News of Monday, 7th September 2026
ભારતમાં સોનાની આયાતમાં ૩૦%નો તીવ્ર ઘટાડો: પીએમ મોદીની અપીલ અને ડ્યુટી વધારાની બજાર પર સીધી અસર!
ઓગસ્ટ મહિનામાં બુલિયન માર્કેટમાં મોટો ઉલટફેર: કસ્ટમ ડ્યુટી ૧૫% થતાં વિદેશી સોનું મોંઘું થયું: વેપાર ખાધ ઘટાડવા સરકારનો વ્યૂહાત્મક પ્લાન

નવી દિલ્હી : ભારતીયોની સોના પ્રત્યેની ખરીદી અને માંગમાં એક મોટો અને નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જાહેર થયેલા આંકડા અનુસાર, ઓગસ્ટ મહિનામાં ભારતની સોનાની આયાતમાં વાર્ષિક ધોરણે આશરે ૩૦%નો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ, સ્થાનિક બજારમાં સોનાના રેકોર્ડબ્રેક ભાવ અને કેન્દ્ર સરકાર દ્વારા કસ્ટમ ડ્યુટી વધારીને ૧૫% કરવા જેવા મહત્વના નીતિગત નિર્ણયો જવાબદાર હોવાનું બજારના નિષ્ણાતો માની રહ્યા છે.
'મેટલ્સ ફોકસ'ના ડેટા અનુસાર, ભારતમાં સોનાની આયાતમાં મે મહિનાથી જ ઘટાડો શરૂ થઈ ગયો હતો. મે: ૨૯.૪ ટન સોનાની આયાત થઈ (પાછલા વર્ષની સરખામણીએ ૪%નો ઘટાડો. જૂન: આયાતમાં આશરે ૨૦%નો ઘટાડો. જુલાઈ: આયાતમાં ૨૩.૭%નો ઘટાડો. ઓગસ્ટ: આયાતમાં ૩૦%નો મોટો તીવ્ર ઘટાડો નોંધાયો.
હાલમાં સોનાના ભાવ ₹૧.૫ લાખથી ઉપર હોવાથી અને કસ્ટમ ડ્યુટી ૧૫% વધી જવાથી આયાતી સોનું ખૂબ જ મોંઘું બન્યું છે, જેના કારણે સામાન્ય ગ્રાહકોએ નવી જ્વેલરીની ખરીદી મર્યાદિત કરી દીધી છે.
ચીન પછી ભારત વિશ્વમાં સોનાનો બીજો સૌથી મોટો ખરીદદાર દેશ છે અને દર વર્ષે ૭૦૦ થી ૯૦૦ ટન સોનાની આયાત કરે છે. આનાથી દેશને મોટો વિદેશી વિનિમય (Foreign Exchange) ખર્ચ કરવો પડે છે, જેની સીધી અસર દેશની વેપાર ખાધ અને ચાલુ ખાતાની ખાધ (CAD) વધવા પર પડે છે.
અંદાજ મુજબ, ભારતીય ઘરોમાં આશરે ૩૧,૦૦૦ ટન સોનું વણ વપરાયેલું પડી રહ્યું છે. સરકાર આ નિષ્ક્રિય સોનાનો ઉપયોગ દેશના અર્થતંત્રના નિર્માણમાં કરવા માંગે છે. 'ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન' (IBJA) અનુસાર, સપ્ટેમ્બર મહિનામાં પણ આયાતમાં ૧૫% સુધીનો ઘટાડો થવાની શક્યતા છે, જે દર્શાવે છે કે સરકારની કડક કર નીતિ અને અપીલની બજાર પર ઊંડી અસર પડી રહી છે.
(7:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
