News of Sunday, 30th August 2026
વિવિધતામાં એકતાનો ભારતનો સંદેશ સમગ્ર વિશ્વ માટે માર્ગદર્શક : ડો.મોહન ભાગવત
ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં ‘યુનિવર્સલ વનનેસ સેલિબ્રેશન’ને આર.એસ.એસના વડાનું સંબોધન : આપણે એકતામાં જોડાયેલા અને વિવિધતાથી સુશોભિત છીએ’ એક વિશ્વ : એક માનવતા શિખર સંમેલનમાં પાંચ સંકલ્પ સાથે વૈશ્વિક આહ્વાન : નફરત સામે અવાજ, પરસ્પર સહયોગ, સંબંધોનું નિર્માણ, સાથે મળીને સેવા અને ભવિષ્ય પ્રત્યે જવાબદારી

ન્યૂયોર્ક: અમેરિકાના ન્યૂયોર્ક સ્થિત મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે અમેરિકન હિન્દુઝ ફોર એન્ગેજમેન્ટ એન્ડ ડાયલોગ (AHEAD ફોરમ) દ્વારા આયોજિત ‘યુનિવર્સલ વનનેસ સેલિબ્રેશન’માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે વિશ્વને વિવિધતાનું સન્માન કરતાં એકતાના મૂળભૂત સત્યને સ્વીકારવાનો સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “વિવિધતા પ્રાકૃતિક છે અને એકતા સત્ય છે. આપણે એકતામાં જોડાયેલા છીએ અને વિવિધતાથી સુશોભિત છીએ.”
ડૉ. ભાગવતે પોતાના મુખ્ય સંબોધનમાં જણાવ્યું કે અમેરિકા સાથે ‘બહુત્વવાદ’ અને ભારત સાથે ‘વિવિધતામાં એકતા’ની ચર્ચા થાય છે. ભારત માટે એકતા અને વિવિધતા બંને તેના મૂળ સ્વભાવમાં છે. રાષ્ટ્રો માત્ર ભૌગોલિક એકમો નથી, પરંતુ વિશ્વવ્યવસ્થામાં દરેક રાષ્ટ્રની પોતાની એક જવાબદારી અને ભૂમિકા હોય છે.
સ્વામી વિવેકાનંદના વિચારનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે દરેક રાષ્ટ્ર પાસે વિશ્વને આપવા માટે એક સંદેશ, પૂર્ણ કરવા માટે એક મિશન અને પ્રાપ્ત કરવા માટે એક લક્ષ્ય હોય છે. ભારતનું લક્ષ્ય વિવિધતામાં રહેલી એકતાનો અનુભવ કરવો અને સમયાંતરે સમગ્ર વિશ્વને તેનો અનુભવ કરાવવાનો છે. વિવિધતા એકતાની વિરોધી નહીં, પરંતુ તેની સુંદરતા છે. તેથી વિવિધતાનો ઉત્સવ મનાવવો, તેનો આદર કરવો અને તેને સ્વીકારવી જોઈએ.
‘જીવો અને જીવવા દો’નો સંદેશ
વિશ્વમાં જોવા મળતી બે અલગ વૃત્તિઓ અંગે વાત કરતાં ડૉ. ભાગવતે કહ્યું કે એક વૃત્તિ ‘જીવો અને જીવવા દો’ની છે, જ્યારે બીજી વૃત્તિ એવી છે કે ‘જીવો અને માત્ર તેમને જ જીવવા દો, જેઓ આપણી આજ્ઞા માને.’ તેમણે માનવતાને પ્રથમ સ્થાન આપવાની હાકલ કરતાં જણાવ્યું કે વ્યક્તિ શું માને છે, તેનો અભિપ્રાય શું છે અથવા તે આપણા માટે કેટલો ઉપયોગી છે, એ ગૌણ બાબતો છે. મુખ્ય બાબત એ છે કે આપણે સૌ મનુષ્યો છીએ અને બંધુત્વ સાથે જીવવાનું છે.
પોતાપણાની ભાવના સમજાવતા તેમણે કહ્યું કે શરીર, ભાષા, માન્યતાઓ અને જીવનપદ્ધતિ અલગ હોઈ શકે છે, છતાં અંદર એવું કંઈક છે જે બધામાં સમાન છે. “આપણે એકબીજાના છીએ” એ ભાવના માનવજીવનનો આધાર બનવી જોઈએ. જે સિદ્ધાંત બધાને જોડે, ટકાવી રાખે, તિરાડ ઊભી થવા ન દે અને સંતુલન સ્થાપિત કરે તે ‘ધર્મ’ છે.
‘આપણે બધા કોઈને કોઈના ઋણી છીએ’
પર્યાવરણ અને સામાજિક જવાબદારી અંગે સરસંઘચાલકે જણાવ્યું કે મનુષ્યનું જીવન પરસ્પર નિર્ભર છે. ભોજન માટે કૃષિ અને ખેડૂતો જરૂરી છે, જ્યારે વસ્ત્રો માટે ખેડૂતો, શ્રમિકો અને ઉદ્યોગ સહિત અનેક લોકોનું યોગદાન રહેલું છે. આપણે જે કંઈ પ્રાપ્ત કરીએ છીએ તેમાં અન્ય લોકો અને પ્રકૃતિનું યોગદાન છે. તેથી સમાજ અને પર્યાવરણને પરત આપવાની જવાબદારી પણ આપણી છે.
વિશ્વભરમાં વસતા ભારતીયોને સંદેશ આપતાં તેમણે કહ્યું કે ભારતીયોએ પોતાની કર્મભૂમિ પ્રત્યે સંપૂર્ણ વફાદારી રાખવાની સાથે જન્મભૂમિમાંથી મળેલા મૂલ્યો અનુસાર જીવન જીવવું જોઈએ. ભારતનો સંદેશ દુનિયાને માત્ર ઉપદેશ દ્વારા નહીં, પરંતુ પોતાના આચરણ અને ઉદાહરણ દ્વારા આપવાનો છે.
રક્ષાબંધનના સંદેશનો પણ ઉલ્લેખ
કાર્યક્રમની શરૂઆતમાં રક્ષાબંધનની ઉજવણી પણ કરવામાં આવી હતી. આ સંદર્ભમાં ડૉ. ભાગવતે જણાવ્યું કે અન્ય વ્યક્તિ પ્રત્યેની જવાબદારી સ્વીકારવામાં જ સાચી મુક્તિનો ભાવ રહેલો છે. રક્ષાબંધનનું બંધન પણ પરસ્પર જવાબદારી, રક્ષણ અને આત્મીયતાનો જ સંદેશ આપે છે.
‘એક વિશ્વ : એક માનવતા’ના પાંચ સંકલ્પ
આ પ્રસંગે ‘એક વિશ્વ : એક માનવતા’ના વિચાર સાથે વૈશ્વિક ધાર્મિક નેતાઓએ માનવ ગરિમા, શાંતિ અને સહઅસ્તિત્વ માટે પાંચ મહત્વપૂર્ણ સંકલ્પો રજૂ કર્યા. તેમાં પોતાના સમુદાયથી સુધારાની શરૂઆત કરવી, અન્ય સમુદાય પર સંકટ આવે ત્યારે તેના પક્ષમાં ઊભા રહેવું, સંકટ સર્જાય તે પહેલાં જ પરસ્પર સંબંધો વિકસાવવા, વિવિધ ધર્મ-સમુદાયોએ સાથે મળીને માનવસેવા કરવી અને આવનારી પેઢી તથા ભવિષ્ય પ્રત્યે જવાબદારી સ્વીકારવી સામેલ છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સહિતની નવી ટેકનોલોજીનો વિકાસ પણ માનવ ગરિમા, સત્ય, સ્વતંત્રતા અને માનવીય સંબંધોને મજબૂત કરનારો હોવો જોઈએ તેવો મત વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ યુદ્ધ, ગરીબી, પર્યાવરણ અને સામાજિક અસમાનતા જેવા પ્રશ્નોમાં નૈતિક નેતૃત્વની ભૂમિકા પર ભાર મૂકાયો હતો.
‘વૈશ્વિક ઘોષણા સ્થાનિક કાર્યમાં પરિણમે’
સંમેલનમાં ભારપૂર્વક જણાવાયું કે કોઈ પણ વૈશ્વિક ઘોષણા ત્યારે જ સાર્થક બને જ્યારે તે સ્થાનિક સ્તરે નક્કર કાર્યમાં પરિણમે. ધાર્મિક અને સામાજિક નેતાઓને અલગ-અલગ સમુદાયોને નજીક લાવવા, નફરત સામે અવાજ ઉઠાવવા, યુવાનોને ધાર્મિક-સાંસ્કૃતિક સીમાઓ પાર સંવાદની તક આપવા તથા અન્ય સમુદાયો સાથે મળીને સેવાકાર્ય કરવા આહ્વાન કરાયું હતું.
સંમેલનનો કેન્દ્રીય સંદેશ રહ્યો કે દુનિયાના લોકો એકસરખા નથી અને દરેક બાબતે સહમત પણ નથી, છતાં માનવ ગરિમા સહિયારી છે અને સૌનું ભવિષ્ય પરસ્પર જોડાયેલું છે. આ ભાવના સાથે ‘એક વિશ્વ, એક માનવતા’ના ધ્યેયને સાકાર કરવા સ્વયંથી શરૂઆત કરી, એકબીજાના પક્ષમાં ઊભા રહી અને સાથે મળીને સેવા કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
(2:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
