News of Monday, 13th July 2026
દરિયાઈ સરહદો ઓળંગી અમેરિકામાં ગુંજ્યો ભારતનો ડંકો: 'સેલ૪મી ૨૫૦' બાદ ભારતીય નૌકાદળનું તાલીમ જહાજ INS સુદર્શિની બોસ્ટન બંદરે પહોંચ્યું, 'ગ્રાન્ડ પરેડ'માં જમાવી ધાક!
૨૦થી વધુ દેશોના ૬૦થી વધુ વિશાળ જહાજોના આંતરરાષ્ટ્રીય કાફલા વચ્ચે ગૌરવભેર લહેરાયો તિરંગો; 'લોકાયણ ૨૦૨૬' અભિયાન હેઠળ ભારત-યુએસ દરિયાઈ મિત્રતા થશે વધુ મજબૂત.

બોસ્ટન : ભારતીય નૌકાદળની શાન અને સમૃદ્ધ દરિયાઈ વારસાના પ્રતીક સમાન સેઇલ તાલીમ જહાજ 'INS સુદર્શિની'એ વૈશ્વિક મંચ પર ફરી એકવાર ભારતનું ગૌરવ વધાર્યું છે. ન્યૂ યોર્કમાં આયોજિત ભવ્ય 'સેલ૪મી ૨૫૦' (Sail4th 250) ઉજવણીમાં સફળતાપૂર્વક ભાગ લીધા બાદ, આ ભારતીય જહાજ હવે યુનાઇટેડ સ્ટેટ્સના બોસ્ટન બંદરે આવી પહોંચ્યું છે. રવિવારે બોસ્ટન પહોંચેલા આ જહાજે વૈશ્વિક સ્તરે અત્યંત લોકપ્રિય એવી 'સેઇલ બોસ્ટન ૨૦૨૬' (Sail Boston 2026) ની શરૂઆતની ભવ્ય 'ગ્રાન્ડ પરેડ ઓફ સેઇલ્સ'માં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
૬૦થી વધુ આંતરરાષ્ટ્રીય જહાજો વચ્ચે ભારત આકર્ષણનું કેન્દ્ર
કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર માહિતી અનુસાર, 'INS સુદર્શિની' વિશ્વના ૨૦થી વધુ દેશોના ૬૦થી વધુ ઊંચા અને ભવ્ય જહાજોના વિશાળ આંતરરાષ્ટ્રીય કાફલામાં સામેલ થયું છે. હાલમાં ભારતીય નૌકાદળનું આ જહાજ તેના મહત્વાકાંક્ષી 'લોકાયણ ૨૦૨૬' (Lokayayan 2026) ટ્રાન્સઓસેનિક અભિયાન પર છે. આ ઐતિહાસિક સફર દરમિયાન તે સમુદ્રમાં સદ્ભાવનાના વૈશ્વિક રાજદૂત તરીકે ભારતનું અદભુત પ્રતિનિધિત્વ કરી રહ્યું છે.
અમેરિકામાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી: ૧૫ જુલાઈ સુધી મુલાકાતીઓ માટે પ્રવેશ ખુલ્લો
બોસ્ટન ખાતે ભારત અને અમેરિકા વચ્ચેના મજબૂત સંબંધોના પ્રતીક તરીકે આ જહાજ આગામી ૧૫ જુલાઈ, ૨૦૨૬ સુધી સ્થાનિક મુલાકાતીઓ, પ્રવાસીઓ અને પ્રવાસી ભારતીયો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. સંરક્ષણ મંત્રાલયે વધુમાં ઉમેર્યું હતું કે, 'સેઇલ બોસ્ટન ૨૦૨૬'માં INS સુદર્શિનીની આ સક્રિય ભાગીદારી ભારત-યુએસ વ્યૂહાત્મક અને દરિયાઈ ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જશે, તેમજ પશ્ચિમી દેશો સમક્ષ ભારતના ભવ્ય સમુદ્રી ઇતિહાસનું જીવંત પ્રદર્શન કરશે.
(6:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
