<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

ભારતનું રહસ્યમય મિસાઈલ પરીક્ષણ: ઓડિશાથી બાંગ્લાદેશ સુધી આકાશમાં દેખાયો અદભૂત નજારો, ૩૫૬૦ કિમી લાંબો કોરિડોર હોવા છતાં સરકાર કેમ છે મૌન?

ગ્લોઈંગ ટ્રેઈલ જોઈને લોકોમાં ફફડાટ અને કુતૂહલ, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ; સંરક્ષણ નિષ્ણાતોએ અગ્નિ શ્રેણીની મિસાઈલ અથવા હાઈપરસોનિક સિસ્ટમ હોવાની વ્યક્ત કરી આશંકા

ભુવનેશ્વર : ઓડિશાના આકાશમાં ગત સાંજે એક રહસ્યમય અને અત્યંત તેજસ્વી પ્રકાશ જોવા મળતા પશ્ચિમ બંગાળથી લઈને પાડોશી દેશ બાંગ્લાદેશ સુધીના લોકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. ૮ મેની સાંજે અંદાજે ૬:૩૦ થી ૭:૩૦ વાગ્યાની વચ્ચે આકાશમાં લાંબી પૂંછડી જેવી પ્રકાશિત લકીર સાથે એક વસ્તુ પસાર થતી જોવા મળી હતી. લોકોએ તેને શરૂઆતમાં ઉલ્કાપિંડ કે UFO સમજી લીધું હતું, પરંતુ હકીકતમાં તે ભારતનું એક અત્યંત સંવેદનશીલ અને ગુપ્ત મિસાઈલ પરીક્ષણ હોવાનું બહાર આવ્યું છે.
૩૫૬૦ કિમીનો વિશાળ કોરિડોર અને NOTAM એલર્ટ
સંરક્ષણ વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, આ પરીક્ષણ માટે બંગાળની ખાડીમાં અંદાજે ૩૫૬૦ કિમી લાંબો એરસ્પેસ કોરિડોર જાહેર કરવામાં આવ્યો હતો, જે સામાન્ય મિસાઈલ ટેસ્ટ કરતા બમણાથી પણ વધુ છે. આટલા મોટા વિસ્તાર માટે જાહેર કરવામાં આવેલું ‘નોટામ’ (NOTAM - પાયલોટો માટેનું એલર્ટ) સૂચવે છે કે ભારતે કોઈ લાંબા અંતરની મારક ક્ષમતા ધરાવતી વ્યૂહાત્મક મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. નોંધનીય છે કે ૧ મેના રોજ પણ ૧૫૦૦ કિમીની રેન્જ ધરાવતી એન્ટી-શિપ હાઈપરસોનિક મિસાઈલનું પરીક્ષણ કરાયું હતું, પરંતુ આ વખતનું પરીક્ષણ તેનાથી વધુ મોટું અને અલગ છે.
સરકાર અને DRDO નું રહસ્યમય મૌન
આટલા મોટા પાયે થયેલા પરીક્ષણ અને લોકોમાં સર્જાયેલા કુતૂહલ છતાં, ભારત સરકાર, સંરક્ષણ મંત્રાલય કે ડીઆરડીઓ (DRDO) દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી. નિષ્ણાતોનું માનવું છે કે આ પરીક્ષણ અગ્નિ-૫ કે અગ્નિ-૬ જેવી પરમાણુ ક્ષમતા ધરાવતી મિસાઈલ, અથવા MIRV ટેકનોલોજી અને હાઈપરસોનિક સિસ્ટમ સાથે જોડાયેલું હોઈ શકે છે. સામાન્ય રીતે ભારત તમામ સંરક્ષણ પરીક્ષણોની જાહેરાત કરે છે, પરંતુ વ્યૂહાત્મક રીતે મહત્વના ટેસ્ટમાં મૌન જાળવવાની નીતિ અપનાવે છે.
વિજ્ઞાન પાછળનું કારણ: ટ્વીલાઇટ ઇફેક્ટ
આકાશમાં દેખાયેલા તેજસ્વી પ્રકાશ પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે કે જ્યારે સંધ્યાકાળે મિસાઈલ લોન્ચ કરવામાં આવે છે, ત્યારે તે અત્યંત ઊંચાઈએ પહોંચે છે. ત્યાં મિસાઈલના એક્ઝોસ્ટ ગેસ (પ્લમ) પર સૂર્યના છેલ્લા કિરણો પડે છે, જેના કારણે અંધારા આકાશમાં તે એક ચમકતી લાંબી પૂંછડી જેવી દેખાય છે. ઓડિશાના ચાંદીપુર સ્થિત ડૉ. એપીજે અબ્દુલ કલામ દ્વીપથી થયેલા આ લોન્ચિંગના વીડિયો બાંગ્લાદેશના કોક્સ બજાર સુધીના લોકોએ કેમેરામાં કેદ કર્યા હતા.

(9:31 PM IST)