News of Sunday, 18th October 2026
લંડનમાં ભારતનું રાજકીય યુદ્ધ વકર્યું: 'વોટ ચોરી બંધ કરો' સામે 'મોદી, મોદી'ના નારાથી પાર્લામેન્ટ સ્ક્વેર ગૂંજ્યું
ચૂંટણી કમિશનરના રાજીનામા અને SIR રદ કરવાની માંગ સાથે ઘર્ષણ વધતા મેટ્રોપોલિટન પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે બ્રિટનમાં પ્રદર્શનો તેજ

લંડન : ભારતમાં ચાલતા રાજકીય વિવાદની ગરમાહટ હવે સાત સમુંદર પાર યુકે સુધી પહોંચી ગઈ છે, જ્યાં શનિવારે લંડનના પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ યુથ વિંગ, SFI-UK અને સાઉથ એશિયા સોલિડેરિટી ગ્રુપ દ્વારા 'સ્ટોપ વોટ ચોરી' વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન દરમિયાન જાણીતા યુટ્યુબર અને કાર્યકર્તા ધ્રુવ રાઠી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સભાને સંબોધતા કહ્યું કે દેશમાં 'વોટ ચોરી' વિરુદ્ધ સંદેશ ફેલાવવો જરૂરી છે અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની જગ્યાએ સરકાર તથા વિપક્ષની સંમતિથી નિમણૂક થવી જોઈએ.
આ જ સમયે ગાંધી પ્રતિમા સામે ઈન્ડિયા ડાયસ્પોરા (ID) UK ના આહવાન પર એકત્રિત થયેલા મોદી સમર્થકોના સમૂહે સામસામે "મોદી, મોદી" ના નારા લગાવવાનું શરૂ કરતા વાતાવરણ અત્યંત ગરમ થઈ ગયું હતું. બંને જૂથો એકબીજાના નારા દબાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે સ્થિતિ વણસે નહીં તે માટે મેટ્રોપોલિટન પોલીસ અધિકારીઓએ વચ્ચે આવીને પ્રદર્શનકારીઓને દૂર રાખ્યા હતા. આ સંબોધન દરમિયાન "ઇન્કિલાબ ઝિંદાબાદ" અને "વંદે માતરમ" ના નારા સાથે ભારતના બંધારણની પ્રસ્તાવના વાંચવામાં આવી હતી, જ્યારે ઈન્ડિયા ડાયસ્પોરાના સ્થાપક હિરદેશ ગુપ્તાએ સ્પષ્ટ કર્યું કે એનઆરઆઈ ડાયસ્પોરા મજબૂત ભારત માટે મોદી સરકાર સાથે ખભે ખભા મિલાવીને ઊભો છે.
ઉલ્લેખનીય છે કે, મંગળવારે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા કરવામાં આવેલી માંગણીઓને આગળ ધપાવવા માટે લંડનમાં ભારતીય હાઈ કમિશન બહાર પણ શુક્રવાર અને શનિવારે ભારે પ્રદર્શનો થયા હતા. વિપક્ષી સંગઠનો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા અને મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ને તુરંત અસરથી રદ કરવાની માંગ કરી રહ્યા છે, જેના કારણે બ્રિટનમાં વસતા ભારતીય સમુદાય વચ્ચે પણ બે સ્પષ્ટ ફાટા પડી ગયા છે.
બીજી તરફ, ભારતનું ચૂંટણી પંચ પોતાના સ્ટેન્ડ પર અડગ છે અને તેનું કહેવું છે કે આ સમગ્ર કવાયતનો મુખ્ય હેતુ મતદાર યાદીઓમાંથી મૃત, ડુપ્લિકેટ, શિફ્ટ થયેલા અને અયોગ્ય મતદારોના નામ દૂર કરીને યાદીને સંપૂર્ણપણે પારદર્શક બનાવવાનો છે. હાલમાં લંડનમાં ચાલી રહેલા આ વિરોધ અને પ્રતિ-વિરોધ પ્રદર્શનોને પગલે ભારતીય હાઈ કમિશન અને આસપાસના વિસ્તારમાં પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવામાં આવી છે અને સમગ્ર ઘટનાક્રમ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.
(1:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
