<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

દુબઈમાં હવે ભારતનું UPI ધૂમ મચાવશે: બુર્જ ખલીફા ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે UPI ચુકવણી સ્વીકારનાર UAE નું સર્વપ્રથમ આકર્ષણ બન્યું!

NPCI ની આંતરરાષ્ટ્રીય શાખા NIPL અને NEOPAY ની ઐતિહાસિક પહેલ; હવે ભારતીય પ્રવાસીઓ ઘરે બેઠા સત્તાવાર વેબસાઇટ પરથી જ ઈ-કોમર્સ દ્વારા સરળતાથી બુક કરી શકશે બુર્જ ખલીફાની ટિકિટો

નવી દિલ્હી : દુબઈ અને સમગ્ર સંયુક્ત આરબ અમીરાત (UAE) ની મુલાકાતે જતા ભારતીય પ્રવાસીઓ માટે એક અત્યંત ઉત્સાહજનક સમાચાર આવ્યા છે. વિશ્વની સૌથી ઊંચી ઈમારત 'બુર્જ ખલીફા' ખાતે હવે ટિકિટ બુકિંગ અને અન્ય અનુભવો માટે ભારતના લોકપ્રિય 'યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ' (UPI) નો ઉપયોગ કરી શકાશે. 'એનપીસીઆઈ ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ' (NIPL) ના જણાવ્યા અનુસાર, બુર્જ ખલીફા UAE માં ઈ-કોમર્સ અને ઓનલાઈન ટિકિટિંગ વ્યવહારો માટે UPI સ્વીકારનારું સર્વપ્રથમ પ્રવાસન સ્થળ બની ગયું છે.

ઘરે બેઠા જ થશે સીમલેસ પેમેન્ટ:

આ ડિજિટલ ક્રાંતિ NPCI ની આંતરરાષ્ટ્રીય શાખા NIPL, NEOPAY અને ઇમાર એન્ટરટેઈનમેન્ટ (Emaar Entertainment) વચ્ચેની ભાગીદારીના પરિણામે શક્ય બની છે. આ નવી સુવિધા દ્વારા ભારતીય પ્રવાસીઓ UAE ની મુસાફરી શરૂ કરતા પહેલા જ પોતાના મોબાઈલમાં રહેલી કોઈપણ UPI-સક્ષમ પેમેન્ટ એપ વડે બુર્જ ખલીફાની સત્તાવાર વેબસાઇટ પરથી ઓબ્ઝર્વેશન ડેક ('એટ ધ ટોપ') સહિતના તમામ શો અને અનુભવો માટે ઓનલાઈન ટિકિટ ખરીદી શકશે.

ડિજિટલ પેમેન્ટ કનેક્ટિવિટીમાં નવો માઇલસ્ટોન:

અગાઉ વર્ષ ૨૦૨૨ થી ભારતીય પ્રવાસીઓ UAE માં માત્ર રીટેલ સ્ટોર્સ કે મર્ચેન્ટ આઉટલેટ્સ પર QR કોડ સ્કેન કરીને UPI ચૂકવણી કરી શકતા હતા. પરંતુ આ નવા એકીકરણ સાથે હવે ઈ-કોમર્સ એટલે કે ઓનલાઈન બુકિંગ ક્ષેત્રે પણ UPI ની સુવિધા વિસ્તારવામાં આવી છે. NIPL ના મેનેજિંગ ડિરેક્ટર અને CEO રિતેશ શુક્લાએ જણાવ્યું હતું કે આ પગલું ભારતીય પ્રવાસીઓને આંતરરાષ્ટ્રીય પ્રવાસ દરમિયાન અત્યંત સરળ, ઝડપી અને પરિચિત પેમેન્ટ મોડ આપશે.

ભારતીય મુલાકાતીઓને થશે સીધો ફાયદો:

NEOPAY ના CEO વિભોર મુંધડાએ આ એકીકરણને સમગ્ર ગલ્ફ દેશો (GCC) માં ડિજિટલ વાણિજ્ય માટે એક મોટી ક્ષણ ગણાવી હતી. તેમણે ઉમેર્યું કે NEOPAY આ પ્રદેશમાં ઓનલાઈન વ્યવહારો માટે UPI સ્વીકારનારી પ્રથમ સંસ્થા બની છે. ઇમાર એન્ટરટેઈનમેન્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે બુર્જ ખલીફા ખાતે આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓમાં ભારતીયોનો હિસ્સો સૌથી મોટો છે, તેથી આ પગલાથી લાખો ભારતીય પ્રવાસીઓને સીધો અને મોટો ફાયદો થશે.

(7:10 PM IST)