News of Monday, 12th October 2026
સાયકલની ગતિથી ચાલતી ભારતની અનોખી રમકડાની ટ્રેન: માત્ર ૪૬ કિમીનું અંતર કાપવામાં લાગે છે પાંચ કલાક, છતાં પ્રવાસીઓમાં ભારે ક્રેઝ!
નીલગિરિ પર્વતોની ખીણોમાંથી પસાર થતી આ ઐતિહાસિક ટ્રેન વિશ્વની સૌથી ધીમી ટ્રેનોમાંની એક: ૨૫૦થી વધુ પુલ અને ૧૬ ટનલ પાર કરીને પ્રવાસીઓને આપે છે સ્વર્ગીય અનુભવ

ઊટી, તા.૧૨: કલ્પના કરો કે તમે એવી કોઈ ટ્રેનમાં બેઠા છો જેની ગતિ માત્ર સાયકલ ચલાવવા જેટલી એટલે કે કલાકના ૧૦ થી ૧૨ કિલોમીટર જ હોય! સાંભળીને થોડું અજીબ ચોક્કસ લાગે, પરંતુ આ એક હકીકત છે. દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાં મેટ્ટુપલયમથી ઊટી વચ્ચે દોડતી 'નીલગિરિ પેસેન્જર' (રમકડાની ટ્રેન) માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વની સૌથી ધીમી ટ્રેનોમાંની એક ગણવામાં આવે છે. આ ટ્રેનને મેટ્ટુપલયમથી ઊટી સુધીનું માત્ર ૪૬ કિલોમીટરનું અંતર કાપવામાં આખો દિવસ એટલે કે પૂરા ૫ કલાકનો સમય લાગે છે, છતાં તેની લોકપ્રિયતા એટલી બધી છે કે પ્રવાસીઓએ આમાં મુસાફરી કરવા માટે અગાઉથી બુકિંગ કરાવવું પડે છે.
બ્રિટિશ યુગના ઇજનેરી અજાયબી સમાન આ રેલવે લાઇન ૧૯મી સદીના અંતમાં એટલે કે ૧૮૯૯માં સ્થપાઈ હતી અને ૧૯૦૮ સુધીમાં સંપૂર્ણપણે કાર્યરત થઈ હતી. અંગ્રેજોએ મેદાનોની કાળઝાળ ગરમીથી બચવા માટે ઊટીને તેમના ઉનાળાના વેકેશનનું સ્થળ બનાવ્યું હતું અને આ અદભુત રૂટ તૈયાર કર્યો હતો. આ ટ્રેનની ગતિ અત્યંત ધીમી હોવાનું મુખ્ય કારણ તેનો અત્યંત મુશ્કેલ અને પર્વતીય માર્ગ છે. આવા ઊંચા અને તીવ્ર ઢાળવાળા પ્રદેશ પર ચઢવા માટે ટ્રેનમાં ખાસ 'રેક અને પિનિયન' સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. પોતાની આ અનોખી યાત્રા દરમિયાન આ ટ્રેન ૨૫૦થી વધુ પુલ, ૧૬ ટનલ અને ૨૦૮ જેટલા તીક્ષ્ણ વળાંકોમાંથી પસાર થાય છે.
આ ટ્રેનની આકર્ષક બનાવટ પણ પ્રવાસીઓને ખુબ આકર્ષિત કરે છે. વાદળી રંગના ૩ થી 4 કોચ ધરાવતી આ મોહક રમકડાની ટ્રેન જ્યારે નીલગિરિના પર્વતો અને હરિયાળા ચાના બગીચાઓ વચ્ચેથી પસાર થાય છે, ત્યારે કુદરતનું અદ્ભુત સૌંદર્ય જોવા મળે છે. રૂટ પર આવતા કુન્નુર, લવડેલ, એડર્લી અને વેલિંગ્ટન જેવા સ્ટેશનો પણ ખૂબ જ સુંદર છે. ધીમી ગતિ હોવા છતાં મુસાફરોને આ મુસાફરીનો કંટાળો નથી આવતો, કારણ કે તેઓ બારીઓમાંથી આહલાદક ખીણો, બરફ જેવું વાતાવરણ અને મનમોહક નજારાઓનો આનંદ માણી શકે છે.
આ ટ્રેન અને તેના ઐતિહાસિક મહત્વને જાળવી રાખવા માટે યુનેસ્કો દ્વારા તેને 'વર્લ્ડ હેરિટેજ' નો દરજ્જો આપવામાં આવ્યો છે. આધુનિક ટેકનોલોજીની મદદથી તેની ગતિ વધારી શકાય તેમ છે, પરંતુ તેની પૌરાણિક સુંદરતા અને મૂળ અસ્મિતા જળવાઈ રહે તે માટે તેની મૂળ ગતિ અને ઐતિહાસિક ઓપરેશન પદ્ધતિને આજદિન સુધી યથાવત રાખવામાં આવી છે.
(4:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
