News of Wednesday, 18th November 2026
સ્વચ્છ ઊર્જા ક્ષેત્રે ભારતની મોટી છલાંગ: પવન ઊર્જા ક્ષમતા વધીને 59.20 ગીગાવોટ પર પહોંચી, વર્ષ 2030 સુધીમાં 100 ગીગાવોટનું લક્ષ્ય
દેશમાં પુનઃપ્રાપ્ય ઊર્જાના વ્યાપને વેગ આપવા માટે સરકારે ઓફશોર પ્રોજેક્ટ્સ અને માળખાકીય વિકાસ માટે મોટા રોકાણોની જાહેરાત કરી છે.

નવી દિલ્હી, તા.૧૮: છેલ્લા બાર વર્ષમાં ભારતની પવન ઊર્જા ક્ષમતા અંદાજે ત્રણ ગણી વધીને ૨૧ ગીગાવોટથી સીધી ૫૯.૨૦ ગીગાવોટ (GW) પર પહોંચી ગઈ છે, જે દેશના સ્વચ્છ અને ટકાઉ ઊર્જા તરફના ઝડપી પરિવર્તનને સ્પષ્ટપણે દર્શાવે છે.
સરકારી તથ્યપત્રક અનુસાર, સ્થાપિત પવન ઊર્જા ક્ષમતાની બાબતમાં ભારત સમગ્ર વિશ્વમાં ચોથા ક્રમે સ્થાન ધરાવે છે અને દેશની કુલ ૨૯૯.૨૫ ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતામાં એકલા પવન ઊર્જાનો હિસ્સો આશરે ૧૯.૮ ટકા જેટલો છે.
આગામી ભવિષ્યના લક્ષ્યાંકો અંગે વાત કરતા સરકારે વર્ષ ૨૦૩૦ સુધીમાં પવન ઊર્જા ક્ષમતાને વધારીને ૧૦૦ ગીગાવોટ અને વર્ષ ૨૦૩૬ સુધીમાં ૧૫૬ ગીગાવોટ સુધી પહોંચાડવાનો મહત્વપૂર્ણ નિર્ધાર કર્યો છે.
દેશના વિવિધ રાજ્યોમાં આ ક્ષેત્રની અપાર સંભાવનાઓ રહેલી છે, જેમાં ૧૫૦ મીટરની ઊંચાઈએ પવન ઊર્જા ક્ષમતાની દ્રષ્ટિએ રાજસ્થાન ૨૮૪.૨ ગીગાવોટ સાથે પ્રથમ ક્રમે જ્યારે ગુજરાત ૧૮૦.૮ ગીગાવોટ સાથે બીજા ક્રમે મોખરે છે.
ઊર્જા ક્ષેત્રને વધુ મજબૂત કરવા માટે સરકારે દરિયાઈ (ઓફશોર) પ્રોજેક્ટ્સને ટેકો આપવા માટે રૂપિયા ૬,૮૫૩ કરોડની 'વાયાબિલિટી ગેપ ફંડિંગ' યોજનાની જાહેરાત કરી છે, જેમાં ગુજરાત અને તમિલનાડુના દરિયાકાંઠે વિશેષ પ્રોજેક્ટ્સ સમાવિષ્ટ છે.
આગામી સમયમાં નવીનીકરણીય ઊર્જા માળખાને વધુ વેગ આપવા માટે ટેકનિકલ મોનિટરિંગ સ્ટેશનો અને પારદર્શક બિડિંગ માર્ગદર્શિકાના માધ્યમથી ભારતના ગ્રીન એનર્જી લક્ષ્યોને સમયસર હાંસલ કરવામાં આવશે.
(4:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
