News of Saturday, 4th July 2026
ગ્રીન એનર્જી તરફ ભારતના મજબૂત કદમ: ઉદ્યોગ નિષ્ણાતોનો મોટો દાવો- 'રાતોરાત નહીં પણ સંપૂર્ણ વૈજ્ઞાનિક અને તબક્કાવાર રીતે દેશમાં લાગુ કરાયો ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમ'
જૂની ગાડીઓમાં E20 ઇંધણના વપરાશને લઈને મારુતિ સુઝુકીએ દૂર કરી વાહનચાલકોની ચિંતા; ટોયોટાના મતે ક્લાઈમેટ ચેન્જના આ યુગમાં ઇથેનોલ સાબિત થશે ગેમ ચેન્જર ઝીરો-કાર્બન ફ્યુઅલ

નવી દિલ્હી : વધતા જતા પ્રદૂષણ અને ક્રૂડ ઓઈલની આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલો 'ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ' (ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમ) અત્યારે વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. દેશના ટોચના ઓટોમોબાઈલ અને ઉર્જા નિષ્ણાતોએ નવી દિલ્હીમાં આયોજિત એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે, ભારતમાં ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ કોઈ ઉતાવળમાં કે રાતોરાત લેવાયેલો નિર્ણય નથી, પરંતુ તેને અત્યંત માપેલા, પગલાવાર અને સંપૂર્ણ વૈજ્ઞાનિક અભિગમ સાથે દેશમાં લાગુ કરવામાં આવ્યો છે.
એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ (EIL)ના ભૂતપૂર્વ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર વર્તિકા શુક્લાએ આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૮ માં આ કાર્યક્રમને તમામ હિસ્સેદારો અને ઓટોમોબાઈલ કંપનીઓ સાથે માળખાગત ચર્ચાઓ કરવા માટે જાહેર ક્ષેત્રમાં મૂકવામાં આવ્યો હતો. આ આખી પહેલ વૈજ્ઞાનિક પુરાવાઓ, 'ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઈન્ડિયા' (ARAI) અને 'સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ' (SIAM) દ્વારા કરવામાં આવેલા વ્યાપક એન્જિન ટેસ્ટિંગના સંતોષકારક પરિણામો બાદ જ આગળ વધારવામાં આવી છે.
જૂની ગાડીઓ ધરાવતા વાહનચાલકોની મૂંઝવણ દૂર થઈ
સામાન્ય રીતે વાહનચાલકોમાં એવી ચિંતા હતી કે જૂની E10 (૧૦% ઇથેનોલ મિશ્રણ) વાળી કારમાં જો નવું E20 (૨૦% ઇથેનોલ મિશ્રણ ધરાવતું) પેટ્રોલ નાખવામાં આવે તો એન્જિન બગડી શકે છે. આ મૂંઝવણનો અંત લાવતા દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીના વરિષ્ઠ કાર્યકારી અધિકારી રાહુલ ભારતીએ મોટો ખુલાસો કર્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, "મારુતિએ તેનું આંતરિક સ્તરે કડક પરીક્ષણ કર્યું છે અને તેમાં કોઈ ચિંતાજનક બાબત સામે આવી નથી. વર્ષ ૨૦૨૩ થી વેચાયેલી અમારી તમામ કાર તો સંપૂર્ણ E20 સુસંગત છે જ, પરંતુ તેનાથી જૂના વાહનો પણ આ ઇંધણનો કોઈ પણ પ્રકારના ડર વગર સુરક્ષિત ઉપયોગ કરી શકે છે. તેનાથી એન્જિનમાં ઘસારો, કાટ લાગવા કે કારના આયુષ્યને નુકસાન થવાની કોઈ જ સમસ્યા ઊભી નહીં થાય."
પરફોર્મન્સમાં પાવરફુલ અને પ્રદૂષણમાં ઝીરો
આ પ્રસંગે ગ્રીન ફ્યુઅલની પ્રશંસા કરતા ટોયોટા કિર્લોસ્કર મોટર્સના કન્ટ્રી હેડ અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ વિક્રમ ગુલાટીએ જણાવ્યું હતું કે, ઇથેનોલ એક અત્યંત સ્વચ્છ અને ઉચ્ચ ઓક્ટેન ધરાવતું ઇંધણ છે, જે ગાડીને અદભુત ડ્રાઇવેબિલિટી અને પિકઅપ (પ્રવેગકતા) પ્રદાન કરે છે. એન્જિનના પરફોર્મન્સના દૃષ્ટિકોણથી આ બળતણ બેસ્ટ છે. તેમણે ઉમેર્યું કે, આજે આખું વિશ્વ જ્યારે ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તનની ગંભીર સમસ્યાઓ સામે લડી રહ્યું છે, ત્યારે સંપૂર્ણપણે વનસ્પતિ અને કટોકટી વગરના સ્ત્રોતો (જેમ કે શેરડી અને અનાજ)માંથી મેળવેલું આ શૂન્ય-કાર્બન ઇંધણ પર્યાવરણ અને ભારતના અર્થતંત્ર બંને માટે સંજીવની સમાન સાબિત થશે.
(11:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
