News of Tuesday, 28th April 2026
ભારતની 'ગ્રાન્ડમાસ્ટર' ડિપ્લોસી: કોઈના પક્ષમાં નહીં, છતાં વિશ્વના કેન્દ્રમાં!
પોલેન્ડના પૂર્વ રાજદૂત એડમ બુરાકોવસ્કીએ ભારતની વિદેશ નીતિના મુક્તકંઠે વખાણ કર્યા: રશિયા-યુક્રેન યુદ્ધ અને મધ્ય પૂર્વના તણાવ વચ્ચે ભારતે રશિયન ઓઇલ અને રૂપિયાના જોરે અમેરિકાના દબાણને હંફાવ્યું

વોશિંગ્ટન: વર્ષ 2026ના આંતરરાષ્ટ્રીય રાજકીય ફલક પર ભારત એક એવા 'ગ્રાન્ડમાસ્ટર' તરીકે ઉભરી આવ્યું છે જેણે પશ્ચિમી દેશોની અપેક્ષાઓ અને રશિયાની જરૂરિયાતો વચ્ચે અદભૂત સંતુલન સાધ્યું છે. પોલેન્ડના ભૂતપૂર્વ રાજદૂત એડમ બુરાકોવસ્કીએ ભારતની આ રણનીતિને વિશ્વની સૌથી સફળ વિદેશ નીતિ ગણાવી છે. તેમણે નોંધ્યું કે જ્યારે રશિયા-યુક્રેન સંઘર્ષ સમયે આખી દુનિયા ભારતને એક પક્ષ પસંદ કરવા મજબૂર કરી રહી હતી, ત્યારે ભારતે "કાયમી મિત્ર કે દુશ્મન નહીં, પણ કાયમી રાષ્ટ્રીય હિત"ના મંત્રને અનુસરીને સૌને ચોંકાવી દીધા. ભારતે રશિયા સાથેના દાયકાઓ જૂના સંબંધો પણ જાળવી રાખ્યા અને યુરોપ-અમેરિકા સાથેના વ્યૂહાત્મક ગઠબંધનને પણ આંચ ન આવવા દીધી.
આ રાજદ્વારી કુનેહનું સૌથી મોટું ઉદાહરણ ઊર્જા સુરક્ષામાં જોવા મળ્યું. યુદ્ધના પ્રારંભિક તબક્કે પશ્ચિમી દેશોએ રશિયા પર પ્રતિબંધો લાદ્યા, પરંતુ ભારતે તક ઝડપી લઈને રશિયા પાસેથી ભારે ડિસ્કાઉન્ટમાં ક્રૂડ ઓઇલ ખરીદવાનું શરૂ કર્યું. 2022 થી અત્યાર સુધીમાં ભારતે અંદાજે $168 બિલિયનનું રશિયન તેલ ખરીદીને ન માત્ર પોતાના દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રાખ્યા, પણ સ્થાનિક ફુગાવાને પણ કાબૂમાં રાખ્યો. અમેરિકાએ શરૂઆતમાં દબાણ બનાવ્યું, પણ જ્યારે હોર્મુઝ સામુદ્રધુનીમાં તણાવ વધ્યો અને વૈશ્વિક તેલ બજાર ખોરવાયું, ત્યારે વોશિંગ્ટનને પણ સમજાઈ ગયું કે ભારત જો રશિયન તેલ નહીં ખરીદે તો વિશ્વભરમાં હાહાકાર મચી જશે. પરિણામે, માર્ચ 2026 સુધીમાં ભારતની રશિયન તેલની આયાત 2.25 મિલિયન બેરલ પ્રતિ દિવસની રેકોર્ડ સપાટીએ પહોંચી ગઈ છે.
ભારતની વિદેશ નીતિની બીજી મોટી સફળતા 'ડી-ડોલરાઈઝેશન' અથવા ડોલરના વર્ચસ્વને પડકારવામાં રહી છે. SWIFT સિસ્ટમમાંથી રશિયા બહાર થયા પછી, ભારતે 'રૂપિયા-રુબલ' પેમેન્ટ મિકેનિઝમ અને ભારતીય બેંકોમાં રશિયન 'વોસ્ટ્રો' ખાતા ખોલીને વેપાર ચાલુ રાખ્યો. ડિસેમ્બર 2025માં રાષ્ટ્રપતિ પુતિનની ભારત મુલાકાત દરમિયાન આ જમા થયેલા રૂપિયાને ભારતીય પ્રોજેક્ટ્સમાં ફરીથી રોકાણ કરવા પર સહમતિ બની, જેણે ચીની યુઆનના વધતા પ્રભાવને પણ મર્યાદિત કર્યો છે. એડમ બુરાકોવસ્કીના મતે, ભારત હવે પશ્ચિમ અને પૂર્વ વચ્ચેના એક અવિભાજ્ય સેતુ તરીકે ઉભરી આવ્યું છે, જે કોઈના દબાણમાં આવ્યા વિના પોતાનો રસ્તો પોતે કંડારે છે.
(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
