<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે ભારતની મોટી સિદ્ધિ: સ્થાનિક ઉત્પાદન અને કુશળ રાજદ્વારીથી દેશમાં અવિરત LPG પુરવઠો રહેશે ચાલુ, પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવાના સંકેત

હોર્મુઝ સામુદ્રધુનીમાં તણાવ છતાં ભારતનો સુરક્ષિત માર્ગ; રસોઈ ગેસનું ઉત્પાદન ૩૫ હજારથી વધારીને ૫૪ હજાર મેટ્રિક ટન કરાયું, ૩૩ કરોડ ગ્રાહકોને મોટી રાહત

નવી દિલ્હી, તા.૦૮: વૈશ્વિક સ્તરે ચાલી રહેલા ગંભીર ઉર્જા સંકટ અને ભૌગોલિક તણાવની વચ્ચે ભારતના નાગરિકો માટે રાહતના મોટા સમાચાર આવ્યા છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિને ટાંકીને સંકેત આપ્યા છે કે, જો વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલ (કચું તેલ) ના ભાવ સ્થિર રહેશે અથવા તેમાં ઘટાડો થશે, તો આગામી સમયમાં સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સકારાત્મક દિશામાં આગળ વધશે એટલે કે સામાન્ય જનતાને સસ્તું ઇંધણ મળી શકે છે. વૈશ્વિક તેલ અને ગેસનો પુરવઠો સતત વિસ્તરી રહ્યો હોવાથી ભારતીય ગ્રાહકો માટે આગામી દિવસો સાનુકૂળ રહેવાનો મંત્રીએ દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
નવી દિલ્હી ખાતે આયોજિત 'વિક્સિત ભારત કોન્ક્લેવ ૨૦૨૬' ને સંબોધતા હરદીપ સિંહ પુરીએ ગર્વભેર જણાવ્યું હતું કે, ભારતે અસાધારણ રાજદ્વારી જોડાણ, સમયસરના નીતિગત નિર્ણયો, આયાતમાં વૈવિધ્યીકરણ અને સ્થાનિક સ્તરે ઉત્પાદન વધારીને તાજેતરના દાયકાઓના સૌથી મોટા વૈશ્વિક ઉર્જા અવરોધનો સફળતાપૂર્વક સામનો કર્યો છે. દુનિયાભરમાં તેલની અછત વચ્ચે પણ ભારતની દીર્ઘદ્રષ્ટિ અને ઉર્જા સુધારાઓને કારણે દેશની અર્થવ્યવસ્થા અને પુરવઠા શૃંખલા અડીખમ રહી છે.
હોર્મુઝ સંકટમાં સફળ કૂટનીતિ અને સુરક્ષિત માર્ગ
પશ્ચિમ એશિયાની વ્યૂહાત્મક 'હોર્મુઝ સામુદ્રધુની' (Strait of Hormuz) માં ચાલી રહેલા વિક્ષેપો અને તણાવને કારણે ફસાયેલા ભારતીય ઉર્જા કાર્ગોની અવરજવરને ભારતે પોતાની મજબૂત વિદેશ નીતિથી સરળ બનાવી છે. મંત્રીએ ખુલાસો કર્યો હતો કે, ઈરાન, ઓમાન, કતાર અને સંયુક્ત આરબ અમીરાત (UAE) જેવા પ્રભાવશાળી દેશો સાથેના ભારતના ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધોને કારણે ભારતીય જહાજોને દરિયામાં સુરક્ષિત માર્ગ (Safe Passage) પ્રાપ્ત થયો છે. સરકારે દેશની રિફાઇનરીઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે તેઓ ઉચ્ચ મૂલ્યના પેટ્રોકેમિકલ ઉત્પાદનોના બદલે સામાન્ય લોકોના રસોઈ ગેસ (LPG) ના ઉત્પાદનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે. આ વ્યૂહાત્મક નિર્ણયના કારણે ભારતની LPG ઉત્પાદન ક્ષમતા ટૂંકા ગાળામાં જ દૈનિક ૩૫ હજાર મેટ્રિક ટનથી સીધી વધીને ૫૪ હજાર મેટ્રિક ટન પર પહોંચી ગઈ છે, જે દેશના ૩૩ કરોડથી વધુ ગ્રાહકોના રસોડા સુધી અવિરત ગેસ પહોંચાડવાની ગેરંટી આપે છે.
આયાત બાસ્કેટનું વૈવિધ્યીકરણ અને ભાવ નિયંત્રણ
ભવિષ્યના કોઈ પણ જોખમને ટાળવા માટે ભારતે માત્ર ગલ્ફ દેશો પર નિર્ભર રહેવાના બદલે પોતાની આયાત વ્યવસ્થાનું પુનર્ગઠન કર્યું છે. ભારતીય ઉર્જા કંપનીઓએ જહાજોના રૂટ બદલીને હવે યુનાઇટેડ સ્ટેટ્સ (અમેરિકા), અલ્જેરિયા અને આર્જેન્ટિના જેવા નવા દેશોમાંથી પણ LPG મેળવવાનું શરૂ કર્યું છે. આ આયોજનને કારણે જ વૈશ્વિક કટોકટી હોવા છતાં દેશના એકપણ ફ્યુઅલ આઉટલેટ કે પેટ્રોલ પંપ પર ઇંધણ ખૂટ્યું નથી અને બજારમાં ગભરાટ ફેલાતો અટકાવી શકાયો છે. છેલ્લા ચાર વર્ષમાં વૈશ્વિક સ્તરે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સૌથી નિયંત્રિત રહ્યા છે, જેનું મુખ્ય કારણ કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઇઝ ડ્યુટીમાં કરાયેલો ત્રણ રાઉન્ડનો મોટો ઘટાડો છે. લાંબા ગાળાના આયોજનના ભાગરૂપે ભારતે ક્રૂડ ઓઇલ ખરીદવાના સ્ત્રોત ૨૧ દેશોમાંથી વધારીને લગભગ ૪૦ દેશો સુધી વિસ્તારી દીધા છે અને પેટ્રોલિયમ કાયદાઓમાં સુધારા કરીને તેલ-ગેસ સંશોધન ક્ષેત્રે વિદેશી રોકાણને પ્રોત્સાહન આપ્યું છે.

(5:54 PM IST)