ્સો ધરાવતા ભારતીયોનું દેશના સામાજિક, આર્થિક અને રાજકીય માળખામાં અત્યંત પ્રભુત્વ
પીએમ મોદીની આ મુલાકાત એ વાતનું પ્રતીક છે કે ભારતીય મૂળના લોકોએ પોતાની મહેનત અને બૌદ્ધિક ક્ષમતાથી ન્યુઝીલેન્ડ જેવા વિકસિત દેશમાં કેવી રીતે પોતાની ઓળખ સ્થાપિત કરી છે.

ન્યુઝીલેન્ડ સ્થાયી થયેલા ભારતીયોમાં મોટાભાગના અત્યંત શિક્ષિત છે. આઈટી, એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ અને આરોગ્ય ક્ષેત્રે ભારતીયોએ પોતાની કાબેલિયત સાબિત કરી છે.
ભારતીય પરિવારોમાં શિક્ષણને અપાતા મહત્વને કારણે અહીંના યુવાનો યુનિવર્સિટીઓ અને ટેકનિકલ સંસ્થાઓમાં ટોચનું પ્રદર્શન કરી રહ્યા છે. ખાસ કરીને કોવિડ-19 જેવી વૈશ્વિક મહામારી દરમિયાન ભારતીય મૂળના ડોક્ટરો અને નર્સોએ અથાક સેવા આપીને ન્યુઝીલેન્ડની આરોગ્ય વ્યવસ્થાને મજબૂતી પૂરી પાડી હતી.
ભારતીય ઉદ્યોગસાહસિકો ન્યુઝીલેન્ડના નાના વ્યવસાયોથી લઈને મોટા ઉદ્યોગો સુધી દરેક ક્ષેત્રમાં સક્રિય છે. કરિયાણાની દુકાનો, રેસ્ટોરાં, રિયલ એસ્ટેટ અને આઈટી ક્ષેત્રે ભારતીયોએ સ્થાનિક અર્થતંત્રને નવી ગતિ આપી છે. ભારતીય રેસ્ટોરાંએ માત્ર ખોરાકનો સ્વાદ જ નથી બદલ્યો, પરંતુ આતિથ્ય સત્કારના ક્ષેત્રમાં પણ મોટી રોજગારીનું સર્જન કર્યું છે.
ન્યુઝીલેન્ડની સંસદમાં પ્રિયંકા રાધાકૃષ્ણન જેવા નેતાઓની હાજરી એ સાબિત કરે છે કે ભારતીયો હવે માત્ર નોકરિયાત વર્ગ પૂરતા મર્યાદિત નથી, પરંતુ દેશના નીતિ-નિર્ધારણમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત, દિવાળી અને હોળી જેવા તહેવારોનું મોટા પાયે આયોજન કરીને ભારતીયોએ ન્યુઝીલેન્ડની સાંસ્કૃતિક વિવિધતાને સમૃદ્ધ બનાવી છે. ક્રિકેટની દુનિયામાં રચિન રવિન્દ્ર અને ઈશ સોઢી જેવા ખેલાડીઓ આજે ન્યુઝીલેન્ડની ટીમના હીરો છે.
સમાજ પ્રત્યેની જવાબદારી, પરિવાર પ્રત્યેનો પ્રેમ અને પરસ્પર સહાયની ભાવના એ ભારતીય સમુદાયની મુખ્ય શક્તિ છે. મંદિરો અને ગુરુદ્વારા જેવા સામાજિક કેન્દ્રો માત્ર પૂજાના સ્થળો નથી, પણ તે જરૂરિયાતમંદોને મદદ કરવાના કેન્દ્રો પણ છે. આમ, ન્યુઝીલેન્ડમાં ભારતીયોનો પ્રભાવ માત્ર તેમની સંખ્યા પર નહીં, પરંતુ તેમના રચનાત્મક કાર્ય અને પ્રગતિશીલ અભિગમ પર આધારિત છે, જેના કારણે આજે સમગ્ર વિશ્વ ભારતીય ડાયસ્પોરાની સિદ્ધિઓને સન્માનની નજરે જોઈ રહ્યું છે
(12:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
