<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

BRICS દિલ્હી સમિટમાં ભારતનો મોટો રાજદ્વારી વિજય: ૪૫ પાનાના ઘોષણાપત્રમાં આતંકવાદ સામે આકરું વલણ

પાકિસ્તાનનું નામ લીધા વિના સરહદ પારના આતંકવાદ અને ફંડિંગ પર મજબૂત પ્રહાર: પહેલગામ આતંકી હુમલાની સર્વાનુમતે આકરી નિંદા

નવી દિલ્હી: દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલી બે દિવસીય BRICS સમિટમાં ભારતને મોટી રાજદ્વારી સફળતા સાંપડી છે. સભ્ય દેશો દ્વારા સર્વાનુમતે અપનાવવામાં આવેલા ૪૫ પાનાના 'BRICS નવી દિલ્હી સંયુક્ત ઘોષણાપત્ર ૨૦૨૬' માં આતંકવાદ સામે અત્યંત કડક અને મજબૂત ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે પશ્ચિમી દેશોનું ધ્યાન ખેંચશે.


આ ઘોષણાપત્રમાં ૨૨ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલાની સખત શબ્દોમાં નિંદા કરવામાં આવી છે, જેમાં ૨૬ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. ઘોષણાપત્રમાં પાકિસ્તાનનું સીધું નામ લેવામાં આવ્યું નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય મંચ પર પહેલગામ હુમલાનો સ્પષ્ટ ઉલ્લેખ થવો અને સરહદ પારના આતંકવાદ, આતંકી ભંડોળ તથા સુરક્ષિત આશ્રયસ્થાનો (Safe Havens) સામે કાર્યવાહીનો અવાજ ઉઠાવવો એ ભારત માટે એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સમર્થન અને રાજદ્વારી વિજય ગણાવવામાં આવી રહ્યો છે.


BRICS દેશોએ સ્પષ્ટ કર્યું છે કે આતંકવાદ ગમે તે સ્વરૂપમાં અને કોઈપણ હેતુથી કરવામાં આવે, તે ગુનાહિત અને ગેરવાજબી જ છે. સભ્ય દેશોએ આતંકવાદને કોઈપણ ધર્મ, રાષ્ટ્રીયતા કે વંશીય જૂથ સાથે જોડવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. આ સાથે જ આતંકવાદ સામે લડવામાં બેવડા ધોરણો ને ફગાવી દેવામાં આવ્યા છે અને આંતરરાષ્ટ્રીય આતંકવાદ પરના વ્યાપક સંમેલનને  વહેલી તકે આખરી ઓપ આપવા અપીલ કરવામાં આવી છે.

આતંકવાદ ઉપરાંત ઘોષણાપત્રમાં પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તમામ પક્ષોને મહત્તમ સંયમ જાળવવા અને સંવાદ તથા રાજદ્વારી માર્ગે ઉકેલ લાવવા આહવાહન કરાયું છે. વધુમાં, IAEA ની દેખરેખ હેઠળના શાંતિપૂર્ણ પરમાણુ સ્થાપનો અને નાગરિક માળખાગત સુવિધાઓ પરના ઇરાદાપૂર્વકના હુમલાઓ અંગે ગંભીર ચિંતા દર્શાવીને સંઘર્ષની સ્થિતિમાં પણ પરમાણુ સલામતી જાળવવાનો સામૂહિક સંદેશ આપવામાં આવ્યો છે.

(6:07 PM IST)