News of Saturday, 12th September 2026
ભારતના સૌથી મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સૈયદ પાકિસ્તાનમાં બેસીને કશ્મીરમાં આતંક ફેલાવતો હોવાનો NIAનો જમ્મુ કોર્ટમાં સનસનાટીભર્યો ખુલાસો: કાયદાની ગિરફ્તમાંથી ભાગી રહેલા લશ્કર-એ-તૈયબાના આકા વિરુદ્ધ અદાલતે બે મહિનામાં બીજું નોન-બેલેબલ વોરંટ ફટકાર્યું
શ્રીનગરના પંડાલ વિસ્તારમાંથી પકડાયેલા આતંકી નેટવર્ક અને પાકિસ્તાની આતંકવાદીઓની પૂછપરછમાં હાફિઝ સૈયદ દ્વારા કશ્મીર ખીણમાં હથિયારો, ભંડોળ અને આતંકી પ્રવૃત્તિઓ માટે સ્પષ્ટ સૂચનાઓ મોકલવાનો પર્દાફાશ થયો, વિશેષ NIA અદાલતે આરોપીને ભગોડો જાહેર કરી કડક વલણ અપનાવ્યું

જમ્મુ / નવી દિલ્હી: ભારતનો સૌથી કુખ્યાત અને મોસ્ટ વોન્ટેડ આતંકવાદી તેમ જ લશ્કર-એ-તૈયબા (LeT)નો સ્થાપક હાફિઝ સૈયદ હાલમાં પાકિસ્તાનમાં છુપાયેલો છે અને કાયદાની પકડમાંથી બચવા માટે ધરપકડ ટાળી રહ્યો હોવાની સત્તાવાર રજૂઆત નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા જમ્મુની વિશેષ અદાલતમાં કરવામાં આવી છે. આ એજન્સીની અરજી પર ધ્યાન આપતાં જમ્મુની સ્પેશિયલ NIA કોર્ટે હાફિઝ સૈયદ વિરુદ્ધ વધુ એક નોન-બેલેબલ વોરંટ (NBW) જારી કર્યું છે. છેલ્લા બે મહિનામાં હાફિઝ સૈયદ વિરુદ્ધ જારી કરાયેલું આ બીજું નોન-બેલેબલ વોરંટ છે.
એનઆઈએ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 75 હેઠળ જમ્મુ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સરગોધાના રહેવાસી હાફિઝ સૈયદને એક ભગોડો આરોપી તરીકે દર્શાવવામાં આવ્યો છે. આ કેસની શરૂઆત શ્રીનગરના બહારના વિસ્તારમાં આવેલ પંડાચ ચેકપોસ્ટ પરથી મોહમ્મદ નકીબ ભટ નામના શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ સાથે થઈ હતી. નકીબ પાસેથી ચીન બનાવટનો ગ્રેનેડ અને 15 જીવતા કારતૂસ મળી આવ્યા હતા.
આ મામલે ઝાકુરા પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA), આર્મ્સ એક્ટ અને વિસ્ફોટક પદાર્થ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. તદુપરાંત તપાસ દરમિયાન એક મોટા આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ થયો હતો. આ તપાસ દરમિયાન લશ્કર-એ-તૈયબા અને તેની સંગઠિત શાખા 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' (TRF) સાથે જોડાયેલા અનેક આતંકવાદીઓ તેમજ બે પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી.
ઝડપાયેલા પાકિસ્તાની આતંકવાદીઓની સઘન પૂછપરછ દરમિયાન જ પ્રત્યક્ષ રીતે સામે આવ્યું હતું કે આ આખું નેટવર્ક પાકિસ્તાનથી હાફિઝ સૈયદ દ્વારા સંચાલિત થઈ રહ્યું છે. NIA એ અદાલત સમક્ષ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, "હાફિઝ સૈયદ હાલમાં પાકિસ્તાનમાં સુરક્ષિત બેસીને કશ્મીર ખીણમાં સક્રિય આતંકવાદીઓને શસ્ત્રો, નાણાકીય ભંડોળ અને આતંકી હુમલા કરવા માટેની સૂચનાઓ પૂરી પાડી રહ્યો છે. ચોક્કસ બાતમી અનુસાર તે ભારતીય કાયદાની પકડમાંથી ભાગવા માટે પાકિસ્તાનમાં છુપાયેલો છે."
તમામ દલીલો અને પુરાવાઓ ધ્યાને લીધા બાદ NIA એક્ટ હેઠળના સ્પેશિયલ જજ પ્રેમે 8 સપ્ટેમ્બરે નોંધ્યું હતું કે તપાસમાં હાફિઝ સૈયદની સંડોવણી સ્પષ્ટપણે સામે આવી છે. તે ફરાર હોવાથી અને સામાન્ય પ્રક્રિયાથી તેની હાજરી સુનિશ્ચિત થઈ શકે તેમ ન હોવાથી કોર્ટે તેની વિરુદ્ધ બિન-જામીનપાત્ર વોરંટ જારી કરવાનો આદેશ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ પહેલા 8 જુલાઈના રોજ પણ જમ્મુની આ જ સ્પેશિયલ NIA કોર્ટે હાફિઝ સૈયદ સામે નોન-બેલેબલ વોરંટ જારી કર્યું હતું. તે વોરંટ પહલગામમાં થયેલા ત્રાસવાદી હુમલાના કેસ સંદર્ભે જારી કરવામાં આવ્યું હતું, જેમાં 25 પ્રવાસીઓ અને એક સ્થાનિક નાગરિકે જીવ ગુમાવ્યો હતો. સતત બે ગંભીર આતંકી કેસોમાં અરજી મળ્યા બાદ હવે ભારતીય તપાસ એજન્સીઓ હાફિઝ સૈયદ પર કાનૂની સિકંજો વધુ મજબૂત કરી રહી છે.
(2:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
